રાજકોટ મનપાની આજે મળેલી દ્વિમાસિક સામાન્ય સભામાં દર વખતની જેમ આ વખતે પણ શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. જ્યાં આપ નેતા કોમલબેન ભરાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે,વાલીઓ પાસેથી શાળાઓ ફી પુરી વસુલે છે છતાં મનપાને નિયમિત વેરો નથી ભરતી'. આ પ્રશ્નના જવાબમાં ભાજપના સભ્યોએ પણ તંત્રને ભીડવ્યું હતું.
898 જેટલી શાળા-કોલેજો પાસે રૂ.11.36 કરોડનો ટેકસ બાકી
શહેરમાં શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓના બાંધકામ, બાકી વેરા, ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ લીધેલા લાભો સહિતના પ્રશ્નના વિસ્તૃત જવાબ કમિશનરે આપતા કેટલીક વહીવટી બાબતો સાથે જગ્યા પર શૈક્ષણિક અને રમત-ગમતના મેદાન સહિતની સુવિધાઓની હકીકત પણ ઉજાગર થઇ હતી. રાજકોટની 898 જેટલી શાળા-કોલેજો પાસે ચાલુ વર્ષ સહિત 11.36 કરોડના મિલકત વેરાનું લેણું છે. જેમાં અર્ધો વેરો લાંબા સમયથી ખેંચાતો આવે છે. ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ પાર્કિંગના બાંધકામો નિયમબધ્ધ કરવાના પણ મોટા પ્રમાણમાં લાભ લેનાર આ પૈકી માત્ર 86 સંસ્થા પાસે રમત ગમતના મેદાન હોવાનું પણ રેકર્ડ પર ખુલ્યું છે.
40 જેટલા બિલ્ડીંગ સૂચિત
થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા વોર્ડ નં.15ના કોર્પોરેટર કોમલબેન ભારાઇએ સવાલ મૂકયો હતો કે, વાલીઓ પાસેથી શાળાઓ ફી પુરી વસુલે છે છતાં મનપાને નિયમિત વેરો નથી ભરતી. જેના જવાબમાં કમિશ્નર અમિત અરોરાએ આંકડા સાથેની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના જુદા જુદા વોર્ડમાં 491 કેમ્પસમાં 898 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ બેસે છે. આ પૈકી 399 શાળાઓ સંપૂર્ણ મંજૂરીવાળી છે. 140 સંસ્થાએ તેમની શાળા-કોલેજો ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ નિયમબધ્ધ કરાવી છે. પાર્કિંગ સહિતના બાંધકામો સરકારના નિયમ હેઠળ રેગ્યુલર થયા છે અને તે પ્રમાણે ટેકસ આવે છે. 40 જેટલા બિલ્ડીંગ સૂચિત અથવા સરકારી ખરાબાની જગ્યામાં ઉભા છે.
રૂ.23 લાખનું વળતર લીધુ છે
આજની તારીખે ચાલુ વર્ષ સહિત શૈક્ષણિક સંસ્થાઓ પાસે મિલકત વેરાનું લેણુ 11.36 કરોડ છે. તેમાં 5.89 કરોડ જુના, 5.74 કરોડ ચાલુ વર્ષના અને 1.74 કરોડ વ્યાજના છે. કાર્પેટ એરીયાના અમલ બાદ જનરલ બોર્ડના ઠરાવથી શૈક્ષણિક સંસ્થાઓનો વેરાનો ભારાંક બે માંથી ઘટાડીને દોઢ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષમાં આવી સંસ્થાઓએ 2.28 કરોડનો વેરો ભરીને 23 લાખનું વળતર પણ લીધુ છે. ગત નાણાંકીય વર્ષમાં ટેકસની સૌથી વધુ વસુલાત આ સંસ્થાઓ પાસેથી 9.81 કરોડની થઇ છે અને હજુ આવક ચાલુ છે.
સ્કૂલને બાંધકામની મંજૂરી કયા નિયમના આધારે મળી
કોમલબેન ભારાઇ અને વશરામ સાગઠીયાએ ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોમલબેને કહ્યું હતું કે અનેક શાળા-કોલેજોમાં ગેરકાયદે બાંધકામ થયેલા છે અને તેઓ આવતા બોર્ડમાં આ અંગે માહિતી આપશે પરંતુ ભાજપના સભ્યોએ જે પ્રશ્ન છે તેની જ ચર્ચા કરવા કહ્યું હતું. જયારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ એવો સવાલ પૂછયો હતો કે રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓને બાંધકામની મંજૂરી કયા નિયમના આધારે આપવામાં આવે છે. કમિશ્નરે જવાબ આપ્યો હતો કે 2017થી અમલમાં આવેલા જીડીસીઆર હેઠળ બાંધકામ મંજૂરી આપવામાં આવે છે. સ્કુલ શરૂ કરવા અંગેની મંજૂરી બીઇઓ અને ડીપીઓ કક્ષાએ આપવામાં આવે છે.
કડક કાર્યવાહી કરવામાં તંત્ર ઠંડુ
આજની સભામાં એકંદરે શાળા-કોલેજોના પણ અર્ધા વેરા બાકી હોવાનું રેકર્ડ પર દેખાયું હતું તો અન્ય બાકીદારોની જેમ ધંધાદારી શૈક્ષણિક સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં તંત્ર ઠંડુ રહેતું હોવાની છાપ પણ સપાટી પર આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.