રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના કાકાનાં મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃતક દીકરીનાં માતા-પિતાને ઇજા પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. ગઇકાલે સાંજના સમયે વરસાદે વિરામ લીધા બાદ મિયાત્રા પરિવારના 4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રાત્રિના લગભગ 1થી 1.30 વાગ્યાના અરસામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી નાસી છૂટ્યો હતો, જેમાં 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે તેનાં માતા-પિતાને ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મૃતક રવિની પિતરાઇ ભાઇ અને ભાભી સાથેની છેલ્લી સેલ્ફી યાદગાર બની
કુચિયાદળ પાસે અજાણ્યા વાહનની ઠોકરે રાજકોટના પરિવારના વિક્રમભાઇ, તેમની પત્ની પાયલબેન, પુત્રી નવ્યા અને પિતરાઇ ભાઇ રવિ મિયાત્રા ચડ્યા હતા. જેમાં નવ્યા અને રવિના મોત નીપજ્યા હતા. જ્યારે પાયલબેન અને તેના પતિ વિક્રમભાઇને ઇજા પહોંચતા રાજકોટ ખસેડાયા હતા. ચોટીલા પગપાળા માનતા પુરી કરવા જતા વિક્રમભાઇએ પત્ની પાયલ અને પિતરાઇ ભાઇ રવિ સાથે એક સેલ્ફી લીધી હતી. જેમાં સર્કલમાં દેખાતા રવિભાઇની આ તસવીર યાદગાર બની ગઇ છે.
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો
નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે,મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પૂરી કરવા માટે તેઓ ગઇકાલે સાંજે 6 વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા જઇ રહ્યા હતા. આ સમયે રાત્રિના 1થી 1.30 વાગ્યા અરસામાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતાં મારી દીકરી અને તેના કાકાના દીકરા ભાઇ રવિનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીની માતાને હાથમાં અને પિતાને માથામાં ઇજા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલાં દીકરીની માતાને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે તેના પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયાં હતાં. જોકે દીકરીના પિતાની તબિયત સ્વસ્થ છે, પરંતુ એકની એક દીકરી છીનવાઇ જતાં પરિવાર ભાંગી ગયો છે.
ત્રણ દિવસ પહેલાં રાજકોટમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ક્લિનરનું મોત થયું હતું
ત્રણ દિવસ પહેલાં રાજકોટની બેડી ચોકડી પાસે સવારે બંધ ટ્રક પાછળ આઇસર ધડાકાભેર અથડાઈ હત, જેમાં પડધરી તાલુકાના ઉકરડા ગામમાં રહેતો અને ક્લિનર તરીકે કામ કરતો દીપક સોલંકી પડીકુ વળી ગયેલા બોનેટમાં જ ફસાઈ ગયો હતો. જોકે આ અંગે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં અને 108ને જાણ થતાં દોડી આવી હતી. 108ની ટીમે તપાસ કરતાં દીપકનું મોત થયું હતું. બાદમાં પોલીસે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેમના પરિવારને જાણ કરતાં તેના કૌટુંબિક મોટો ભાઇ નરેશભાઇ દોડી આવ્યા હતા. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.