• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • When Praudh Hit The Girl In The Gondal, The Bull Became Agitated, Filled Its Horns And Attacked Praudh, The Whole Incident Was Captured On CCTV.

આખલાએ વધુ એક વૃદ્ધનો જીવ લીધો:ગોંડલમાં પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો, શિંગડાં ભરાવીને અડફેટે લીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ20 દિવસ પહેલા

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોને જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની, જ્યાં રખડતા આખલાને પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. આ ઘટનાને પગલે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઉપરાંત પરિવારજનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એ દિવસે આખલાએ અન્ય 4 લોકોને અડફેટે લીધા હતા.

પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આખલાને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નં 1માં રહેતા આશિષભાઈ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાનું સારવાર દરમિયાન મોત થયું છે. એ અંગે તેમના પૌત્ર આશિષભાઈ આરદેસણાએ મીડિયાને જણાવ્યું હતું કે ગત તા.3 સપ્ટેમ્બરના રોજ ગોંડલમાં તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા, જ્યાં મોટી બજારમાં દેવશીબાપાની શેરીમાં અચાનક આખલો આવી જતાં ગોપાલભાઈ દ્વારા આખલાને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમણેલાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી ગોપાલભાઈને પછાડ્યા હતા.

મૃતકના પૌત્ર આશિષભાઈ આરદેસણા.
મૃતકના પૌત્ર આશિષભાઈ આરદેસણા.

ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ બાદ તરત ગોપાલભાઈને ગોંડલથી રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ગોંડલમાં આજ વિસ્તારમાં એક જ દિવસમાં 4 લોકોને ખૂંટિયાએ અડફેટે લીધા હતા. રખડતાં ઢોર અને શ્વાનનો આતંક અવારનવાર સામે આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

2 વર્ષ પહેલાં પણ ગોંડલના ઉદ્યોગપતિનું મોત
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો જમાવડો જોવા મળે છે. આ રખડતાં ઢોરોથી સ્થાનિકો સહિત વાહનચાલકો, ઇમર્જન્સી વાહનો, અંતિમ યાત્રા સહિતનાં વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજથી 2 વર્ષ પહેલાં પણ ગોંડલના ઉદ્યોગપતિને આખલાએ અડફેટે લેતાં મોત નીપજ્યું હતું, તેમ છતાં નગરપાલિકા જાણે હજુ સુધી નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. રખડતાં ઢોરોને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી.

અન્ય સમાચારો પણ છે...