ગુજરાત વિધાનસભામાં આ વખતે આપના 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં સૌથી વધુ 4 ધારાસભ્ય સૌરાષ્ટ્રના છે. આમ આદમી પાર્ટીના વિસાવદરમાં ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણી ગઇકાલે ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી વાત વાયુવેગે ફેલાઇ હતી. આથી આપના નેતાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે ભૂપત ભાયાણીની કૂકરી ગાંડી થતાંં તેઓએ આ વાતને અફવા ગણાવતા ભાજપમાં જોડાવા પર પૂર્ણવિરામ લાગી ગયું હતું. જો કે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના અન્ય ત્રણ ધારાસભ્યો પર હવે ભાજપની નજર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ભાયાણીએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી
એક તરફ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ફક્ત પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે અને તેમાંથી બેથી ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જેમાં ભાયાણીએ ઓચિંતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. મૂળ ભાજપના અને ટિકિટ ન મળતાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરીને ભાજપ-કોંગ્રેસને પરાજિત કરી ચૂંટાયેલા ભાયાણીએ પહેલા તેમના ભાજપમાં જોડાવા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, લોકોએ ભાજપની તરફેણમાં નિર્ણાયક મતો આપ્યા છે અને હું મારા મતદારો માટે કામ કરું છું અને આથી જ મારે સરકારની સાથે જોડાવું જરૂરી છે.
એક-બે દિવસમાં જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું
તેઓએ એક-બે દિવસમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તેઓએ ફેરવી તોળ્યું હતું અને ‘આપ’ના શિસ્તબદ્ધ સૈનિક હોવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીના બોટાદમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણા, જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આપના કુલ પાંચમાંથી 3 ધારાસભ્યો જો ભાજપમાં જોડાઇ તો પક્ષાંતર વિરોધી ધારો લાગુ ન પડે. જો કે બાદમાં ઉમેશ મકવાણાએ પણ પોતે ભાજપમાં જોડાઇ રહ્યાની શક્યતા નકારી છે.
ત્રણ અપક્ષ ધારાસભ્ય વાજતેગાજતે ભાજપમાં જશે
ગુજરાત વિધાનસભામાં બળવો કરીને ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્યો અંતે ભાજપમાં જ જોડાઇ તેવા સંકેત છે. જેમાં બાયડના ધવલસિંહ ઝાલા ઉપરાંત વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ધાનેરાના માવજીભાઈ દેસાઈ ભાજપમાં જોડાઇ જશે તેવા સંકેત છે. આ ધારાસભ્યોમાં ધવલસિંહ તથા માવજીભાઈને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા અને ધર્મેન્દ્રસિંહ મૂળ ભાજપના બાગી મધુ શ્રીવાસ્તવ સહિતના તમામને પરાજિત કર્યા હતા અને તેઓને પણ ભાજપમાં સ્થાન મળી જશે તેવા સંકેત છે.
ગ્રેસની જીતની બાજી બગાડી દીધી
સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકોનાં પરિણામ પર નજર કરીએ તો 48 પૈકી 40 બેઠક પર ભાજપ, 4 બેઠક પર આપ, 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થઈ છે. જ્યારે ભાજપે જીતેલી 40 બેઠકો પૈકીની 13 બેઠક એવી છે જેમાં કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી બીજા ક્રમે જોવા મળી છે. જ્યારે રાજકોટ પૂર્વ, ધોરાજી, દ્વારકા, માંગરોળ અને કેશોદ બેઠક પર આપે ભાજપની લીડ કરતાં વધુ મતો મેળવી કોંગ્રેસની જીતની બાજી બગાડી દીધી હતી.
સૌરાષ્ટ્રમાં 13 બેઠકો ઉપર ‘આપ’ બીજા ક્રમે
સૌરાષ્ટ્રમાં છ બેઠક પર આપે કોંગ્રેસની બાજી બગાડી
બેઠક | ભાજપની લીડ | આપને મત |
જસદણ | 16172 | 47636 |
રાજકોટ પૂર્વ. | 28635 | 35446 |
ધોરાજી | 11878 | 29429 |
દ્વારકા | 5327 | 28381 |
માંગરોળ | 22501 | 34000 |
કેશોદ | 4200 | 24497 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.