રાજકોટ ગુજરાતનું પ્રથમ એવું શહેર બનશે કે જ્યાંના વાહનચાલકો મેપ માય ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટ્રાફિક અડચણોનો રિયલ ટાઇમ અપડેટ મેળવી શકશે, વાહનચાલકને આ એપથી એવી પણ માહિતી ઉપલબ્ધ થશે કે અત્યારે ક્યા માર્ગ પર ટ્રાફિકજામ છે, તો એ માર્ગને બદલે વૈકલ્પિક ક્યો માર્ગ આવન જાવન માટે ઉપયોગમાં લઇ શકાશે, વાહનચાલક વધુ સ્પીડથી વાહન ચલાવતો હશે તો તેને એપથી ચેતવણી પણ મળી જશે.
રાજકોટના ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે, વાહનચાલકો મેપ માય ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટ્રાફિક અડચણોનો રિયલ ટાઇમ અપડેટ મેળવી શકે તેવી આ સેવાનો લાભ મેળવનારા દેશના કેટલાક શહેરોમાં રાજકોટની પણ પસંદગી કરવામાં આવી છે. રાજકોટમાં કઇ જગ્યાએ વિકાસ કામ માટે ખાડો ખોદવામાં આવ્યો છે?, ક્યા ટ્રાફિકજામ છે?, ક્યા ડાયવર્ઝન છે?, કોઇ વીઆઇપી આવવાનો હોય ત્યારે ક્યો રૂટ બંધ કરવામાં આવ્યો છે? સહિતની લેટેસ્ટ અપડેટ આ એપ મારફતે મેળવી શકાશે.
એપમાં દર્શાવવામાં આવેલી તમામ સવલતોનું યોગ્ય રીતે અમલવારી થઇ શકતી હશે તો આગામી અઠવાડિયે એમઓયું કરવામાં આવશે. ડીસીપી પૂજા યાદવે એમપણ જણાવ્યું હતું કે, એક નોડલ ઓફિસર ડેપ્યુટ કરવામાં આવશે, જે અમારા ફિલ્ડ સ્ટાફ પાસેથી ટ્રાફિક અને રોડની માહિતી એકઠી કરશે અને એપને પહોંચાડતા રહેશે, જેનાથી આ એપનો ઉપયોગ કરતા વાહનચાલકોને છેલ્લામાં છેલ્લી માહિતી મળતી રહેશે.
એટલું જ નહીં આવી માહિતી આપવા માટે વાહનચાલકોને પણ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવશે, જેથી એપ પર સાચી માહિતી મળતી રહે, તેમણે એ પણ કહ્યું હતું કે, દરેક રસ્તા માટે સ્પીડ લિમિટ નક્કી કરેલી છે, જો કોઇ વાહનચાલક વધુ સ્પીડથી વાહન ચલાવતો હશે તો તેને આ એપ્લિકેશનથી ચેતવણી આપવામાં આવશે અને સ્પીડ કન્ટ્રોલ કરવા તાકીદ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.