પત્ની મેદાને:રાજકોટમાં 2 વિદ્યાર્થિની છેડતી કરનાર સ્કૂલ સંચાલકે અગાઉ શિક્ષિકા પર નજર બગાડ્યાનો આક્ષેપ, મહિલા જિલ્લા અગ્રણી પત્નીએ કહ્યું- બદનામ કરવાનું ષડયંત્ર

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પતિ દિનેશ જોશી અને તેની પત્ની સીમા જોશીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
આરોપી પતિ દિનેશ જોશી અને તેની પત્ની સીમા જોશીની ફાઇલ તસવીર.
  • હું ઇન્દ્રની અપ્સરા જેવી છું મારો પતિ તારા જેવી સામે થુંકે પણ નહિની ગઇકાલે ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી

રાજકોટ જિલ્લાના નવી મેંગણી ગામે બે વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી સામે ફરિયાદ નોંધાઈ છે. બાદમાં તેની પત્ની અને જિલ્લા ભાજપના મહિલા અગ્રણી સીમા જોશી દ્વારા સ્કૂલના શિક્ષિકા સાથે ફોન પર વાત કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. તેમાં પણ અન્ય એક શિક્ષિકા સાથે સંચાલક દિનેશ જોશીએ નજર બગાડી હોવાના આક્ષેપ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા ભાજપ અગ્રણી સીમા જોશી તેમના પતિ પર લગાવવામાં આવેલા આરોપને ખોટા ગણાવી રહ્યા છે અને ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ ન હોવાનો બચાવ કરી રહી છે.

શિક્ષિકા સામે નજર બગાડી તે અંગે ફરિયાદ નોંધાઇ નથી
રાજકોટ જિલ્લાના નવી મેંગણી ગામે આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ફરિયાદ લોધિકા પોલીસમાં નોધવામાં આવી છે. જોકે ફરિયાદ થયાના પાંચમાં દિવસે પણ આરોપી પકડાયો નથી. ત્યાં વધુ એક શિક્ષિકા સાથે ખરાબ નજર કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ચર્ચાએ જોર પકડ્યું છે. જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીના આક્ષેપ સામે આવ્યા એ સમયે સ્કૂલના જ એક શિક્ષિકા સાથે દિનેશ જોશીએ નજર બગાડી હોવાના આક્ષેપ થયા છે. જોકે આ મામલે સત્તાવાર કોઈ ફરિયાદ થઈ નથી અને આ આક્ષેપો પણ ખોટા હોવાનું મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યું હતું.

ફરિયાદ થયાના 5 દિવસે આરોપી પોલીસ પકડથી દૂર
ફરિયાદના 5 દિવસ છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે આરોપીના પત્ની અને જિલ્લા ભાજપના મહિલા અગ્રણી સ્કૂલના શિક્ષિકા અને વિદ્યાર્થિનીને ધમકાવતા હોવાની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ પામી હતી. જોકે આ વાઇરલ ઓડિયો ક્લિપમાં અવાજ તેમનો ન હોવાનું અને તેમના પતિને બદનામ કરવા ખોટી રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ગઇકાલે સીમા જોશીની ધમકીની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી
ગઈકાલે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં સીમા જોશી છાત્રાને કહે છે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે. સીમા જોશીનો પુત્ર પણ વિદ્યાર્થિનીને ધમકી આપતાં કહે છે, જો તું ખોટી હોઈશ તો તને પોલીસ ભેગી કરી દઈશ અને નહિ હોય તો ઘરભેગી કરી દઈશું.

આરોપી પતિને બચાવવા સીમા જોશીના ધમપછાડા (ફાઇલ તસવીર).
આરોપી પતિને બચાવવા સીમા જોશીના ધમપછાડા (ફાઇલ તસવીર).

સીમા જોશીએ છાત્રાને બેફામ ગાળો આપી
બાદમાં મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે તે છે કે તેં ક્યારે જોયું સરને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યું હતું? 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે કે તે તારી સામે જુએ? તારું બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધું બહાર આવશે. પોલીસને સાથે લઈ આવી કેસ કરું છું.

પુત્રએ પણ શિક્ષિકાને ધમકી આપી
સીમા જોશીનો પુત્ર શિક્ષિકાને કહે છે, તમે કોઈ છોકરા સાથે રખડો છો એવું તમારા પપ્પાને કહું તો તેઓ માનશે? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય, મને 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકા કહે છે કે મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું એટલું જ જાણું છું.

અન્ય સમાચારો પણ છે...