કટોકટીનાં એંધાણ:રાજકોટ પાસેના વધુ 10 ગામમાં પાણીની અછત, ટેન્કરો શરૂ કરવા માગ; જિલ્લાના 25 ડેમોમાં માત્ર 44 ટકા પાણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ આસપાસ જળ સમસ્યા વધુ ઘેરી બની રહી હોઇ અગાઉ 11 ગામડાંઓમાં ટેન્કરના ફેરા શરૂ કરાવાયા બાદ વધુ દસ ગામડાંઓમાં પાણીની ઘેરી કટોકટીની બૂમરાણ વચ્ચે ટેન્કરો શરૂ કરવાની માગ ઉઠી છે. રાજકોટ જિલ્લાના 25 ડેમોમાં માત્ર 44 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે ત્યારે પીવાના પાણી અને ખેતીના પાણીને લઇને સર્જાવાની શરૂ થયેલી સમસ્યા વધુ જટિલ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

એક તરફ ગ્રામ્ય સ્તરે ડેમોમાં જળરાશીનો ઉપલબ્ધ જથ્થો છે, ટેન્કરો શરૂ કરવાની કોઇ વાત જ નથી આવા દાવાઓ થઇ રહ્યા છે ત્યારે જ બીજી તરફ રાજકોટ આસપાસના ગામડાંઓમાં જ પાણીની તીવ્ર અછતની બૂમરાણ સર્જાવાની શરૂ થઇ ગઇ છે. અગાઉ રોણકી સહિતના દસેક ગામડાઓમાં ટેન્કરો શરૂ કરાયા બાદ હાલ રાજકોટ પંથકના કુવાડવા ગ્રામ્ય વિસ્તાર, બેટી આસપાસ સહિત અલગ અલગ દસેક જેટલા ગામડાંઓમાં પાણીની સમસ્યાની મોકાણ શરૂ થઇ ગઇ છે.

આ બાબતે ગામોના આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર પાસે ટેન્કરો શરૂ કરાવવાની માગણીઓ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પંથકના ગુંદાળા, જીવાપર, ગારીડા સહિતના ગામડાંઓમાં પાણીના ટેન્કર દોડાવાના શરૂ થયા હતા, હાલ અન્ય બેડી, કુવાડવા સહિતના અન્ય ગામડાઓમાં પણ પાણીની તંગી સર્જાવાની સમસ્યા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...