રાજકોટ સહિત રાજ્યના 8 મહાનગરોમાં ગઈકાલથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલે 11 વાગ્યાથી કર્ફ્યુની અમલવારી કરાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે નહીં તે જાણવા માટે ગતરાત્રે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ગોંડલ રોડ પર રાત્રે 11 વાગ્યા બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. 11 વાગ્યે દુકાનો બંધ કરવાને બદલે કેટલીક પાનની દુકાનો અને ગાંઠિયાની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જોકે 12.30 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ વાન ત્યાંથી પસાર થવા છતાં તેની સામે કાર્યવાહી કરવાના બદલે મૂક પ્રેક્ષક બની ખુલ્લી દુકાનને જોઈ આંખ આડા કાન કરી ચાલી ગઈ હતી.
ચાર રસ્તા પર બિનજરૂરી નીકળતા લોકોને પોલીસ અટકાવતી જોવા મળી
કોરોના કેસની સંખ્યામાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા ગઈકાલથી રાત્રિથી કર્ફ્યૂનો સમય 1 વાગ્યાથી ઘટાડી 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પણ કર્ફ્યૂનો સમય 11 વાગ્યે લાગુ કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા તેની કડક અમલવારી કરાવવા તમામ પોલીસ સ્ટેશનના વડાને વિસ્તારમાં કડક અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર 11 વાગ્યાથી જ કર્ફ્યૂની અમલવારી શરૂ કરાવી દેવામાં આવી હતી. જેમાં બિનજરૂરી બહાર નીકળેલા લોકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોંડલ રોડ પર લોકો બિન્દાસ ફરતા જોવા મળ્યા
બીજી તરફ રાત્રિના 11 વાગ્યા બાદ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રિયાલિટી ચેકે કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ગોંડલ રોડ પર રાત્રિ કર્ફ્યૂ જેવો કોઈ માહોલ જોવા મળ્યો નહોતો. ગોંડલ રોડ પર રાત્રિના 12.30 વાગ્યે ટ્રાયએન્ગલ બ્રિજ નજીક ચામુંડા પાન, જલારામ ગાંઠિયા તેમજ ખેતલાઆપા ચા હોટેલ ખુલ્લી જોવા મળી હતી. આ હોટેલો પર મોટી સંખ્યામાં લોકો ચા અને ગાંઠિયા સાથે નાસ્તો કરતા નજરે પડ્યા હતા.
પોલીસ કડક બની જાહેરનામાનું પાલન કરાવે તેવી ચર્ચા
આ સમયે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસવાન પણ 12.30 વાગ્યે પસાર થઇ હતી. પરંતુ પોલીસની આ વાનમાં બેઠેલા પોલીસ જવાનોએ ચામુંડા પાન કે જલારામ ગાંઠિયાની દુકાનો પૈકી કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આંખ આડા કાન કરી પોલીસવાન ત્યાંથી ચલાવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાત્રિ કર્ફ્યૂ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છતાં ખુદ પોલીસ જવાનો દ્વારા જ લોકોને જાહેરનામા ભંગ કરવા પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. આથી પોલીસ કડક બની જાહેરનામાનું પાલન કરાવે તેવી ચર્ચા પણ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.