ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણ પહેલા અને પછી 10 દિવસ સુધી લોકોએ અને ખાસ કરીને નાના બાળકોને પતંગની દોરીથી ઈજા ન થાય તેની કાળજી લેવી પડે છે. તાજેતરમાં જ વડોદરામાં ચાઇનીઝ દોરીને લીધે બે લોકોના મૃત્યુ થયા છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’, જિલ્લા શિક્ષણધિકારી, ગુજરાત શાળા સંચાલક મંડળ અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સાથે મળીને બાળકો અને વાલીઓ માટે પણ ઉત્તરાયણને લઈને કેટલીક મહત્ત્વની સૂચનાઓ તૈયાર કરી છે જે આગામી દિવસોમાં રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં અમલી કરાશે.
ઉત્તરાયણ પહેલા અને પછી પણ ધારદાર દોરીથી બચવા માટે વાલીઓ જ્યારે બાળકને સ્કૂલે લેવા-મૂકવા આવે ત્યારે બાળકનું ગળું, આંખ, કાન, નાક કવર થાય તે રીતે મફલર અથવા દુપટ્ટો બાંધવો, બાળકને વાહનમાં આગળ ન બેસાડવા, વાલીએ પણ એવી જ રીતે સાવચેતી રાખવી, વાહનમાં પતંગની દોરીથી રક્ષણ આપે તેવું ગાર્ડ લગાવવું આ પ્રકારના કેટલાક સૂચનો દરેક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને અપાશે, નોટિસ બોર્ડ ઉપર પણ લગાવાશે, શિક્ષકો વાલીઓને રૂબરૂ સમજાવશે, બાળકોને દોરીથી કઈ રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાશે.
વાલી-બાળકો આટલું ધ્યાન રાખે - વાહનમાં સુરક્ષા ગાર્ડ નખાવો, આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરો
1 બાળકોને વાહનમાં ક્યારેય આગળ ન બેસાડો, 10 દિવસ શક્ય હોય તો બાળકને સ્કૂલે બંધ વાહનમાં મોકલવા. 2 બહાર જતી વખતે બાળકોને શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરાવો, મોં પર મફલર-દુપટ્ટો બાંધો. 3 બાળકનું ગળું, આંખ, કાન, નાક કવર થાય તે રીતે ટોપી, ચશ્મા, મફલર બાંધો. 4 વાહનમાં ગ્લાસનું સેફ્ટી ગાર્ડ અથવા કામચલાઉ દોરી રક્ષક સળિયો નખાવો. 5 ઉત્તરાયણ પહેલા અને પછી એટલે કે આવનારા 10 દિવસ હેલ્મેટ પહેરીને જ નીકળવું. 6 પતંગ ઉડાવતી વખતે પણ બાળકોને આંગળીમાં દોરી લાગે નહીં તે માટે મોજા અથવા રબરગાર્ડ પહેરાવો. 7 બાળક પતંગ ચગાવતી વખતે પણ ધાબા નજીક વીજતારને અડકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. 9 વાલીઓ પણ ખાસ ધ્યાન રાખે કે બાળકને ચાઇનીઝ દોરી કે ધારદાર દોરી ન ખરીદી આપે.
બાળકોને ક્લાસમાં, વાલીઓને પેરેન્ટ્સ મિટિંગમાં સૂચના અપાશે
ઉત્તરાયણ દરમિયાન સાવચેતીના જે સૂચનો નક્કી થયા છે તે દરેક વિદ્યાર્થી-વાલીઓ સુધી પણ પહોંચાડવામાં આવશે. બાળકોને શિક્ષકો ક્લાસમાં સૂચના આપશે કે ઉત્તરાયણ દરમિયાન ઉપરાંત પતંગ ચગાવતી વખતે પણ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત બાળકોની સાથે સાથે સ્કૂલે લેવા-મૂકવા આવતા વાલીઓને પણ પેરેન્ટ્સ મિટિંગમાં માર્ગદર્શન અપાશે. > ડી.વી. મહેતા, પ્રમુખ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
સુરક્ષા માટે જિલ્લાની તમામ શાળાઓમાં પરિપત્ર કરીશું
ઉત્તરાયણ દરમિયાન બાળકોની સુરક્ષાને લઈને જે-જે સૂચનાઓ આપવાની છે તે રાજકોટ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ શાળાઓને મોકલવામાં આવશે. શિક્ષકો અને આચાર્યોને પણ બાળકોને આ બાબતે સમજાવવા સૂચના આપીશું. આવું કરવાથી બાળકોમાં તહેવાર મનાવવાની સાથે સાથે સુરક્ષાને લઈને જાગૃતતા આવશે. > બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ
રાજ્યની દરેક ખાનગી શાળામાં આ સૂચનનો અમલ કરાવીશું
ઉત્તરાયણને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓની સલામતી માટે ‘દિવ્ય ભાસ્કરે’ જે વિચાર રજૂ કર્યો છે તે ખૂબ ઉમદા અને આવકારદાયક છે. આગામી દિવસોમાં અમે એસોસિએશન સાથે જોડાયેલી રાજ્યની ખાનગી શાળાઓમાં આ સૂચનાઓ અંગેનો લેટર મોકલીશું અને વાલીઓ તેનો અમલ કરે તેવા પ્રયાસ કરાશે. > ભરત ગાજીપરા, પ્રમુખ, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.