રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:જસદણ બેઠકના રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજી ડાંગર કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
શામજી ડાંગર પોતાના કાર્યકરો સાથે બાવળિયાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. - Divya Bhaskar
શામજી ડાંગર પોતાના કાર્યકરો સાથે બાવળિયાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો.

જસદણ વિધાનસભા બેઠકના રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજી ડાંગર ભાજપમાં જોડાયા છે. તેઓએ પોતાના કાર્યકરો સાથે કુંવરજી બાવળિયાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમજ શામજી ડાંગરે કુંવરજી બાવળિયાને જંગી બહુમતિથી જીતાડવા હાકલ કરી હતી.

રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવારની વિરાંગના રેલી યોજાઇ
રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહ દ્વારા આજે શહેરમાં વીરાંગના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 150થી વધુ સ્કૂટર લઈને મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. જેમાં મહિલાઓનો જુસ્સો વધારવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા અને લોકોને મતદાનની અપીલ કરી હતી.

મહિલાઓ ભાજપ તરફી મતદાન કરશે: મહિલા મોરચાના પ્રમુખ
આ અંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ મીડિયાએ જણાવ્યું હતું કે, વિરાંગના સ્કુટી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા અને અનોખો જુસ્સો જોવા મળ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતંત્રમાં મહિલાઓને જે તક આપી છે તેમાં તેઓ ખૂબ જ સક્રિય છે.ભાજપ મહિલા મોરચા ઘરે ઘરે જઈ લોકોને મતદાન માટે અપીલ કરી રહ્યું છે અને દર્શિતાબેન શાહ જંગી બહુમતીથી જીત મેળવશે. ભાજપ સરકારે મહિલાઓ માટે 50% અનામત રાખ્યું છે ત્યારે આ વિરાંગના રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. મહિલા સશક્તિકરણને વડાપ્રધાને પ્રોત્સાહન આપતા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહિલાઓ ભાજપ તરફી મતદાન કરશે તેવો દાવો કર્યો.

પડધરી ખાતે મંત્રી મનસુખ માંડવીયાએ સભા સંબોધી
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે આજ રોજ વિધાનસભા 66 ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપના સ્ટાર પ્રચારક એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પડધરી મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી સભા સંબોધન કરી હતી. આ સભા દરમિયાન ઉપસ્થિત લોકોને મનસુખ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાયો છે. કાશ્મીરમાંથી 370 ની કલમ હટી છે ત્યારે તેમને કરેલ આ તમામ કામો ઈતિહાસના સુવર્ણકાળમાં લખવામાં આવશે. આ એક ગૌરવની વાત છે માટે કમળનું બટન દબાવી ભાજપને બહુમતી થી જીત અપાવશો તેવી આપ સૌને અપીલ કરું છું.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાયો છે: મંત્રી મનસુખ માંડવીયાએ
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાયો છે: મંત્રી મનસુખ માંડવીયાએ
પડધરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
પડધરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

પશ્ચિમ બેઠક રાજકોટની હાઈપ્રોફાઈલ સીટ
રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ રહી છે, અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળા છ ટર્મ જેટલી ચૂંટણી લડ્યા અને વિજય રૂપાણી ચૂંટણી લડ્યા. અહીં ઉજળિયાત વર્ગ માટે ટિકિટ ફાળવવામાં આવે છે. પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે, તેને ટિકિટ આપી નરેન્દ્ર મોદીએ સંઘની પરંપરા જાળવી રાખી છે અને સંબંધો ભૂલ્યા નથી. હવે પપ્પા અને દાદાજીના સંસ્કાર તેમને વિધાનસભા સુધી લઈ જશે.

કોણ છે ડો. દર્શિતા શાહના પિતા અને દાદા
ડો. દર્શિતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શિતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

રાજકોટ પશ્ચિમ બેઠકના છેલ્લી 3 ચૂંટણીનાં પરિણામનાં લેખાંજોખાં
વજુભાઈ વાળા સતત છ ટર્મ આ વિધાનસભાની સીટ પરથી લડીને જીત્યા છે. વર્ષ 1985થી શરૂ કરીને 2012 સુધીની તમામ ચૂંટણીમાં વજુભાઈ વાળા આ સીટ પરથી લડીને જીત્યા છે. વચ્ચે એક વખત તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી આપી હતી. વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહેલા વજુભાઈ વાળાને 48,215 મત મળ્યા હતા. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભાં રહેલાં કાશ્મીરાબેન નથવાણીને 38,359 મત જ મળ્યા હતા.

2012 અને 2017માં કોણ જીત્યું
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વજુભાઈ વાળાને 90405 વોટ મળ્યા હતા. જ્યારે કે તેમની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીને 65427 મત મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીને 1,31,586 મત મળ્યા હતા. જ્યારે કે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને 77,831 મત જ મળ્યા હતા.

રાજકોટની 8 બેઠક પર 31 અપક્ષ ઉમેદવાર મેદાને
કોઈ પક્ષમાં દાવેદારી ન મેળવતા ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવી આપણી બંધારણની રચના અનુસંધાને અપક્ષ તરીકે ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહી શકે છે. વિધાનસભા 2017ની સામાન્ય ચૂંટણીમાં 8 બેઠકો પર 51 અપક્ષ ઉમેદવારો સામે આ વખતે 31 ઉમદેવારો ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. જો કે ગત વિધાનસભામાં એક પણ અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ નહોતો. વોટ શેર જોઈએ તો ગત વિધાનસભામાં 8 બેઠકના 51 ઉમેદવારોનો કુલ વોટ શેર 12.89 ટકા રહ્યો હતો. જેમાં રાજકોટ પૂર્વમાં 6 ઉમેદવારો વચ્ચે 1.54 ટકા, રાજકોટ પશ્ચિમમાં 9 ઉમેદવારોનો 0.93 ટકા, રાજકોટ દક્ષિણમાં 4 ઉમેદવારોનો સૌથી ઓછો 0.65 ટકા વોટ શેર તેમજ રાજકોટ રૂરલમાં વોટ શેર કુલ 2.12 ટકા રહ્યો હતો. જ્યારે જસદણ બેઠક પર 8 ઉમેદવારોનો 2.31 ટકા, ગોંડલ બેઠક પર 4 ઉમેદવારોનો 1.24 ટકા, જેતપુર બેઠક પર 5 ઉમેદવારોનો 1.45 ટકા અને ધોરાજી બેઠક પર 6 અપક્ષ ઉમેદવારોનો કુલ વોટ શેર સૌથી વધુ 2.61 ટકા નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...