ખર્ચ પણ પાણીમાં ગયો:75 વર્ષ જૂનો પુલ ધોવાઇ જતાં જામકંડોરણાથી રાજકોટ આવવા 25 કિલોમીટરનો ફેરો કરવો પડશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામકંડોરણા-ગોંડલનો બ્રિજ એક વર્ષે પણ બન્યો નહિ, રિપેરિંગનો 60 લાખનો ખર્ચ પણ પાણીમાં ગયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાંથી પસાર થતી ફોફળ નદીમાં પૂર આવતા જામકંડોરણા અને ગોંડલ વચ્ચેનો બ્રિજ ધોવાઈ ગયો અને વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને 25 કિ.મી. જેટલું ફરવું પડે છે. આ બ્રિજ પહેલી વખત નથી તૂટ્યો પણ ગત વર્ષે જ તૂટ્યો હતો અને એક વર્ષે પણ કામ ચાલુ ન થતા સમારકામનો ખર્ચ પણ માથે પડ્યો છે.

જામકંડોરણા અને ગોંડલ વચ્ચે આવેલી ફોફળ નદી પરનો પુલ 75 વર્ષ કરતા પણ જૂનો છે અને રાજાશાહી વખતે જે રીતે પથ્થરોથી બનતા તે રીતે બનાવાયેલો છે. ગત વર્ષે આ બ્રિજનો એકભાગ તૂટી ગયો હતો જેથી બ્રિજ જ આખો બનાવવા માટે ફાઈલ મુકાઈ હતી. ચોમાસા પછી ફાઈલ પર કામ આગળ વધ્યું અને તેવા સમયે જ વાહનવ્યવહાર ન અટકે તે માટે તૂટેલા ભાગમાં માટી અને મોરમ નાખીને પાળો બાંધી તેના પર રસ્તો બનાવ્યો હતો જેની પાછળ અધધ 60 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

ગ્રામવાસીઓને એમ જ હતું કે આ વર્ષે બની જશે પણ ફરી ચોમાસું આવી ગયું છતાં હજુ ટેન્ડર પણ કરાયા નથી અને તેવામાં વરસાદમાં માટી નાખી જે રસ્તો બનાવાયો હતો તે પણ ધોવાઈ ગયો અને તેનો 60 લાખનો ખર્ચ પણ માથે પડ્યો છે. બ્રિજ તૂટી જતા રંગપર ગામ કે જે બ્રિજના બીજા છેડે છે તેની અને જામકંડોરણા વચ્ચે બ્રિજ મારફત ફક્ત 5 કિ.મી.નું જ અંતર છે જે હવે ત્યાં જવા માટે 25 કિ.મી. ફરવું પડે છે અને સાજડિયાળી અને આંબરડી થઈને આવવું પડે છે.

માર્ગ અને મકાન વિભાગમાંથી સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બ્રિજ માટે 13 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે અને ગાંધીનગરથી બ્રિજની ડિઝાઈન અને ડીપીઆરનું કામ પૂરું થયું છે હજુ ટેન્ડર કરવાના બાકી છે. ચોમાસા બાદ કામ ચાલુ કરાશે તે પહેલા ડાયવર્ઝન બનાવવાનું કામ હાથમાં લેવાશે અને પછી બ્રિજ બનશે અને સંભવત: આવતા ચોમાસા સુધી કામ ચાલશે.

હવે માટીનો પાળો નહિ કરવા દઈએ, પાણી ગામમાં આવ્યું: આગેવાન રંગપર ગામના આગેવાન જીતુભાઈ શિયાળે જણાવ્યું હતું કે, બ્રિજમાં વાહન ચાલુ થાય એટલે માટી નાખીને પાળો કર્યો હતો. આ પાળાને કારણે પાણી અમારા ગામમાં ઘૂસી ગયું અને નદી કાંઠાની આખી 500 એકરથી વધુની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હવે બ્રિજ બનાવતા પહેલા જો ફરી માટી નાખવાનું આયોજન થશે તો આસપાસના તમામ ગ્રામજનો તેનો વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...