રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવનગર વિસ્તારમાં રાત્રીના સમયે ગેસનો બાટલો ફાટ્યાની ગંભીર ઘટના બનતા રહેણાક મકાનમાં નુકસાની થઈ છે. સદનસીબે જાનહાનિ થઈ નથી.
શિવનગર-2માં બિનાબેન ગોપાલસિંહ પરમાર નામના મહિલાના મકાનનો ઉપરનો માળ પરપ્રાંતીયોને ભાડે આપેલો છે. રાત્રીના સમયે બાલ્કનીમાં સિલિન્ડર રાખીને પરપ્રાંતીયો રસોઈ બનાવતા હતા ત્યારે અચાનક લીક થયો હતો અને આગ લાગી હતી જેથી યુવાનો ભાગી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફોન આવતા હાર્દિક ગઢવી, અભયસિંહ હાડા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો આ દરમિયાન બાટલામાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેથી રવેશની દીવાલ તૂટી હતી અને બારી બારણામાં નુકસાન થયું હતું આ રીતે મકાનને નુકસાન કર્યું હતું જોકે લોકો બહાર નીકળી ગયા હોવાથી જાનહાનિ થઈ ન હતી. સ્ટાફે આગ બુઝાવી દીધી હતી પણ સ્થળ પરથી બાટલો મળ્યો ન હતો.
આસપાસની શેરીઓમાં તપાસ કરતા બનાવ સ્થળેથી 200 ફૂટ દૂર ત્રીજી શેરીમાં એક રહેણાક મકાનના ધાબા પરથી બાટલાના અવશેષો મળ્યા હતા તેથી વિસ્ફોટ કેટલો પ્રચંડ હશે તેની પ્રતીતિ થઈ હતી. આ 5 કિલોની ક્ષમતા ધરાવતું નાનું સિલિન્ડર હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.