રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:રણુજા મંદિર પાસે પત્ની રિસામણે આવતા પતિએ સાસુના ઘરના દરવાજામાં પેટ્રોલ છાંટી આગ લગાડી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોઠારીયા રોડ રણુજા મંદિર સામે પોતાના માવતરને ઘેર આવેલા મહિલા સાથે પતિને મનદુઃખ હોય પતિએ અહીં આવી મહિલાના માતાના ઘરના દરવાજામાં પેટ્રોલ છાંટી આગ લગાડી નુકસાન કરતા ફરિયાદ થઈ છે. આ બનાવમાં આજીડેમ પોલીસે ગીતાબેન ગીરીશ ભગવાનજીભાઇ ગોહીલ રજપુતની ફરિયાદ પરથી તેના પતિ ગિરીશ ભગવાનજીભાઇ ગોહિલ સામે IPC 436,427 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. ફરીયાદી ગીતાબેનને તેમના પતિ સાથે મનદુખ થતા પોતાના પિયરે રિસામણે આવી હતી. આથી પતિએ ખાર રાખી પોતાના સાસુના ઘરે આવી દરવાજાની નીચેથી ઘરમાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી આગ લગાડી રૂ.500નું નુકસાન કર્યું હતું. PI વી.જે. ચાવડાની રાહબરીમાં PSI આર.વી. કડછાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બંગાળી કારીગરે વધુ એક સોની વેપારીને છેતર્યા
બંગાળી કારીગરો અવાર નવાર સોની વેપારીઓનો વિશ્વાસ જીતી દાગીના બનાવવા માટે પોતાને અપાતું સોનુ લઈ ભાગી જતા હોવાના બનાવો બનતા રહે છે. બે દિવસ પહેલા જ એક કારીગર લાખોનું સોનુ લઈ ભાગી ગયાનો બનાવ સામે આવ્યો હતો. ત્યાં વધુ એક વેપારી છેતરાયા છે. રજનીભાઇ વૃજલાલ શેઠીયા સોની સાથે ઠગાઈ થઈ છે. તેમણે પોતાની દુકાનમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતા પશ્ચિમ બંગાળના નીતાઇ બિલ્વનાથ કિસટો વિરુદ્ધ IPC 406, 420 મુજબ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

સોનુ પેન્ડલ સેટ બનાવવા માટે આપ્યું હતું
ફરિયાદીની દુકાન સોની બજાર પાળગેટ રોડ પર શુભલક્ષ્મી કોમ્પલેક્ષમાં છે. અહીં કામ કરતા આરોપી નિતાઈને કટકે કટકે 22 કેરેટનું 25,010 મી.ગ્રામ સોનું પેન્ડલ સેટ બનાવવા માટે આપ્યું હતું. જેમાંથી તેણે 118,300 મી.ગ્રામ સોનુ દાગીના બનાવી પરત આપ્યું હતું. બાકીનું 146,710 મી.ગ્રામ સોનુ જેના દાગીના બનાવી પરત આપવાના હતા તે સોનાના દાગીના નહીં બનાવી તેમજ ફરીયાદીને સોનુ પરત નહીં આપી 14:310 મી.ગ્રામ સોનુ 134 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનું કે જેની કિમત રૂપીયા 7,08,200ની ગણાય તે આ આરોપી ઓળવી જઇ ભાગી ગયો હતો. PI સી.જી. જોશીની રાહબરીમાં PSI જે.ડી. વસાવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચડ્ડી-બનિયાનધારી ગેંગે બામણબોર ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરી કરી.
ચડ્ડી-બનિયાનધારી ગેંગે બામણબોર ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરી કરી.

બામણબોર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચડ્ડી-બનિયાન ગેંગનો તરખાટ
રાજકોટ પાસે બામણબોર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચડ્ડી-બનીયાન ગેંગના તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. પાંચેક કારખાનામાં ચોરીનો પ્રયાસ થયો હતો. એરપોર્ટ પોલીસ મથકના વિસ્તારમાં આવતા આર.કે. ઝોન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મોડી રાત્રે બુકાની બાંધી પાંચેક જેટલા લોકોની તસ્કર ટોળકી ત્રાટકી હતી. ખૂબ લાંબા સમય સુધી આ ટોળકીએ કારખાનાઓમાં તાળા તોડવા પ્રયાસ કર્યો હતો. પણ તસ્કરો મજબૂત તાળા-લોક તોડી શક્યા નહોતા. આ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બીજી તરફ પોલીસ નબળું પેટ્રોલિંગ સુધારે તેવી માગ ઉઠી રહી છે.

કુવાડવા રોડ પર ડમ્પરની ઠોકરે યુવાનનું મોત
કુવાડવા રોડ પર આવેલ પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે અજાણ્યાં ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતાં પરપ્રાંતીય યુવકનું કમકમાટીભર્યું ઘટના સ્થળે મોત થયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર, દૂધસાગર રોડ પર, મેમણ કોલોનીમાં રહેતાં રવિ મુન્નાભાઈ ગુપ્તા (ઉ.વ.22) આજે સવારે કુવાડવા તરફ જતાં હતાં ત્યારે પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

મૃતક ત્રણ ભાઈમાં વચેટ હતો
બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયાં હતા અને 108ને જાણ કરતા તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાગળો કરી મૃતદેહને સિવિલે પીએમમાં ખસેડી અજાણ્યાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. વધુમાં મૃતક મૂળ યુપીનો રેહવાસી છે અને મેંગો માર્કેટમાં કેળાના ગોડાઉનમાં કામ કરતો હતો. તેમજ ત્રણ ભાઈમાં વચેટનું મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...