ગોંડલ રોડ પર રિદ્ધિસિદ્ધિના નાળા પાસેથી શુક્રવારે રાત્રે બોક્સમાં ફિટ કરેલી બૂટલેગરની લાશ મળવાના પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બૂટલેગર સંજયને તેના જ મિત્ર વિશાલે દારૂની પાર્ટીમાં થયેલી બોલાચાલી બાદ હથોડી અને લોખંડના રોડ ઝીંકીને પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ લોહીના ડાઘ સાફ કરવા અને લાશનો નિકાલ કરવા માટે વિશાલે તેના બે મિત્રોને હત્યામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી પોતાની મદદ માટે તૈયાર કર્યા હતા.
ગોકુલધામ ક્વાર્ટર્સમાં રહેતા બૂટેલગર સંજય રાજેશભાઇ સોલંકી (ઉ.વ.37)ની હત્યા કરી બોક્સમાં ફિટ કરી દેવાયેલી લાશ શુક્રવારે રાત્રે 9 વાગ્યે મળી આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમ મેદાને ઉતરી હતી. પોલીસે 40 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયાને માહિતી મળી હતી કે સંજયને બે દિવસથી તેના મિત્ર વિશાલ વિરેન્દ્ર બોરીસાગર સાથે માથાકૂટ ચાલતી હતી. પોલીસ વિશાલ સુધી પહોંચી ગઇ હતી અને આગવીઢબે પૂછપરછ કરતાં વિશાલે હત્યાની કબૂલાત આપી હતી.
વિશાલ બોરીસાગરે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સંજય સોલંકી તેનો મિત્ર હતો અને તા.25ના બંને મિત્રો દારૂની પાર્ટી કરવા બેઠા હતા ત્યારે સંજયે દારૂના નશામાં ગાળો ભાંડી હતી, ત્યારબાદ તા.27ના બપોરે ફરીથી પાનની દુકાન પાસે સંજયે ગાળો દેતા પોતે પણ ઉશ્કેરાયો હતો અને તેની સાથે બોલાચાલી કરી 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ સામે આવેલા પોતાના કારખાને જતો રહ્યો હતો. કારખાને પોતે બેઠો હતો ત્યારે સાંજે પાંચ વાગ્યે સંજય કારખાને ધસી આવ્યો હતો અને ફરીથી ગાળો ભાંડવા લાગ્યો હતો.
બે દિવસથી સંજય ગાળો આપી રહ્યો હોય પોતે ઉશ્કેરાઇ ગયો હતો અને કારખાનામાં પડેલી લોખંડની હથોડી ઉઠાવી તેને આડેધડ ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં લોખંડના રોડ પણ ફટકાર્યા હતા. સંજયની હત્યા કર્યા બાદ વિશાલ પોતાના ઘરે જતો રહ્યો હતો અને કારખાનામાં પડેલા લોહીના ખાબોચિયાં દૂર કરવા અને લાશનો નિકાલ કરવા માટે મિત્ર વિવેકને ફોન કર્યો હતો પરંતુ વિવેકે આવવાની ના કહેતા તેને ખૂન કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા તે આવ્યો હતો અને બંનેએ લોહીના ખાબોચિયાં સાફ કરી નાખ્યા હતા અને વિવેકની મદદથી લાશ કોથળામાં ભરી દીધી હતી અને બંને કારખાનેથી નીકળી ગયા હતા.
આખીરાત લાશ કોથળામાં ભરેલી હાલતમાં કારખાનામાં પડી રહી હતી. લાશનો નિકાલ કરવા માટે તા.28ના સવારે અમિત કોઠિયાને ફોન કર્યો હતો અને લાશને પેક કરી શકાય તેવું બોક્સ લઇને આવવાનું કહ્યું હતું, અમિતે ના કહેતા તેને પણ બૂટલેગરની હત્યામાં સંડોવવાની ધમકી આપી તૈયાર કર્યો હતો. અમિત કારખાને આવતા લાશ બોક્સમાં ફિટ કરી દીધી હતી અને લાશ ભરેલું બોક્સ અમિતે સ્કૂટરમાં બાંધી દીધું હતું. ત્યારબાદ વિશાલ બોક્સ સાથેનું સ્કૂટર લઇને નિકાલ કરવા નીકળ્યો હતો અને રિદ્ધિસિદ્ધિ નાળા પાસે પહોંચ્યો હતો ત્યારે સ્કૂટર પરથી બોક્સ પડી જતાં તે બોક્સ મૂકીને નાસી ગયો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
ઘાતકી હત્યાનો ઘટનાક્રમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.