જાહેરનામું:રાજકોટમાં 50% મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ કરાશે : કલેક્ટર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતા સહિતની જવાબદારી માટે 20 નોડલ ઓફિસરની નિમણૂક

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના આયોજનને લઈને વિગતો જાહેર કરી હતી જેમાં તેમણે જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠકમાં 50 ટકા બૂથનું વેબકાસ્ટિંગ કરવા નિર્ણય લેવાયો છે. મતદાન મથકો વિશે તેમણે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક દીઠ એક એવા 8 આદર્શ મતદાન મથક બનાવાશે. આ સિવાય 8 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક હશે. આ સિવાય બે બૂથ એવા હશે જેમાં યુવા મતદારોને આકર્ષવા માટે તમામ યુવા અધિકારીઓ અને કર્મચારીઓ નિમાશે જેઓ પોતે પણ પહેલી વખત મતદાન કરતા હશે.

આ સિવાય દરેક વિધાનસભા બેઠક મુજબ 7-7 સખી બૂથ કે જેમાં પોલિંગ અધિકારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થા તમામ મહિલા કર્મચારીઓ જ સંભાળશે. ચૂંટણીની કામગીરી માટે 20 નોડલ અધિકારી નિમાયા છે જેમાં આચારસંહિતા મામલાના નોડલ અધિકારી અધિક નિવાસી કલેક્ટર હશે. આ સિવાય સી વીજીલ એપ પણ સક્રિય કરાઈ છે જેમાં મતદારો આચારસંહિતા ભંગ કે પછી ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકશે. આ માટે મનપા વિસ્તાર માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર જ્યારે અન્ય વિસ્તારો માટે અધિક કલેક્ટરની રહેશે.

મનપાના પદાધિકારીઓની કાર પરત લઈ લેવાઈ, ચેમ્બર સહિતની સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે
ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. હવે મનપાના પદાધિકારીઓની કાર જમા લઈ લેવામાં આવી છે. તેમજ ચેમ્બર સહિતની અન્ય સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે. આ સિવાય સવા મહિનો હવે નવા કામને બ્રેક લાગશે. આ સિવાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

જેમાં હથિયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથિયારો જમા કરાવવાના રહેશે. સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, વિશ્રામગૃહ, સરકારી રહેણાકોની સાથે જોડાયેલા આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રસાર માટે તેનો ઉપયોગ કરી શકશે નહિ. ખાનગી-જાહેર મિલકતનો બગાડ કરી નહી શકે. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજિસ્ટ્રાર કરાવ્યા વિના ચૂંટણીના કામે વાપરી નહિ શકે તેમજ ખર્ચ ઉમેદવારે જાતે કરવાના રહેશે. સરઘસ નહિ કાઢવા, સભા નહીં ભરવા, સહિત કુલ 10 મુદ્દા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...