રીલ્સના રવાડે ચડેલું યુવાધન:રાજકોટમાં હાથમાં પિસ્તોલ અને 'આવાઝ નીચે'ના સંવાદ સાથે યુવક-યુવતીના સીન સપાટા, વાઇરલ વીડિયો

રાજકોટ16 દિવસ પહેલા
વીડિયો ભારે વાયરલ થયો

આજનું યુવાધન ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા પાછળ ઘેલું થઈ રહ્યું છે. દૈનિક યુવાનોના અવનવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ક્યાંક તેઓ સાચી કે ખોટી પિસ્તોલ સાથે ફાયરિંગ કરતા હોય, દારૂ પીતા હોય કે બાઈક પર ઉભા રહી જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા હોય.. તેવા દૃશ્યો સામે આવે છે. ત્યારે ફરી રાજકોટની એક યુવતીનો પિસ્તોલ સાથેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણીએ પિસ્તોલ હાથમાં લઈ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવી છે. પોલીસ દ્વારા આ મામલે યુવતીની અટકાયત કરવામાં આવી હતી.

શું છે વીડિયોમાં
જાણવા મળતી વિગત મુજબ હાલ ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો ભારે વાયરલ થયો છે. જેમાં બે યુવકોની વચ્ચે એક યુવતિ હાથમાં ગન સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન એક યુવક ડાયલોગ બોલે છે કે, 'જલને વાલો ઔર બરાબરી કરનેવાલો મેં ફર્ક હોતા હૈ' ઔર યે જો સમને બોલ તક નહીં સકતે' ત્યારબાદ બીજો યુવક બોલે છે કે, 'તો બોલો પીઠ પીછે' ત્યારબાદ યુવતિ ગન હાથમાં રાખી આગળ આવે છે અને ત્રણેય બોલે છે કે, 'આવાઝ નીચે' અને બાદમાં યુવતિ ગન વડે પોતાના વાળ સરખા કરતો પોઝ આપી રહી છે.

યુવતીની અટકાયત કરી
ઉપરાંત અન્ય એક વીડિયોમાં આ જ યુવતિ પિસ્તોલ સાથે જોવા મળી રહી છે. અને કહે છે કે, 'વક્ત વક્ત કી બાત હૈ મેરે ભાઈ, જીસકા આ ગયા વો છા ગયા' બાદમાં યુવતિ ગન સાથે પોઝ આપતી જોવાઈ રહી છે. આ બંને વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને યુવતીની અટકાયત કરી હતી. જે મામલે યુવતી પોતાની ભૂલ સ્વીકારી મીડિયાને એવું નિવેદન આપ્યું હતું કે, તેના હાથમાં પિસ્તોલ જેવું દેખાતું લાઇટર હતું. અને આ પ્રકારનો વીડિયો ભવિષ્યમાં ન બનાવવાની બાહેંધરી આપીને અન્ય યુવાનોને પણ રીલ્સ ન બનાવવા અપીલ કરી હતી.