• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • While Waiting For The Vehicle, Two Persons Came, Thinking They Were Robbers, Praudha Jumped The 10 Feet Wall And Entered The Stranger's House.

ભાસ્કર વિશેષ:વાહનની રાહમાં હતા ત્યાં બે શખ્સ આવી ચડ્યા, તે લૂંટારા હોવાનું સમજી પ્રૌઢા 10 ફૂટની દીવાલ કૂદી અજાણ્યાના ઘરમાં ઘૂસી ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 81ની ટીમે માજીનું કાઉન્સેલિંગ કરીને પરિવારજનો સાથે મિલન કરાવ્યું
  • મિલકત સંબંધી જેઠના દીકરા સાથે ઝઘડો થયા બાદ પ્રૌઢા પોલીસમાં ફરિયાદ લખાવવા ગયા હતા, વળતાં બસની રાહ જોઇને બેઠા હતા

રાજકોટ નજીક આવેલા ગામમાં રહેતા દુધીબેનને મિલકત સંબંધી તેના જેઠના દીકરા સાથે ઝઘડો થયો હતો. આ અંગે તેઓ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરતા હતા. બસની રાહ જોતા તેઓ પીપળિયા ગામે બસ સ્ટેન્ડ બહાર બેઠા હતા. બાજુમાં મોરબીના મૃતકોની શોકસભા ચાલતી હતી. ત્યાં ધૂન-ભજન-કીર્તન કર્યા હતા. બાદમાં વાહનની રાહ જોઈને બેઠા હતા ત્યારે બે બાઈકસવાર નીકળ્યા હતા. માજીને લાગ્યું કે તેને પહેરેલા ઘરેણાં લૂંટી જશે. આથી માજી નજીકના મકાનની 10 ફૂટ ઊંચી દીવાલ કૂદીને અજાણ્યા ઘરમાં ઘૂસી ગયા. મકાનમાલિકને લાગ્યું કે ચોર છે.

બાદમાં આ અંગેની જાણ 181 ટીમને કરવામાં આવી હતી. જેને માજીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા જણાવે છે કે, માજીને સંતાનમાં ત્રણ દીકરા છે. જેમાં એક માનસિક રીતે દિવ્યાંગ છે. બીજો દીકરો પરિણીત છે જે અલગ રહે છે અને ત્રીજો દીકરો દારૂ પીવાની ટેવ ધરાવે છે. જ્યારે તેના પતિ ડ્રાઈવરનું કામ કરે છે. મિલકત માજીના પતિના નામની છે.

જેઠના દીકરા અવાર-નવાર આ બાબતે ઝઘડો કરતા હોય છે. માજીએ પોતાની હદમાં છાણા અને લાકડાં મૂકી દીધા હતા. ઝઘડો થતા તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ કર્યા બાદ તેઓ એકલા પરત ફરતા હતા. માજી એકલા બેઠા હતા. તેને કાનમાં બૂટી સહિતના ઘરેણાં પણ પહેર્યા હતા. માજી એટલા ડરી ગયા હતા કે તે કોઈ પર વિશ્વાસ જ નહોતા કરતા.

જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેને અડધો દરવાજો ખોલીને ખાતરી કરી કે હકીકતે કોણ છે. ફરી દરવાજો બંધ કરી દીધો.વાતચીત કરતા તેને વિશ્વાસ આવતા દરવાજો ખોલ્યો હતો. બાદમાં તેને ઘરનું સરનામું પૂછીને ત્યાં ઘરે મૂકવા ગયા હતા. જ્યાં તેના પરિવારજનોને પણ સમજાવ્યા હતા. દીકરાએ તેની જવાબદારી લેવાની ખાતરી આપી હતી. અને હવે માજીને ક્યાંય એકલા ન મૂકવા તૈયારી બતાવી હતી. માજીનું કાઉન્સેલિંગ કરવામાં અંદાજિત દોઢ કલાકનો સમય લાગ્યો હતો. (નોંધ : પ્રૌઢાનું નામ બદલાવેલ છે.)

અન્ય સમાચારો પણ છે...