રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર ગરમી અને તડકો રહ્યા બાદ સાંજે 4 કલાકે વાદળો છવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર ગરમી વધતા તેમજ નોર્થ સાઉથ દિશામાં ઊભા થયેલ ટ્રર્ફ, હવાના હળવા દબાણને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તેમજ હાલમાં ઉત્તર-દક્ષિણ ભારત સુધી ટ્રફ લાઇન પસાર થાય છે. જેની અસર જોવા મળી રહી છે.
રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો
જોકે રાજકોટમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ત્રણ દિવસ બાદ ગરમી ક્રમશ: વધશે. રાજકોટમાં સાંજે 4.00 કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળો છવાતા જાણે વહેલી સવાર હોય તેવો અનુભવ થયો હતો. સામાન્ય રીતે માર્ચ માસમાં સાંજે 6.30 કલાક સુધી તડકો જોવા મળતો હોય છે, પરંતુ શુક્રવારે તેનાથી અલગ વાતાવરણ હતું.
સૌરાષ્ટ્રમાં માવઠું થાય તેવી સંભાવના
5 માર્ચના રોજ પોરબંદર- કચ્છમાં અને 6 માર્ચના રોજ અમરેલી, ભાવનગરમાં માવઠું થાય તેવી સંભાવના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ સૂકા પવનો ફૂંકાશે. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ 54 ટકા હતું અને પવનની ઝડપ 8 કિ.મી. રહી હતી. જ્યારે સાંજે 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. 9 માર્ચ સુધીમાં રાજકોટમાં 39 કે તેથી વધુ ઊંચું તાપમાન પહોંચવાની સંભાવના છે. હાલમાં દિવસે ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે.
યાર્ડમાં આવતી તમામ જણસીને ઢાંકીને લાવવા ખેડૂતોને તાકીદ
માવઠાની આગાહીને પગલે યાર્ડના સત્તાધીશો પણ સતર્ક થયા છે. શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે, માવઠાની આગાહીને કારણે જે ખેડૂતો યાર્ડમાં જણસી લઈને આવે છે તેને ઢાંકીને લાવવાની રહેશે. તેમજ ખુલ્લા ગ્રાઉન્ડમાં જે જણસી ઉતરશે તેને કમિશન એજન્ટોએ ઢાંકવાની રહેશે. તેમજ સૂકા મરચાં, ધાણાની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય જણસીની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. માવઠાની આગાહીને પગલે શુક્રવારે આવકમાં તેની અસર જોવા મળી હતી.
માવઠાને કારણે ધાણા, ઘઉંને અસર થશે
હાલ ઘઉં, ધાણા, સૂકા મરચાંમાં નવી સિઝન શરૂ થઈ ગઈ છે. ખેતરમાં ઊભો પાક જોવા નથી મળતો. ખેડૂતોએ પાક ઉતારી લીધો છે. જો માવઠું થશે તો સૌથી વધુ અસર ધાણા અને ઘઉંને થશે. જો જણસી પલળી જશે તો તેનું લેવાલ કોઇ તૈયાર ન થાય. જોકે ભેજવાળા કે પલળેલા ઘઉં હોય તો તે મિલમાં ખપી જાય તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રા જણાવે છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન કેશોદ અને રાજકોટમાં | ||
શહેર | મહત્તમ | લઘુતમ |
અમરેલી | 37.8 | 19.4 |
ભાવનગર | 37 | 20.7 |
દ્વારકા | 34.2 | 21.6 |
ઓખા | 28.3 | 22.2 |
રાજકોટ | 38.8 | 20.8 |
વેરાવળ | 32.6 | 21.8 |
દીવ | 32.6 | 18.2 |
સુરેન્દ્રનગર | 38.7 | 21.2 |
મહુવા | 37.6 | 18.9 |
કેશોદ | 39 | 18.1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.