તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાસક ભાન ભૂલ્યું:રાજકોટમાં સસ્તી પ્રસિદ્ધીની લ્હાયમાં ભાજપે ભૂલકાના જીવ જોખમમાં મૂક્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરી 2 જોડી યુનિફોર્મ આપ્યા

રાજકોટ3 મહિનો પહેલા
મનપા કચેરીના કોન્ફરન્સ હોલમાં કાર્યક્રમ યોજાયો.
  • ભૂલકાના જીવ જોખમમાં મૂકી ભાજપ સાબિત શું કરવા માગે છે તેવો સવાલ લોકોમાં ઉઠ્યો

કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે. ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં કોઇ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ભંગ થાય તો તેની વિરૂદ્ધ કાયદાનો દંડો ઉગામી જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે છે. ત્યારે રાજકોટમાં તો સરેઆમ શાસક પક્ષ ભાજપના જ નેતાઓ ગાઈડલાઈનનો ઉલાળિયો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સસ્તી પ્રસિદ્ધીમાં ભાજપે 2 જોડી યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજ્યો. જેમાં 100થી વધુ લોકોને ભૂલકા સાથે ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કર્યા. આ રીતે ભૂલકાના જીવ જોખમમાં મૂકી ભાજપ સાબિત શું કરવા માગે છે તેવો સવાલ ઉઠ્યો છે.

કોરોનાકાળમાં મનપા નિયમો ભૂલી
રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આવેલા કોન્ફરન્સ હોલમાં યુનિફોર્મ વિતરણ માટેનો કાર્યક્રમ શાસક પક્ષ દ્વારા યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરો, મેયર, અધિકારીઓ હાજર રહ્યા હતા. 100થી વધુ ભૂલકાને તેમના વાલી સાથે એકઠા કરી 2 જોડી યુનિફોર્મનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. અધિકારીઓ અને શાસક પક્ષ જ નિયમોની ઐસી તૈસી કરી રહ્યું છે. પરંતુ તેઓની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવો લોકોમાં સવાલ ઉઠ્યો છે. સામાન્ય લોકો કાર્યક્રમ યોજે તો તેઓની વિરૂદ્ધ પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધે છે. જ્યારે નિયમો બનાવનારી મનપા જ છડેછોક નિયમોના ધજીયા ઉડાવે છે.

ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું.
ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું.

આંગણવાડીના બાળકોને 2 જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા
રાજકોટ મનપા દ્વરા આંગણવાડીના બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકોને એકત્રિત કરી ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. 3થી 6 વર્ષના 9305 બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવી રહ્યા છે. રાજકોટના ઇસ્ટ ઝોનમાં 3301, વેસ્ટ ઝોનમાં 2948 અને સેન્ટ્રલ ઝોનમાં 3056 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ભૂલકાઓએ કોરોના નામ સાંભળ્યું છે, તેને થોડી ખબર છે કે એક ગંભીર બીમારી છે.
આ ભૂલકાઓએ કોરોના નામ સાંભળ્યું છે, તેને થોડી ખબર છે કે એક ગંભીર બીમારી છે.

કાર્યક્રમમાં અમુક નેતાઓ અને બાળકો માસ્ક વગર જોવા મળ્યા
કાર્યક્રમમાં બાળકોને માસ્ક ફરજીયાત પહેરવા જોઇએ એવી સમજણ પણ હોતી નથી. આથી અમુક બાળકોએ માસ્ક પહેર્યા નહોતા તો અમુક બાળકો માસ્ક સાથે રમી રહ્યા હતા. હજુ સ્કૂલો ક્યારે ખુલશે તે નક્કી નથી અને ગણવેશ વિતરણના આવા તાયફા યોજી ભાજપ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યું હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે. આવા તાયફા કરવાથી ત્રીજી લહેર જોખમી સાબિત થાય તો નવાઈ નહીં.

12 અનાથ દીકરીના સમૂહ લગ્નમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો
9 દિવસ પહેલા જ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં 12 અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લગભગ 400 જેટલા લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન લોકો ખુદ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી કોરોનાને નિમંત્રણ આપતા નજરે પડતા પોલીસ દોડી આવી હતી અને આયોજક અને હોલ સંચાલકની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ આ જ દિવસે રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ ભાજપ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ત્યારે ભાજપ જમાવડો કરે તો તેની સામે કોઇ કાર્યવાહી નહીં અને 12 અનાથ દીકરીના સમૂહલગ્ન થાય તો પોલીસ તેની સામે કાર્યવાહી કરી. આ તે કેવો ન્યાય તેવી ચર્ચા લોકોમાં ઉઠી હતી.

સસ્તી પ્રસિદ્ધીની લ્હાયમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા.
સસ્તી પ્રસિદ્ધીની લ્હાયમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા.

ત્રીજી લહેરને આમંત્રણ
આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે કોરોનાને આમંત્રણ આપવામાં રાજકીય નેતાઓ ખુદ જવાબદાર છે. ત્યારે જ્યાં સુધી રાજકીય પક્ષો ખુદ પોતાની અને લોકોની ચિંતા નહિ કરે અને આ જ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન કરતા રહેશે તો કોરોનાની ત્રીજી લહેરમાં પરિસ્થિતિ બીજી લહેર કરતા ઘાતક બને તો નકારી શકાય તેમ નથી તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે.

100થી વધુ લોકોને એકત્ર કર્યા.
100થી વધુ લોકોને એકત્ર કર્યા.