રાજકોટમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે. રાજુલાના વડગામ રહી ખેતીકામ કરતા શૈલેષ બદરૂભાઇ ધાખડાએ માનસી ગોહિલ, રાહુલ, હમીર જોગરાણા, દિનેશ અને પલ્લવી પટેલ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવા ખેડુની ફરિયાદ મુજબ, એક મોબાઇલમાં બે નંબરનો ઉપયોગ કરતો હોય ગત તા.10ના રોજ વોટ્સએપ પરથી પોતાને હાયનો મેસેજ આવ્યો હતો. જેનો જવાબ આપતા સામે વાળી વ્યક્તિ માનસી રાજપૂત નામની યુવતી હોવાનું જણાવ્યું હતું.
બાદમાં બીજા દિવસે તે યુવતીએ રાજકોટ મળવા આવવાની જીદ કરતા પોતે કાકાની કાર લઇ ગામડેથી રાજકોટ આવ્યો હતો. તે યુવતીએ પોતાને એસ્ટ્રોન ચોક બોલાવ્યા બાદ પોતે ત્યાં જતા તેને રામવન ફરવા જવાની વાત કરતા તેને કારમાં બેસાડી બંને આજી ડેમ પાસે આવેલા રામવન પહોંચ્યા હતા. બપોરનો સમય હોય તે યુવતીએ તડકો બહુ લાગે છે તેમ કહેતા બંને કારમાં બેઠા હતા. આ સમયે ટુ વ્હિલ પર એક શખ્સ પોતાની પાસે આવી તું કોણ છો, આ છોકરી સાથે શું કરે છે, મારું નામ રાહુલ છે, આ છોકરી મારી મંગેતર છેની વાત કરી હતી. બાદમાં તે શખ્સે ઊભો રહે તેમ કહી ફોન કરી તેના મામા દિનેશભાઇને બોલાવ્યા હતા. થોડી વારમાં તેના મામા કાર લઇને આવ્યા હતા. અને તું મારા ભાણેજની મંગેતર સાથે શું કરે છે તેમ કહી બોલાચાલી કરી હતી.
રકઝક ચાલતી હતી તે સમયે એક ટુ વ્હિલ પર યુગલ આવ્યું હતું અને પોતાની સાથે વાત કરી તમે મારી જ્ઞાતિના હો તેવું લાગે છે એટલે હું તમારી પાસે ઊભો રહ્યો છું, મારું નામ હમીર જોગરાણા છે, મારી સાથે છે એ પલ્લવી પટેલ હોવાનું કહ્યું હતું. બાદમાં તેને શું માથાકૂટ છે તેવું પૂછતા તેને બધી વાત કરતા તે એ લોકો સાથે વાત કરે છે તેમ કહી રાહુલ અને દિનેશ નામની વ્યક્તિ પાસે ગયો હતો. ત્યારે પોતાને તક મળતા પોતાના મોબાઇલ પર કાકાને બનાવની જાણ કરી હતી. તેમની સાથે વાત પૂરી થયા બાદ હમીર પોતાની પાસે આવ્યો હતો અને તે લોકો પોલીસમાં ફરિયાદ કરવા જવાનું કહેતા હોવાનું કહે છે.
પરંતુ મેં તેમ ન કરવા સમજાવ્યું છે. તું આ લોકોને દસ લાખ રૂપિયા આપી મામલો પતાવી નાંખવા કહ્યું હતું. ત્યારે આટલા બધા રૂપિયા પોતાની પાસે ન હોવાનું કહી હમીરને મોબાઇલ પર કાકા સાથે વાત કરાવી હતી. જેથી કાકાએ રૂ.50 હજાર આપવાની વાત કરતા કરતા હમીર, રાહુલ, દિનેશ બધા ઉશ્કેરાય ગયા હતા અને ગાળો ભાંડી પાઇપથી માર મારી અઢી લાખ તો આપવા જ પડશે નહીંતર તને મારી નાંખીશુની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં ફરિયાદના આધારે ટોળકીને ઝડપી લેવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.