• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Naresh Patel Wants To Be King Maker, Not King? Strategy For His Son Shivraj To Become A Behind the scenes 'emperor' In 'BJP'

ખોડલધામથી દિલ્હી દરબારમાં:કિંગ નહીં, કિંગમેકર બનવું છે નરેશ પટેલને? દીકરા શિવરાજને 'ભાજપ'માં જોડી પડદા પાછળના 'સમ્રાટ' બનવાની સ્ટ્રેટેજી

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ભાજપને સૌરાષ્ટ્ર-સુરતમાં જંગી જીત અપાવે તો નરેશભાઈને દિલ્હી ગમનનો રિવોર્ડ મળે
  • રાજકારણમાં જોડાઈને નરેશ પટેલે ખોડલધામ છોડવું પડે, અનેક પ્રોજેક્ટો અટવાઈ પડે
  • જામનગર ગ્રામ્ય ને મોરબીમાં નરેશભાઈના પુત્ર માટે જીતના ઊજળા સંજોગો

ખોડલધામના નરેશ પટેલ રાજકરણમાં પ્રવેશ લેશે કે નહીં અને લેશે તો ક્યા પક્ષમાં જોડાશે એવી ચર્ચાને 100 દિવસ પૂરા થયા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એમ ત્રણેય પક્ષના ટોચના નેતાઓને મળ્યા પછી પણ નરેશ પટેલ કોઈ એક નિર્ણય પર આવતા નથી. જોકે એક તદ્દન નવી વાત એ આવી છે કે નરેશ પટેલ ના કોંગ્રેસમાં જોડાશે કે ના ભાજપમાં. ઊલટાનું તેઓ પોતાના પુત્ર શિવરાજને સત્તાધારી ભાજપમાં આગળ કરી તેને ચૂંટણી જીતવામાં મદદ કરશે. તદુપરાંત સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાજપને વધુ બેઠકોની જવાબદારી લઈ તેને સારી રીતે નિભાવે તો તેમના માટે દિલ્હી દરબારમાં પણ સ્થાન બની શકે છે, એવું આધારભૂત સૂત્રો જણાવે છે.

રાજકારણમાં જોડાય તો ખોડલધામ છોડવું પડે
અંગત સૂત્રોનું માનીએ તો વડીલો અને સમાજના નજીકના લોકોએ કહ્યું છે કે રાજકારણમાં જોડાવવું હોય તો ખોડલધામમાંથી રાજીનામું દેવું પડશે. જોકે વડીલોની સલાહના સામા પૂરે ન તરી નરેશ પટેલ રાજકારણમાં ન પણ જોડાઇ એવું પણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુજરાતમાં મજબૂત સત્તા પક્ષમાં જોડાઇ જાય, પણ નરેશ પટેલે જાહેરાતમાં મોડું કરી દીધું હોવાથી આખી વાત જ હવે જાણે બેચરાઈ ગઈ છે. એટલે અંતિમ દાવ રમવા માટે નરેશ પટેલ સરવેને હાથો બનાવી ક્યાંય ન જોડાઇને દીકરા શિવરાજને ભાજપમાંથી ટિકિટ અપાવી પોતે અન્ય સીટમાં ભાજપને બારોબાર મદદ કરે એવા સંજોગો ઊજળા દેખાય રહ્યા છે.

પરિવાર તરફથી સંપૂર્ણ પરવાનગી મળી ચૂકી છે
છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણ એન્ટ્રી અંગે દરરોજ નવી નવી ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ, નરેશ પટેલનાં પત્ની, પુત્ર અને બાદમાં તેમણે પોતે પણ રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી. નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે એવી વાતો વચ્ચે પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસને બદલે AAPમાં જોડાશે એવી વાતો વહેતી થઈ છે. પોતાના સામાજિક પ્રભુત્વ મુજબ નરેશ પટેલ ભાજપ પાસેથી વધુ અપેક્ષા રાખે છે. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે, ક્યારે જોડાશે એ સહિતની અટકળોએ રાજકીય બજાર ગરમ કર્યું હતું.

પાટીલ નરેશ પટેલને મિત્ર ગણાવી ચૂક્યા છે
રાજકોટમાં 27 માર્ચે યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ નરેશ પટેલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પાટીલે જવાબ આપવાનું ટાળ્યું હતું, એ પહેલાં પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે નરેશ પટેલના ઘરે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ખોડલધામમાં પણ બંને મળ્યા હતા અને નરેશ પટેલ પોતાના મિત્ર હોવાની પણ પાટીલે વાત કરી હતી, પરંતુ રાજકોટમાં પાટીલે નરેશ પટેલ અંગે મૌન સેવીને આશ્ચર્ય સર્જ્યું હતું.

નરેશભાઈ ભાજપમાં જોડાય તો સારો હોદ્દો મળે
રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, નરેશ પટેલે આ વખતે સક્રિય રાજકારણમાં જોડાવા માટે મન મક્કમ કરી લીધું છે, કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ અને આમ આદમી પાર્ટીનું હજુ સુધી નેટવર્ક ગોઠવાયું નથી, ત્યારે આ બંનેમાંથી એક પાર્ટીમાં જોડાયને નરેશ પટેલ પોતાના પ્રભુત્વને જોખમમાં મૂકે એવું તેના નજીકના ટેકેદારો ઇચ્છતા નહોતા, ઉપરોક્ત બંને પાર્ટી જે તેમને સ્ટેજ આપવાની ઓફર કરી છે એ ઓફર સત્તા આવે તો સાકાર થાય, આ સંજોગોમાં નરેશ પટેલ ભાજપમાં જોડાય તો તેમને સારું સ્થાન મળી શકે.

અન્ય સમાચારો પણ છે...