પાણી યુદ્ધ:લોકડાઉનથી પાણીની લાઇન બદલી શકાઇ નથી, વિપક્ષના ઉપનેતા મનપાને બદનામ કરવાનું બંધ કરે: મેયર

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનથી પાણીની લાઇન બદલી શકાઇ નથી, વિપક્ષના ઉપનેતા મનપાને બદનામ કરવાનું બંધ કરે: મેયર

મેયર બિનાબેન આચાર્ય અને કોંગ્રેસના વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરિયા અલગ અલગ મુદ્દાઓને લઇ વોર્ડ નં.10માં આપવામાં આવતી સુવિધાઓ અને પ્રશ્નો અંગે એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયાથી પાણી પ્રશ્ને બન્ને નેતા એક બીજાની આમને સામને છે. પાણીના વેડફાટ અંગે કાલરિયાએ કહ્યું કે, છેલ્લા દોઢ માસથી ભીમનગર ચોકથી કાલાવડ રોડ પર લાખો ગેલન પાણી વેડફાઇ રહ્યું છે.

તેના જવાબમાં મેયરે કહ્યું છે કે, લોકડાઉન હોવાથી વર્ષો જૂની લાઇન બદલી શકાય નથી. બે દિવસથી પાણી લીકેજ બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. કાલરિયાએ મનપાને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ. જો કે હક્કીત એ છે કે છેલ્લા એક સપ્તાહથી વધુનો સમય પૂરો થયો છતા દરરોજ પાઇપલાઇન લીકેજ થાય છે અથવા તો તૂટી જાય છે અને ત્યારે નેતાઓએ એકબીજા પર આક્ષેપો કરવાના બદલે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે. 

લોકડાઉનથી લાઇન બદલી શકાય નથી
મનસુખભાઇ કાલરિયાએ પાણી વેડફાઇ રહ્યું છે તેવો પ્રચાર કરી રહ્યા છે અને તંત્રને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ વર્ષો જૂની એમ.એસ. પાઇપલાઇન છે તેથી લીકેજ થવાનો બનાવ બન્યો છે. જ્યાં જ્યાં લીકેજ છે તેને બંધ કરવા તંત્ર બે દિવસથી કામ કરી રહ્યું છે. અહીં નવી લાઇન નાખવાની કામગીરી પણ ગતિમાં છે. લોકડાઉનના કારણે આ પાઇપલાઇન બદલી શકેલી નથી. - બિનાબેન આચાર્ય, મેયર રાજકોટ મનપા

આક્ષેપ નથી, આજે પણ પાણીનો વેડફાટ ચાલુ છે
છેલ્લા દોઢ માસથી મોટા પ્રમાણમાં પીવાના કિંમતી પાણીનો બગાડ થઇ રહ્યો છે. પાઇપલાઇન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે આ લીકેજ બંધ કરવા હું ઇજનેરો સાથે સ્થળ પર ગયો અને કામગીરી કરાવી છે. મેયર પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે તો તેમની કંઇ જવાબદારી નથી. મેયર પર કોઇ આક્ષેપ કર્યા નથી આજે પણ અહીં પાણીનો વેડફાટ ચાલુ છે. પાણીનો બગાડ અટકાવવા તેમણે અધિકારીઓ પાસે જવાબ માગવો જોઇએ. - મનસુખભાઇ કાલરિયા, ઉપનેતા વિરોધ પક્ષ રાજકોટ મનપા

અન્ય સમાચારો પણ છે...