• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • When The Family Left For The Wedding Wearing Jewelry, The Officer Said, "You Can't Wear So Much Jewelry, This Is A Method Of Trafficking."

હેરાન કરવા જ કરાતું હતું ચેકિંગ:લગ્નમાં જવા ઘરેણાં પહેરીને પરિવાર નીકળ્યો તો અધિકારીએ કહ્યું, તમે આટલા દાગીના ન પહેરી શકો, આ હેરફેરની પદ્ધતિ છે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની જાહેરાત બાદ એકપણ નેતા કે તેનો કાર્યકર રોકડ સાથે નથી પકડાયા : માત્ર સામાન્ય લોકો અને સોની મહાજનો તેમજ વેપારીઓને જ પરેશાન કરાયા હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ સોની બજારમાં આવતા જતા કર્મચારી, વેપારી અને સામાન્ય લોકોની અને તેના વાહનની તલાશી લેવામાં આવતી હતી. અને તેની પાસેથી અલગ-અલગ દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. ચેકિંગની પદ્ધતિ- ખોટી કનડગત અંગે વેપારીઓ- લોકોમાં રોષ હતો. ચેકિંગના નામે થયેલી હેરાનગતિ અને કડવા અનુભવો વેપારીઓએ વર્ણવ્યા હતા. વેપારીએ નામ નહિ આપવાની શરતે કહ્યું હતું કે, રાજકોટમાં રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગમાં જવા માટે દાગીના પહેરીને નીકળ્યા હતા. આ પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવાથી તેને દાગીના પહેર્યા હતા. ત્યારે ચેકિંગના નામે આ પરિવારની કારને અટકાવવામાં આવી. કહ્યું કે, આચારસંહિતા લાગુ છે, માટે તમે આટલા મોટા પ્રમાણમા દાગીના પહેરી ન નીકળી શકો. આ દાગીના હેર-ફેર માટેની એક પદ્ધતિ છે. વેપારીઓના જણાવ્યાનુસાર આચારસંહિતા તો ઉમેદવાર ખોટી રીતે નાણાંની હેરફેર કરતા નથી તે અટકાવવા માટેની છે, પરંતુ અત્યાર સુધી ઉમેદવાર કરતા વેપારીનું વધારે ચેકિંગ કરાયું છે. જે અધિકારીએ ખોટી રીતે હેરાનગતિ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? તેવો સવાલ વેપારીમાં ઉઠ્યો છે. વેપારીઓ વેપાર કરે છે. તેની જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેની સામે રોષ છે.

સોની વેપારીઓમાં રોષ: આચારસંહિતા ચૂંટણી લડતા ઉમેદવાર માટે છે તેની ક્યારેય તલાશી લેવાઇ નથી

સ્ટોકમાંથી થોડો માલ લઇને નીકળે તો તેના કાગળ કેવી રીતે રજૂ કરવા?
સોની વેપારી પાસે ચોપડે 100 કિલોનો સ્ટોક છે. તેમાંથી તેને 100 ગ્રામના દાગીના બનાવવા છે. એક દાગીનો બનાવવાની પ્રક્રિયા અલગ- અલગ સ્થળે જાય છે. રસ્તા પર ચેકિંગ કરવામાં આવે ત્યારે બિલ માગવામાં આવે છે. હવે દુકાને 100 કિલોનો રેકોર્ડ છે. ત્યારે 100 ગ્રામના સ્ટોકનું બિલ કેવી રીતે રજૂ કરવું? પૈસા એકાઉન્ટમાં જમા થાય અને માલની ડિલિવરી થાય ત્યારબાદ બિલ બનતું હોય છે.

જમવા જવા માટે વેપારી-કર્મચારીએ ટાઈમટેબલ-રસ્તો બદલવો પડ્યો
સોની વેપારીઓને ઘરે જમવા જવું હોય અને સાથોસાથ માલની ડિલિવરી કરવાની હોય તો સામાન્ય રીતે સમયની બચત થાય તે માટે આ બન્ને કામ સાથે કરતા હોય છે. પરંતુ અત્યાર સુધી જે ચેકિંગ ચાલતું હતું. ત્યારે ખોટી હેરાનગતિથી બચવા માટે પોતાના જમવાના સમયે ક્યારેક રસ્તો પણ બદલવો પડ્યો હતો.
નોંધ : સમગ્ર હકીકત સોની અગ્રણી વેપારીએ ભાસ્કર સાથે નામ નહીં દેવાની શરતે વર્ણવી હતી.

અન્ય સમાચારો પણ છે...