નિકાસની રાહ:ઘઉંમાં તેજીનો ખેલ, વૈશ્વિક માંગ વધતા સટોડિયાઓ ગેલમાં, સંગ્રહખોરી વચ્ચે ક્વિન્ટલે રૂ. 500 વધી ગયા!

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં 30 ટકા ઘઉં યુક્રેન-રશિયા પૂરા પાડે છે, હાલ યુક્રેન ખાતે 250 લાખ ટન અનાજ નિકાસની રાહમાં

વિશ્વભરમાં 30 ટકા ઘઉં યુક્રેન અને રશિયા જ પૂરા પાડતા હોય તેમાં યુક્રેનનો હિસ્સો વધારે છે. યુદ્ધ વચ્ચે ત્યાંની નિકાસ બંધ થતા ભારત માટે એક્સપોર્ટનો માર્ગ મોકળો બન્યો હોઇ, માત્ર યુરોપ જ નહીં, એશિયાના તમામ દેશો ભારત પાસે ઘઉંની ખરીદી માટે કતારમાં ઊભા છે. સૌથી મોટો આયાતકાર દેશ ઇજિપ્ત ભારત પાસેથી ઘઉંની ખરીદીને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.

દેશમાંથી છેલ્લા એક મહિનામાં જ 20 લાખ ટન ઘઉંની નિકાસ થઇ ચૂકી છે ત્યારે ઘરઆંગણે ઘઉંની વધતી વૈશ્વિક ડિમાન્ડ ઘઉંમાં તેજીનો ખેલ શરૂ થયો હોય તે રીતે સટોડિયાઓ ગેલમાં આવી ગયા છે, ઘઉંમાં વધતી સંગ્રહખોરી વચ્ચે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ક્વિન્ટલે રૂ.500 વધી ગયા છે. હાલ ઘઉંમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ્રતિ ક્વિન્ટલે ઝડપથી રૂ.500 વધી ગયા છે.

હાલ ભાવ રૂ.2450-2500નો બોલાઇ રહ્યો છે, આવી જ સ્થિતિ રહી તો સંભવત: ભાવ હજુ પણ વધશે. ઘઉંનો પાક ભલે જરૂરિયાત કરતા વધુ પરંતુ એકંદરે ગત સાલ કરતા ઓછો છે. હજુ ઘઉંમાં કેટલું એક્સપોર્ટ થાય છે તેના પર આધાર છે. સરકાર પણ ઘઉંની નિકાસ માટે પ્રોત્સાહન આપી રહી છે, એમપીની સરકારે આ બારામાં મંડીનો ટેક્સ માફ કર્યો છે, તો રેલવેમાં પણ સૂચના આપવામાં આવી છે કે, ઘઉંની રેન્કને પ્રાયોરિટી આપવી.

જો આવી જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં ઘઉંની અછતની સમસ્યા સર્જાશે. જો આવો જ માહોલ રહેશે તો ઘઉં ઓફ સિઝનમાં હજુ મોંઘા બનશે. સરકારે પહેલા દેશમાં 1112 લાખ ટનનો અંદાજ આપ્યો હતો, બાદમાં ઘટાડી 1050 લાખ ટનનો અંદાજ જાહેર કર્યો છે. વેપારીઓ એવું માને છે કે, 1000 ટનથી ઓછો પાક આવશે.

ગુજરાતમાં ગત સાલના 13.66 લાખ હેક્ટરની સામે આ સાલ 12.54 લાખ હેક્ટરનું વાવેતર ગણાવાઇ રહ્યું છે. ઘઉંના ઉત્પાદનનો સરકારી અંદાજ 39.18 લાખ ટનનો છે જે ગત સાલ 43.78 લાખ ટન હતો. બીજી તરફ વેપારીઓ કહે છે કે, સરકારી અંદાજ કરતા 30-40 ટકા ઓછો જ પાક આવે તેવી ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...