મેયરના વોર્ડમાં દિવાળી:રસ્તાકામના 8.87માંથી 7.35 કરોડ વોર્ડ 12ને મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15.25 કરોડના ખર્ચના કામોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી જેમાં કુલ 40 દરખાસ્ત મુકાઈ હતી જે તમામ મંજૂર કરાઈ છે. કુલ 15 કરોડના કામોને બહાલી અપાઇ હતી જેમાં 8.87 કરોડ રૂપિયાના રસ્તાકામ હતા. આ રસ્તાકામમાં 7.35 કરોડના કામ તો ફક્ત મેયરના વિસ્તાર એવા વોર્ડ નં.12માં મંજૂર કરાયા છે. વોર્ડ નં. 12માં ગોંડલ રોડ ક્રિષ્નાપાર્કથી વાવડી ગેટ તરફ 18 મી. ટી.પી રોડ, ગોંડલ રોડથી પૂનમ ડમ્પર તરફ 15 મી. ડી.પી. રોડ, ફાલ્કન પંપથી સત્યનારાયણ વે-બ્રિજનો રોડ, વાવડીમાં ગોપાલ હોટેલથી ગોંડલ રોડ અને રસુલપરા કાંગશિયાળી રોડને પેવર કાર્પેટ કરવાના કામો લેવાયા છે.

જેમાં સૌથી મોટા વાવડી વિસ્તારના છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર વોર્ડ નં.12માં આવેલા વાવડી વિસ્તારમાં મનપામાં ભળ્યા બાદ પ્રથમ વખત પેવર કાર્પેટ કામ થઈ રહ્યું છે.મેયરના વોર્ડમાં રસ્તાકામ બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડિયા, જયમીન ઠાકર અને ડે. મેયર ડો.દર્શિતાબેન શાહના મતવિસ્તાર એવા વોર્ડ નં.2માં અલગ અલગ 1.42 કરોડ રૂપિયાના વિકાસકામો ફાળવવામાં આવ્યા છે. આ રીતે જોતા જે વોર્ડના કોર્પોરેટર મજબૂત પદ ધરાવે છે તેમના વોર્ડમાં વધુ કામ આ વખતે ફાળવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

સ્ટેન્ડિંગમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં એર ક્વોલિટી એસેસમેન્ટ કરવા માટેની સૂચના કેન્દ્રમાં આવી હોવાથી આ કામગીરી કરવા માટે 77 લાખના ખર્ચે એજન્સીને નિમવામાં આવી છે. આ એજન્સી પણ સરકાર હસ્તકની હોવાનું કમિટીએ કહ્યું છે. જ્યારે વોર્ડ નં. 15માં 51 લાખ રૂપિયાના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...