તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફેદ દૂધનો કાળો કારોબાર:રાજકોટની ડેરીઓમાં દૂધમાં પાણીની ભેળસેળ પણ બંધ, 28 ડેરીમાં કરાયેલી તપાસમાં ફેટ પણ પૂરતા; ભાસ્કરની ઝુંબેશને કારણે ભેળસેળિયા ભૂગર્ભમાં ઉતર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અખાદ્ય દૂધ પકડ્યા બાદ હાઈવે પર મોબાઈલ વાનમાં ચેકિંગ દરમિયાન પાણીવાળુ દૂધ પકડ્યું હતું

રાજકોટમાં દરરોજ સવારે પાણીના ટાંકાઓમાં દૂધ ભરીને આવતા વાહનો હજારો લિટર અખાદ્ય દૂધ ઠાલવીને જતા હતા. ભાસ્કરે 15 દિવસ સુધી તપાસ કરીને આવા વાહનોની રેકી કરીને 1000 લિટર અખાદ્ય દૂધ પકડીને ભેળસેળિયા દૂધ સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશને કારણે જે શંકાસ્પદ વાહનો રાજકોટ શહેરમાં આવતા હતા તે તમામ અચાનક બંધ થઈ ગયા છે. જે સાબિત કરે છે કે આ તમામ દૂધ ભેળસેળિયું હતું અને હવે તે બધા તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

દિવ્ય ભાસ્કરે જે વાહન પકડીને નકલી અને અખાદ્ય દૂધનો પર્દાફાશ કર્યો હતો તેમાં સફેદ ટાંકીમાં દૂધ ભરીને સફેદ રંગના બોલેરો વાહન હતા. આવા ઘણા વાહનો દરરોજ રાજકોટ શહેરમાં આવતા હતા અને બેરોકટોક ડેરીઓમાં દૂધ ઠાલવતા હતા. આ દૂધમાં ફેટ વધારવા માટે તેલ અને કેમિકલ તેમજ ઘાટું બનાવવા માટે પાઉડર પણ નંખાય છે. જે 1000 લિટર દૂધ પકડાયું તે ઉપલેટાના ઢાંકમાં વિજય માંકડે બનાવ્યું હતું અને તે દિવસથી વિજય ફરાર છે.

અખાદ્ય દૂધની આ ઝુંબેશ શરૂ કરાતા ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાસ દૂધના ટેસ્ટિંગ માટે મોબાઈલ ટેસ્ટિંગ વાન મોકલી હતી. શહેરમાં ગોંડલ બાયપાસ ચોકડીએ વહેલી સવારે ચેકિંગ કરાતા 5 વાહનમાં આવતા દૂધમાં પાણીની ભેળસેળ મળતા 228 લિટર દૂધનો નાશ કરાયો હતો. જિલ્લામાં ઉપલેટા સહિતના તાલુકાઓમાં પણ આ જ ડ્રાઈવ કરાઈ હતી અને 300થી વધુ સેમ્પલ લેવાયા હતા.

દૂધમાં પાણીની પણ ભેળસેળ સાંખી ન લેવાતા બધા ભેળસેળિયા તત્ત્વો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સફેદ ટાંકાવાળા વાહનો તો અદૃશ્ય જ થઈ ગયા છે તેમજ પાણી નાંખનારાઓ પણ રોકાઈ ગયા છે. મનપાની ફૂડ શાખાએ શનિવારે એક બે નહિ પણ 28 ડેરીઓમાં તપાસ કરતા એકપણ ડેરીમાં પાણીની ભેળસેળ મળી ન હતી તેમજ ફેટનું પ્રમાણ પણ નિયત મર્યાદા મુજબ હતું. જે સાબિત કરે છે કે હવે લોકોને પહેલા કરતા વધુ સારું દૂધ મળી રહ્યું છે. જોકે આ ભેળસેળિયા તત્ત્વો થોડા દિવસ માટે જ ભૂગર્ભમાં ઉતર્યા છે કારણ કે, નફાની લાલચને કારણે તેઓ ફરીથી અખાદ્ય દૂધ બનાવશે જોકે દૂધ ચકાસવાની આ ડ્રાઈવ નિયમિત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...