પાણીનું વિતરણ:‘ગામડે પાણી માટે વલખાં’, રાજકોટના 15થી વધુ ગામમાં 26 ટેન્કરના ફેરા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાંઓમાં ટેન્કર સાથે બોર કરવા માટે પણ ઉઠતી માગણીઓ
  • છેવાડાના ગામડાંમાં દૈનિક દોઢ લાખ લિટર પાણીનું થતું વિતરણ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગામડાંઓમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાવાની શરૂ થઇ ગઇ છે ત્યારે રાજકોટ જિલ્લાના પંદરથી વધુ ગામડાંઓમાં 26થી વધુ ટેન્કર દ્વારા અંદાજે દોઢ લાખ લિટરથી વધુ પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂડા સહિતના વિસ્તારો સંલગ્ન ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ટેન્કરયુગ શરૂ થઇ ગયો છે.

મુખ્ય જળસ્ત્રોતોમાં નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે તેમ છતાં હજુ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ વ્યવસ્થાના અભાવે પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસોમાં જળકટોકટી વધુ તીવ્ર બને તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાંઓમાં પાણીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે પ્રવર્તમાન સમયે તંત્ર દ્વારા ચોટીલા, ગારીડા, ગુંદા, બામણબોર, જીવાપર સહિતના પાંચ ગામડાંઓમાં પાંચ ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. જ્યારે રૂડાના મનહરપુર, રોણકી તરફ 2 તેમજ માલિયાસણ ખાતે પાંચ ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે.

આણંદપર-નવાગામમાં સાત ટેન્કર દોડી રહ્યા છે. જસદણ તાલુકામાં એક તેમજ લોધિકા તાલુકામાં ચીભડા તથા મેટોડા જીઆઇડીસીમાં દસ દસ હજાર લિટરના છ ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. ગામડાંઓમાં ટેન્કરની માંગ સાથે બોર કરવાની માગણીઓ પણ ‌વધી છે. સમીક્ષા બેઠકમાં કેટલાક સરપંચોના મત મુજબ ગામડાંઓમાં ટેન્કર શરૂ થયા છે પરંતુ ટેન્કર પહોંચે ત્યારે અવ્યવસ્થાઓ સર્જાતી હોવાથી બોર તથા પાણીની ખરાબ મોટરો તાકીદે બદલાવવાની જરૂરિયાત જણાઇ રહી છે.

રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાંઓમાં વર્ષોથી છેવાડાના વિસ્તારોમાં ટેન્કરો મોકલવા પડતા હોઇ, તંત્ર દ્વારા પાણીની લાઇન દ્વારા ત્યાં આસાનીથી પાણી પહોંચે તેવી કોઇ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી ગ્રામ્યસ્તરે લોકોને પાણી માટે રીતસર વલખા મારવા પડતા હોય છે.

150 મીટર લાઇનના અભાવે 5 ગામમાં લાખો લિટર પાણીના ટેન્કર દોડી રહ્યા છે
ચોટીલા પંથકના ચોટીલા, બામણબોર, જીવાપર, ગારીડા, ગુંદા સહિતના પાંચ ગામડાં રાજકોટ તાલુકામાં સમાવાયા છે. આ ગામડાઓમાં મચ્છુનું પાણી પહોંચાડવા માટેનો ઓલમોસ્ટ પ્રોજેક્ટ તૈયાર છે, પરંતુ 150 મીટરની પાણીની લાઇન કે, જે જંગલ ખાતાની જમીન (વીડી)માંથી પસાર થાય છે તે નાખવાની મંજૂરીના અભાવે છેલ્લા દોઢેક વર્ષથી કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ આ મહત્વરૂપી કામગીરી ટલ્લે ચડી છે. એટલે જ રાજકોટ પંથકમાં ભળેલા આ પાંચ ગામડાંના લોકોને દૈનિક લાખો લિટર પાણીનો મોટો ખર્ચ વહન કરી ટેન્કરના માધ્યમથી આપવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...