રાજકોટ:અમને બહાર જતા નહીં પણ ઘરે જતા ડર લાગે છે: તલાટીઓ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ક્વોરન્ટાઈન ફેસિલિટી, લોકો સાથે સીધા સંપર્કમાં આવવું જ તેમની ફરજ
  • પરિવારનો ખૂબ સહયોગ, છીંક આવે તો પણ દવાખાને મોકલે છે

રાજકોટઃ કોરોના મહામારીને કારણે આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર રાત-દિવસ ફરજ નિભાવી રહ્યું છે. આ સાથે વહીવટી તંત્રના ક્લાર્કથી માંડી રેવન્યૂ તલાટી, લેબર ઓફિસર, પંચાયતી તલાટી સહિતના કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહીને અધિકારીઓને પૂરતી અને સચોટ વિગત આપીને સચોટ માહિતી પૂરી પાડે છે. આ કર્મચારીઓ પૈકી રેવન્યૂ તલાટીઓને ક્વોરન્ટાઈન ફેસિલિટી એટલે કે જ્યાં પોઝિટિવ દર્દીના પરિવારને રાખ્યા છે ત્યાં ફરજ નિભાવે છે અને સતત ચેપના ઓછાયા હેઠળ રહીને આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર વચ્ચેની કડી બનીને તમામ વ્યવસ્થા પૂરી પાડે છે.

સ્ટાફ સતત ફેસિલિટીમાં હાજર હોય છે
ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં જે લોકો રાખવામાં આવ્યા છે તેમના માટે 24 કલાક પોલીસ અને રેવન્યૂ તલાટી રહે છે જ્યારે નાયબ મામલતદાર ત્રણ વખત વિઝિટ કરે છે. ત્રિમંદિરમાં આવેલી ફેસિલિટીમાં તલાટી પવન પટેલ તેમજ મોડાસરાને ડ્યૂટી અપાઈ છે. તેજસ મોડાસરા જણાવે છે કે, પોલીસ સહિતનો સ્ટાફ 24 કલાક ત્યાં રહે છે. ક્વોરન્ટાઈન થયેલા લોકોને કોઇ પ્રશ્ન હોય અથવા તો ક્યાંય પણ કામગીરીની જરૂર પડે તે જોવાની જવાબદારી તેમની છે. કોઇ પ્રશ્ન ઉદભવે તો સીધા પ્રાંતને ફોન કરીને માહિતગાર કરવાના હોય છે આ માટે તેઓ સતત ફેસિલિટીમાં રહે છે. પવન કહે છે કે ‘અમને બહાર ફરજ છે એટલે ડર નથી લાગતો પણ ઘરે જવામાં ડર લાગે છે. કારણ કે, મારા પરિવારમાં માતા, પત્ની તેમજ પાંચ વર્ષનો પુત્ર છે. તેના થકી ચેપ પરિવારમાં ક્યાંક ન લાગે તેનો સતત ભય રહે છે. આ માટે જ ઘરમાં આવીને સૌથી પહેલા નહાઇને જ કોઇ વસ્તુને અડે છે. પરિવારનો પૂરો સપોર્ટ છે પણ ચિંતાને કારણે ફોન કરીને હાલ પૂછ્યા કરે છે અને જો એકપણ છીંક આવે તો સીધા દવાખાને જવાનું કહે છે.’ ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓના ઘરની આવી જ હાલત છે આમ છતાં પોતાની ફરજમાં કોઇ પાછીપાની કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...