કોરોના સંક્રમણ વધતા સરકારે કર્ફ્યૂનો સમય વધારી રાત્રિના 10 વાગ્યાથી કર્ફ્યૂ અમલી બનાવ્યો છે, રાજકોટ પોલીસ સરકારના આદેશનો કડકાઇથી અમલ કરવા લાગી છે, શનિવારે રાત્રે 10ના ટકોરે પોલીસના ધાડા રસ્તા પર ઉતરી ગયા હતા અને વાહનચાલકોને અટકાવી કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, પ્રવર્તમાન સ્થિતિમાં પોલીસની આ કામગીરી સરાહનીય છે પરંતુ પોલીસ માત્ર સામાન્ય નાગરિકને જ હેરાન કરવામાં પાવરધી હોય તેવું વધુ એક વખત પુરવાર થયું છે.
તાલુકા પોલીસ સ્ટેશનની દીવાલ સાથે જ જોડાયેલું જલારામ ફૂડકોર્ટ નામનું રેસ્ટોરન્ટ રાત્રિના 11.35 વાગ્યે ધમધમતું હતું, પોલીસ સ્ટેશનમાં કાફલો હાજર હતો, છતાં બાજુમાં લોકો આરામથી નાસ્તો કરતા હતા, એટલું જ નહીં રેસ્ટોરન્ટથી 50 મીટર દૂર આવેલી કટારિયા ચોકડીએ તાલુકા પોલીસની ટીમ જ બંદોબસ્તમાં તૈનાત હતી અને પસાર થતા વાહનચાલકોને અટકાવી રોફ જમાવતી હતી.
પરંતુ આ પોલીસને બાજુમાં જ આવેલા રેસ્ટોરન્ટમાં આરામથી ભોજન કરી રહેલા લોકો અને પોલીસની છાતી નીચે જ કોઇપણ જાતના ભય વગર સંચાલક રેસ્ટોરન્ટ ચલાવતો હતો, તેને પોલીસ આવવાનો ડર નહોતો કદાચ પોલીસ સાથે અગાઉથી તેણે ચોક્કસ પ્રકારની વાત કરી લીધી હશે, એવું જ દૃશ્ય જામનગર રોડ પર આવેલા આજ રેસ્ટોરન્ટની બીજી બ્રાંચ જલારામ ફૂડકોર્ટની હતી ત્યાં પણ લોકો વિવિધ પ્રકારના નાસ્તા આરોગતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.