ઘરના જ ઘાતકી કેમ:‘ઓનર કિલિંગ’ના નામે થતી હત્યાઓનો અંત ક્યારે ?, 83.3%ના મતે સ્ત્રીઓની સ્વતંત્રતા ન સ્વીકારતાં પરિવારજનો ઓનર કિલિંગ કરે છે

રાજકોટ17 દિવસ પહેલા
 • મનોવિજ્ઞાન ભવન દ્વારા 810 લોકો પર સરવે કરવામાં આવ્યો, જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં

ઉપલેટામાં 14 દિવસ પહેલાં પતિ-પત્નીની સરાજાહેર હત્યા થઈ હતી. જ્યારે પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલ્યો ત્યારે યુવતીના પિતા અને ભાઈને તેનો પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી બન્નેની હત્યા કરી હતી. ઓનર કિલિંગના આ કિસ્સાથી સમગ્ર સૌરાષ્ટ હચમચી ગયું હતું. ઓનર કિલિંગ એક સમાજનું દૂષણ, જે કુટુંબમાં વિક્ષેપ ઊભો કરી કુટુંબના સભ્યો દ્વારા જ કુટુંબના સભ્યોને મોતને ઘાટ ઉતારે છે. એ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો.ધારા આર.દોશી અને ડો.હસમુખ ચાવડા દ્વારા 810 લોકો પર સરવે કરવામાં આવ્યો, જેમાં ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે.

સરવેનાં તારણો

પ્રશ્ન:તમે ઓનર કિલિંગ વિશે જાણો છે?
જવાબ: જેમાં 70.8%એ હા અને 29.2% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:સમાજમાં કુટુંબની આબરૂ જતી રહેવાના ડરથી ઓનર કિલિંગ થાય છે ?
જવાબ: જેમાં 87.5%એ હા અને 12.5% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:ભણતરના અભાવે ઓનર કિલિંગ થતું જોવા મળે છે?
જવાબ: જેમાં 70.8%એ હા અને 29.2% એ ના જણાવી.

પ્રશ્ન:શું પિતૃસત્તાક વ્યવસ્થા ઓનર કિલિંગનું કારણ છે?
જવાબ:જેમાં 75% લોકોએ હા અને 25% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:સ્ત્રીઓની સ્વતંત્રતા ન સ્વીકારવાની વૃત્તિ ઓનર કિલિંગનું કારણ છે?
જવાબ:જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પ્રશ્ન:સ્ત્રીએ જાતે શોધેલી વ્યક્તિનો અસ્વીકાર ઓનર કિલિંગ માટે જવાબદાર છે?
જવાબ:જેમાં 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:લિંગ આધારિત માનસિક ભેદભાવ ઓનર કિલિંગને વેગ આપે છે?
જવાબ:જેમાં 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:જડ માન્યતાઓ ઓનર કિલિંગનું કારણ બને છે?
જવાબ:જેમાં 91.7% લોકોએ હા અને 8.૩% લોકોએ ના જણાવી

પ્રશ્ન:પરિવારમાં આંતરિક વિખવાદ ઓનર કિલિંગનું કારણ હોઈ શકે?
જવાબ:જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:ઓનર કિલિંગનો સૌથી વધુ ભોગ કોણ બને છે?
જવાબ:જેમાં 66.7% સ્ત્રીઓ, 16.7% બાળકો, 8.3% લોકોએ પુરુષો અને 8.3% લોકોએ વૃદ્ધો જણાવ્યું.

પ્રશ્ન:પંચ દ્વારા લેવાયેલા ખોટા નિર્ણયને કારણે ઓનર કિલિંગ જોવા મળે છે?
જવાબ:જેમાં 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:જતું કરવાની ભાવનાના અભાવને કારણે ઓનર કિલિંગ થાય છે?
જવાબ:જેમાં 75% લોકોએ હા અને 25% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:નાતજાતના પૂર્વગ્રહ ઓનર કિલિંગ માટે જવાબદાર છે?
જવાબ:જેમાં 95.8% લોકોએ હા અને 4.2% લોકોએ ના જણાવી

પ્રશ્ન:ઓનરકિલિંગ એ સમાજ માટે ભયરૂપ છે?
જવાબ:જેમાં 91.7% લોકોએ હા અને 8.3% લોકોએ ના જણાવી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પ્રશ્ન:તમે કોઈ જગ્યાએ ઓનર કિલિંગ જોયું છે?
જવાબ:જેમાં 70.8% લોકોએ ના અને 29.2% લોકોએ હા જણાવી.

પ્રશ્ન:ઓનરકિલિંગ પરિવારના સન્માનને પુનર્જીવિત કરી શકે છે?
જવાબ:જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી.

પ્રશ્ન:પરિવારનું સન્માન માત્ર પરિવારની મહિલાઓ પર આધારિત છે?
જવાબ:જેમાં 87.5% લોકોએ ના અને 12.5% લોકોએ હા જણાવી.

પ્રશ્ન:દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે?
જવાબ:જેમાં 100% લોકોએ હા જણાવી.

હત્યાનું કારણ
ઓનર કિલિંગ અંગેનાં મંતવ્યો અને એને દૂર કરવા અંગેનાં સૂચનો આપતાં લોકોએ જણાવ્યું કે રૂઢિવાદી માનસિકતા, શિક્ષણનો અભાવ, સંપત્તિ હડપવાની માનસિકતા આ કિલિંગ માટે કારણભૂત છે. ઓનર કિલિંગ એટલે માત્ર હત્યા જ નથી, કુટુંબના કોઈ સભ્યને સહપ્રમાણ હક અને સન્માન ન મળવું એ પણ ઓનર કિલિંગનો એક ભાગ છે. સ્ત્રીએ પોતે પસંદ કરેલા પાત્રને જ્યારે પરણે છે તો એ બાબતનો વિરોધ જ શા માટે ? ઓનર કિલિંગને કારણે પરિવારના સભ્યો પરથી જ વિશ્વાસ જતો રહે. જે વ્યક્તિ તમારા લોહી સાથે જોડાયેલી હોય તેને જ મારી નાખતાં જીવ કેમ ચાલતો હશે?

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

ઓનર કિલિંગ શું છે?
ઓનર કિલિંગને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ હેઠળ જ્યારે કોઈ પરિવારના સભ્યની તેના પરિવાર અથવા સમાજની કોઈપણ વ્યક્તિ દ્વારા સન્માનને નષ્ટ કરવા અથવા પરંપરા તોડવાના ગુનામાં હત્યા કરવામાં આવે છે તો એને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. ઓનર કિલિંગ વિકૃત સામાજિક માનસિકતાને પ્રોત્સાહન આપે છે, જે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.

ઓનર કિલિંગનાં કારણો

 • પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવા.
 • જો લગ્ન આંતર-જ્ઞાતિના હોય અથવા એક જ ગોત્રમાં થયા હોય.
 • પરિવાર દ્વારા ગોઠવાયેલા લગ્નનો ઇનકાર.
 • લગ્ન પહેલાં કે પછી બીજા પુરુષ (અથવા સ્ત્રી) સાથે સ્ત્રી (અથવા પુરુષ)નો જાતીય સંબંધ.
 • ઓનર કિલિંગનું કારણ પિતૃસત્તાક સમાજની વિચારસરણી અને વલણ છે.
 • શિક્ષણના અભાવે મહિલાઓ થતી પર શંકા.
 • જ્ઞાતિ આધારિત બંધનો.
 • પોતાની પ્રતિષ્ઠા બચાવવા ઓનર કિલિંગ.
 • ઓનર કિલિંગ માટે આંતર-ધાર્મિક સંબંધો પણ મુખ્ય કારણ છે.

ઓનર કિલિંગની સમાજ પર અસર

 • પરિવાર દ્વારા અથવા કોઈપણ સામાજિક વ્યક્તિ દ્વારા સન્માનના નામે કરવામાં આવતી હત્યા સમાજમાં ગુનાને પ્રોત્સાહન આપે છે.
 • 'ઓનર કિલિંગ'ના કિસ્સાઓ મહિલાઓની સ્વાયત્તતાને અસર કરે છે, જેના કારણે ઘરેલું હિંસા, બળાત્કાર વગેરે જેવી વિવિધ સમસ્યાઓ સર્જાય છે.
 • ઓનર કિલિંગના કિસ્સાઓ જાતિ કટ્ટરતાને પ્રોત્સાહન આપશે, જે સમાજના એક વર્ગનું વર્ચસ્વ અને અન્ય લોકોનું શોષણ તરફ દોરી જશે, જે લોકોને દુશ્મનાવટ અને અસંતોષ તરફ દોરી જશે.
 • આવા ગુનાઓ દેશમાં સામાજિક અરાજકતાને પ્રોત્સાહન આપે છે, કારણ કે એ એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરની ભાવનાને નષ્ટ કરશે.
 • સમાજમાં વંશીય અને રંગભેદ જેવા અપરાધોને પ્રોત્સાહન મળી શકે છે.
 • ઓનર કિલિંગ એ રાષ્ટ્રીય એકતા અને પરસ્પર સહકારની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે અવરોધક છે.
 • આર્ટિકલ 21 મુજબ, ઓનર કિલિંગ એ માનવાધિકાર તેમજ સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે.
 • એ વિવિધ સમુદાયો વચ્ચે રાષ્ટ્રીય એકતા, સહકાર વગેરેની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે અવરોધ તરીકે કામ કરે છે