રાજકોટમાં હાર્દિકના ચાબખા:‘કોરોનામાં CM તરીકે રૂપાણી અને મંત્રીમંડળ ફેલ થતાં બધું બદલાયું, અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ રાજીનામાં આપ્યાં, પણ સ્વીકારાયાં નથી’

રાજકોટ8 મહિનો પહેલા
કોવિડ-19 ન્યાયયાત્રાને લઈ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે.
  • દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે
  • બીજી લહેરમાં સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા

કોવિડ-19 ન્યાયયાત્રાને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટ આવ્યા છે. હાર્દિક પટેલે પ્રેસ-કોન્ફરન્સ યોજી સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનામાં CM તરીકે રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ ફેલ થતાં આ બધું બદલાવવામાં આવ્યું છે. જ્યારે અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ જ રાજીનામાં આપ્યાં છે. જોકે હાઇકમાન્ડે હજુ સુધી બંનેનાં રાજીનામાં સ્વીકાર્યાં નથી

નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર છે. ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કદાચ એક મહિના પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન પણ હોય. કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ગુજરાત રાજ્યને નવા પ્રભારી આપશે. આ પ્રભારી ગામડે ગામડે પહોંચી 2022ના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરશે. કોરોના મહામારીને કારણે અમારી પાર્ટીએ કોઇ બદલાવ કર્યો નથી.

રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ કરી સરકારની ઝાટકણી કાઢી.
રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ કરી સરકારની ઝાટકણી કાઢી.

બીજી લહેરમાં સરકારની અણઆવડતથી અનેક લોકોનાં મૃત્યુ થયાં
કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સરકાર દ્વારા હોસ્પિટલોમાં પૂરતાં બેડ ન આપી શકવા અને સમયસર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ન આપી શકવાથી લોકોનાં મૃત્યુ થયાં છે. સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલવાની જરૂર પડી છે. દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવનારી સરકાર હવે આગળ નહીં ચાલે. કોંગ્રેસ મુદ્દા આધારિત ચૂંટણી લડે છે અને ભાજપ જાતિ આધારિત ચૂંટણી લડે છે.

2 અઠવાડિયાંમાં 22,000 કરતાં વધુ પરિવારોની મુલાકાત લીધી
કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે એ માટે કોવિડ-19 ન્યાયયાત્રા 16 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-19 ન્યાયયાત્રામાં 2 અઠવાડિયાંના સમયગાળામાં જ 22,000 કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માગ છે એ અંગે જે પરિવારોએ તેમનાં સ્વજન ગુમાવ્યાં છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે 31,850 કરતાં વધુ ફોર્મ મૃતકનાં પરિવારજનોએ ભરીને આપ્યાં છે. એનો અર્થ ગુજરાતમાં સરકારના 10,081 સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર 4 અઠવાડિયાંમાં કોંગ્રેસ પક્ષની કોવિડ-19 ન્યાયયાત્રામાં સામે આવી છે.

3 લાખ લોકોનાં મૃત્યુ થયાં એ પાછા નહિ આવી જાય
જેમાં ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં 11208, ઉત્તર ઝોનમાં 8045, મધ્ય ઝોનમાં 5136, દક્ષિણ ઝોનમાં 7461 એમ ટોટલ 31850 પરિવારજનોએ ફોર્મ ભરીને આપેલાં છે.
ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાને કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવું દુઃખ વેઠ્યું છે. રાજ્ય સરકારના અણઘડ વહીવટને કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી છે એનું પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને અમારી ન્યાયયાત્રા દરમિયાન પ્રાપ્ત થયું છે અને હવે ચૂંટણી આવી છે એટલે તેના હાઈકમાન્ડે ચહેરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કરી છે. ચહેરો બદલવાથી પાપ ધોવાઈ નહિ જાય, 3 લાખ લોકોનાં મૃત્યુ થયા તે પાછા નહિ આવી જાય.

સરકારે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો-હાર્દિક પટેલ.
સરકારે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો-હાર્દિક પટેલ.

સરકાર લોકોની સેવા કરવા માટે નિષ્ફળ ગઈ છે
કોવિડ-19 ન્યાયયાત્રાનો મતલબ સ્પષ્ટ છે કે કોરોના મહામારીમાં જે લોકોએ સામનો કર્યો હતો તે પરિવારને ન્યાય મળે. જે પરિવારે મેડિકલના નામે સહાય માગી હતી તેમને સહાય મળવી જોઇએ. લાખો રૂપિયાના ખર્ચા મેડિકલમાં થયા છે તે પરિવારને સહાય આપવા માટે સરકારે ચિંતા કરવી જોઇએ. આપણું બંધારણ કહે છે કે શિક્ષણ અને મેડિકલમાં કોઇપણ પ્રકારનો ખર્ચો ન હોવો જોઇએ. આ સરકાર લોકોની સેવા કરવા માટે નિષ્ફળ ગઈ છે. લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારની ખોટી નીતિને કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં છે. 25 વર્ષથી શાસન કરતી સરકાર પાસે હોસ્પિટલમાં બેડ ન હોય તો લોકો માટે શું કરશે?.

હાર્દિકની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો થયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધુ હોવાથી તથા સૌરાષ્ટ્રમાં ભાજપના જૂથવાદ તેમજ કોંગ્રેસમાં પોતાના સારા દેખાવને કારણે અવારનવાર સૌરાષ્ટ્રની મુલાકાત લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સુરત બાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની નજર હોવાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકર્તા સાથે સમયાંતરે બેઠકો યોજી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...