રાજકોટમાં આગની 21 ઘટના:દિવાળીની રાતે ફટાકડાથી વોશિંગ મશીન, બાઇક, બૂટ-ચપલની દુકાન, પૂઠાના કારખાનામાં આગ લાગી, જાનહાનિ નહીં

રાજકોટએક મહિનો પહેલા
ફટાકડાને કારણે આગના બનાવો બન્યા.
  • સતનામ હોસ્પિટલ પાછળ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, યુનિવર્સિટી ક્લબ, નિલ સિટી પાસેના ખુલ્લા વંડાઓમાં આગ લાગી હતી

રાજકોટમાં દિવાળીની રાતે ફટાકડાથી 21 સ્થળે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જોકે, આ તમામ ઘટનામાં જાનહાનિ થઈ નથી. સળગેલું રોકેટ પડતા ભારત બેકરીના ત્રીજા માળે પતરા પર પડેલા કચરામાં આગ ભભૂકતા ફાયરબ્રિગેડ દોડયું હતું. બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી તાત્કાલિક આગ બૂઝાવી હતી. મોટાભાગે ખુલ્લા વંડાઓમાં ફટાકડાના કારણે આગના બનાવો બન્યા હતા. ગવલીવાડના મકાનમાં વોશિંગ મશીન અને નાણાવટી ચોક પાસે બાઈક સળગી ઉઠ્યું હતું તો પરાબજારમાં બૂટ-ચપલની દુકાનમાં આગ લાગી હતી.

ફાયરના જવાનો સતત દોડતા રહ્યા
શહેરમાં દિવાળી પર્વની ઉત્સાહથી ઉજવણી થઈ હતી. આ દરમિયાન અનેક જગ્યાએ ફટાકડાના તણખા પડતા આગ લાગ્યાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડના ચોપડે આવા 21 કિસ્સા મોડી રાત સુધીમાં નોંધાયા હતા. જેને પગલે શહેરીજનોની સુરક્ષા માટે ફાયર જવાનો સતત દોડતા રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રજપૂતપરા શેરી નં.6માં આવેલી વિશ્વાસ સેલ્સ એજન્સીમાં દિવાળી નિમિતે દીવો રાખ્યો હોય તે ઓઇલ ગ્રીસના જથ્થા ઉપર પડતા આગ લાગી હતી. જે ફાયરબ્રિગેડે બૂઝાવી હતી. કાલાવડ રોડ, નિર્મલા રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટેશનનું જ્યાં કામ ચાલે છે ત્યાં લાકડા પડ્યા હોય તેમાં આગ લાગી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ પર રાધેકૃષ્ણનગરમાં આવેલા બજરંગ ઓટો નામના કારખાના શેડમાં ઉપરના માળે પડેલા પુઠામાં આગ ભભૂકી ઉઠી હતી.

પૂઠાના કારખાનામાં આગ લાગી હતી.
પૂઠાના કારખાનામાં આગ લાગી હતી.

મુજકા ગામે બંધ મકાનમાં આગ લાગી હતી
કોટક સ્કૂલ પાછળ ગવલીવાડમાં આવેલા એક મકાનમાં આગ લાગતા વોશિંગ મશીન સળગી ગયું હતું. ત્રિકોણ બાગ નજીક નેક્સસ હોટલની પાસે આવેલા ખંઢેરમાં આગ લાગી હતી, થોરાળા પોલીસ મથકની બાજુમાં આવેલા વંડામાં સળગતો ફટાકડો પડતાં આગ ભભૂકી હતી અને મુજકા ગામે બંધ મકાનમાં આગ લાગી હતી. વિજય પ્લોટ 16, ગાંધીગ્રામના અવંતીકા પાર્ક, પીડી માલવીયા ફાટક પાસે, જસરાજ નગર શેરી નં. 6, ચૂનારાવાડ ચોકમાં મેલડી માતાજીના મંદિર પાસે, બિગ બજાર પાછળની કર્મચારી સોસાયટી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયા , નાણાવટી ચોક નજીક, અક્ષર માર્ગ પર સતનામ હોસ્પિટલ પાછળ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, યુનિવર્સિટી ક્લબ, નિલ સિટી પાસેના ખુલ્લા વંડાઓમાં આગ લાગ્યાના બનાવો બન્યા હતા.

ફાયરબ્રિગેડની ટીમ આખી રાત દોડતી રહી.
ફાયરબ્રિગેડની ટીમ આખી રાત દોડતી રહી.