મકરસંક્રાંતિને લઇ બજારમાં અનેક પ્રકારની અનોખી વેરાઇટીની પતંગ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટના એક દંપતીએ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવી છે. સામાન્ય કાગળની પતંગમાં છોડના બીજ રાખવામાં આવ્યા છે. જેથી પતંગ જે સ્થળ પર પડશે અને જરૂરિયાત મુજબ પાણી મળી રહેતા તેમાંથી છોડ ઊગી નીકળશે.
મકરસંક્રાંતિને લઇ બજારમાં અનેક પ્રકારની વેરાઈટીની પતંગ જોવા મળી રહી છે. દર વર્ષે અવનવી પ્રકારની પતંગ ધૂમ મચાવે છે. ત્યારે રાજકોટમાં રહેતા રામાનુજ દંપતીએ દર તહેવારની જેમ આ વર્ષે પણ અનોખી પતંગ બનાવી છે. પતંગ બનાવનાર હિરલ રામાનુજના જણાવ્યા અનુસાર પતંગના નીચેના છેડે પોકેટ બનાવી તેમાં બીજ રાખવામાં આવ્યા છે. આ બીજ પણ વજનરહિત મુકવામાં આવ્યા છે, જેથી પતંગ ચગાવવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પતંગ ચગાવતી વખતે પતંગ કપાઈ જતા જે તે સ્થળ પર પડશે, ત્યાં જમીનની અનુકૂળતા સાથે થોડું પાણી મળી રહેતા બીજમાંથી છોડ ઊગી નીકળશે.
ઉપરાંત જો પતંગ ખેતરમાં પડે તો ફળદ્રુપ જમીન હોવાથી ઝડપથી ઊગી શકે છે. આ જ વિચાર સાથે પતંગમાં મોટી કરેણ, માંજર, તુલસી જેવા અનેક છોડના બીજ રાખવામાં આવ્યા છે. વેચાણ અર્થે નહિ પણ પોતાના માટે પરિવારના સભ્યોના સહયોગથી અત્યારે 150 જેટલી પતંગ બનાવવામાં આવી છે. ઉપરાંત રામાનુજ દંપતી દ્વારા તેમના પરિવાર - મિત્રવર્તુળમાં પણ લોકો આવી પતંગ બનાવે તેવું સૂચન કરવામાં આવે છે.
ઉત્પાદક આ પ્રકારની પતંગ બનાવે તો વધુ ફાયદો થાય
દર વર્ષે ઉત્પાદકો દ્વારા અવનવી વેરાઇટીની પતંગ બનાવવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવનાર જિગ્નેશ રામાનુજના જણાવ્યા અનુસાર ઉત્પાદકો પાસે ઘણા કામ કરતા લોકો હોઇ છે. જેથી જો તેઓ દ્વારા આવી ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવી બજારમાં મુકવામાં આવે તો છોડની સંખ્યામાં વધારો થતા નેચરમાં વધારો થઇ શકે છે. સામાન્ય પતંગનાં બદલે જો આ પ્રકારની પતંગ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે તો અને 10માંથી 2 પતંગના બીજમાંથી પણ જો છોડ ઊગે તો લેખે ગણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.