તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામૂહિક આપઘાત કેસ:રાજકોટમાં કૂવામાં ઝંપલાવી આપઘાત કરનાર કૌટુંબિક ભાઇ-બહેન મોબાઇલ પર સતત સંપર્કમાં રહેતા, કોલ ડિટેઇલમાં ખુલાસો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત બુધવારે વેજાગામની સીમમાં અવાવરૂ કૂવામાંથી બે પિતરાઈ ભાઇ અને એક બહેનનો મૃતદેહ મળ્યો હતો

રાજકોટ નજીકના મનહરપુર ગામના ઢોરા પર રહેતા બે પિતરાઈ ભાઈ અને એક બહેનનો ગત બુધવારે વેજાગામ વાજડી વચ્ચે અવવારૂ કૂવામાંથી મૃતદેહ મળ્યા હતા. જેમાં મૃતક પબા બાંભવા, ડાયા બાંભવા અને પમી હેમાભાઈ બાંભવાની ઓળખ થઈ હતી. મૃતક પમીના લગ્ન પાંચ વર્ષ પહેલા થઇ ગયા હતા. આ અંગે પોલીસે ત્રણેયના મોબાઇલ કબ્જે કરી કોલ ડિટેઇલ કઢાવી હતી. પરંતુ પમી તેની માતાનો મોબાઈલ ફોન ઉપયોગ કરતી હોવાથી તેની કોલ ડિટેઈલ કઢાવાતા ખુલાસો થયો છે કે, ડાયો અને પમી મોબાઇલ પર સતત સંપંર્કમાં રહેતા હતા.

પરિવારજનોનું કારણ વિશે અજાણ હોવાનું રટણ
પોલીસે કારણ જાણવા તપાસ કરી હતી. પરંતુ મૃતકના પરિવારજનોએ કારણ વિશે અજાણ હોવાનું રટણ કરતા કારણ અંગે રહસ્ય સર્જાયું હતું. આ સ્થિતિમાં પોલીસે મૃતક ડાયા ઉપરાંત પમી તેની માતાનો મોબાઈલ ફોન વાપરતી હોવાથી બન્નેની કોલ ડિટેઈલ કઢાવી હતી. આ કેસની તપાસ કરતા એસીપી દિયોરાના જણાવ્યા પ્રમાણે મૃતક પમી અને ડાયાના કોલમાં લાંબી વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વેજાગામ અને વાજડી વચ્ચે રસ્તામાં કૂવામાંથી ત્રણેયના મૃતદેહ મળ્યાં હતા.
વેજાગામ અને વાજડી વચ્ચે રસ્તામાં કૂવામાંથી ત્રણેયના મૃતદેહ મળ્યાં હતા.

પમીના સાસરીયા પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરાશે
એટલું જ નહી બન્ને મોડી રાત સુધી પણ વાતચીત કરતા હોવાનાં પુરાવા મળ્યા છે. ઘરેથી પમી જે દિવસે ભાગી તે પહેલા પણ તેની ડાયા સાથે લાંબી વાતચીત થઈ હતી. જેને કારણે બન્નેના પરિવારજનો ઉપરાંત પમીના સાસરીયા પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત પમી જેની સાથે લાંબી વાતચીત કરતી હતી તે તમામની પણ પૂછપરછ માટે બોલાવાશે. ઉલ્લેખનીય છે કે પમીના લગ્ન થઈ ગયા હતા. આણું વાળી તેને ગત ગુરૂવારે જ સાસરે વળાવવાની હતી. પરંતુ તે પહેલા તેણે અને તેના બે પિતરાઈ ભાઈઓએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા કારણ અંગે રહસ્ય સર્જાયુ હતું.

ત્રણેય એક જ બાઇકમાં ગયા હતા.
ત્રણેય એક જ બાઇકમાં ગયા હતા.

પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે હેમાભાઇ બાંભવાની પુત્રી પમીના લગ્ન પાંચ વર્ષ પહેલાં કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી. જોકે એ પહેલાં મંગળવારે રાત્રે 12 વાગ્યા પછી પમી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી અને બુધવારે બપોરે વાજડીના કૂવામાંથી પમી અને તેના બે પિતરાઇની લાશ મળી આવી હતી.

પોલીસને પ્રેમસંબંધની શંકા.
પોલીસને પ્રેમસંબંધની શંકા.

મોબાઇલ રણક્યો અને ઓળખ મળી
વેજાગામ વાજડીની સીમમાં કૂવા પાસેથી એક ગ્રામજન પસાર થતા હતા ત્યારે કૂવા પાસે મોબાઇલ અને ત્રણ જોડી ચપ્પલ જોવા મળતાં કશુંક અજુગતું થયાની શંકાએ ગ્રામજન કૂવા પાસે પહોંચ્યા હતા. ગ્રામજન હજુ કોઇને જાણ કરે એ પહેલા જ બિનવારસી હાલતમાં મળેલા મોબાઇલમાં રિંગ વાગી હતી, તે ફોન રિસીવ કરતાં જ મૃતકોની ઓળખ મળી હતી.

મનહરપુરમાંથી પમીને ઉઠાવી, આખીરાત ત્રણેયે ક્યાં વિતાવી એ તપાસનો મુદ્દો
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મનહરપુર ઢોળા પાસે રહેતો કવા પબાભાઇ બાંભવા (ઉં.વ.16) બાઇક લઇને મંગળવારે રાત્રે રેલનગરના સંતોષનીગરમાં રહેતા તેના પિતરાઇ ડાયા પ્રભાત બાંભવાના ઘર પાસે ગયો હતો અને બંને પિતરાઇ રાત્રિના 11.30 વાગ્યા સુધી બેઠા હતા અને બાદમાં બાઇક પર બંને ત્યાંથી નીકળી ગયા હતા. રાત્રે 12 વાગ્યા પછી મનહરપુર ઢોળે ગયા હતા અને ત્યાંથી પમીને ઉઠાવી હતી અને ત્રણેય એક જ બાઇકમાં ત્યાંથી નીકળી ગયા હતા. બુધવારે બપોરે ત્રણેયની લાશ કૂવામાંથી મળી આવી હતી. પમી, કવા અને ડાયાએ આખી રાત ક્યાં વિતાવી હતી એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.