તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં મહુવા અને યાત્રાધામ વીરપુરમાં સજ્જડ બંધ, સંતો મોરારિબાપુને મળવા પહોંચ્યા

એક વર્ષ પહેલા
મહુવા અને વીરપુરમાં સજ્જડ બંધ
  • મહુવા માર્કેટિંગ યાર્ક બંધમાં જોડાયું
  • આદરણીય મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર સામે પગલાં ભરવા જોઈએ-ભરતભાઇ ચાંદ્રાણી

મોરારિબાપુના સમર્થનમાં આજે મહુવા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહુવા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ યાત્રાધામ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુને મળવા સંતો મહંતો પહોંચ્યા
મોરારીબાપુ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હજુ શાંત પડવાનું નામ નથી લેતા. ત્યારે આ બનાવને પગલે તલગાજરડા ખાતે નામી-અનામી સંતો મહંતો મોરારિબાપુને મળવા પહોંચ્યા હતાં. વિવિધ સંતોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં લીમડીના સંતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સાથો સાથ સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર ન થાય તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.

સંતો બાપુને મળવા તલગાજરડા પહોંચ્યા
સંતો બાપુને મળવા તલગાજરડા પહોંચ્યા

અતુલ ઓટોના માલિકે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ મામલે સાધુ સંતો બાદ ઉદ્યોગપતિઓ પણ બાપુના વ્હારે આવ્યા છે. ત્યારે રાજકોટમાં અતુલ ઓટોના માલિકે મોરારિબાપુના સમર્થનમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ બાપુના અન્ય સમર્થકો પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં.

અતુલ ઓટોના માલિકે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
અતુલ ઓટોના માલિકે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

મહુવામાં સજ્જડ બંધ, વેપારીઓમાં રોષ 
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં આજે મહુવામાં સજજડ બંધ પાડવામાં આવ્યો છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, નાના-મોટા વેપારીઓ, વિવિધ સંગઠનો, સમાજના આગેવાનો, હિન્દૂ તથા મુસ્લિમ ભાઈઓ, વિવિધ સંસ્થાઓ અને એકમો આ બંધમાં જોડાયા છે અને વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ક પણ બંધમાં જોડાયું છે. આજે સાધુ સંતો દ્વારા એક રેલી પણ યોજવામાં આવી છે. જેમાં આ ઘટનામાં પબુભા માણેક માફી નહીં માંગે તો વધુ જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

વીરપુરના તમામ વેપારીઓએ બંધ પાળ્યો
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને લઇને સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. જેથી યાત્રાધામ વીરપુર સંપૂર્ણ બંધ છે. વીરપુર ગામના તમામ વેપારીઓ રોજગાર-ધંધો બંધ પાળી રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે બાપુના વંશજ ભરતભાઇ ચાંદ્રાણીની આગેવાનીમાં ગામના પાંચ પ્રતિનિધિઓ કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતું કે અત્યારે હિન્દૂ ધર્મ અને સનાતન ધર્મનો આદર કરતો પક્ષ સતા પર છે. ત્યારે તેઓના મુખ્યાઓએ ચૂપ રહેવું ન જોઈએ અને સમગ્ર દેશમાં આદરણીય મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર સામે પગલાં ભરવા જોઈએ. 

( કિશન મોરબીયા- વીરપુર, ભરત વ્યાસ ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...