રાહ ચીંધતું ગુજરાતનું ગામ:લોધિકાનું જસવંતપુર ગામ સમરસ જાહેર, આઝાદીથી અત્યારસુધીમાં એકવાર જ ગ્રામપંચાયતની ચૂંટણી થઈ છે, વડીલો સરપંચ નક્કી કરે એ સર્વમાન્ય

રાજકોટ5 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ગામના સરપંચ તરીકે કાંતાબેન જયંતીભાઈ રામાણીનું નામ જાહેર કરવામાં આવ્યું
  • ગત ટર્મમાં યુવાન શિવાભાઈ માટિયા પર સરપંચની પસંદગીનો કળશ ઢોળાયો હતો

ગુજરાતની 10,879 ગ્રામપંચાયતની 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. આ માટે રાજ્યમાં સરપંચ માટે 31 હજારથી વધુ અને સભ્ય માટે 1 લાખ 16 હજારથી વધુ ઉમેદવારીપત્રક ભરાયાં છે. રાજકોટ જિલ્લાની 548 ગ્રામપંચાયતની ચૂંટણી માટે ગામડાંમાં જીત માટે ઉમેદવારો વચ્ચે ઘમાસાણ થઇ રહી છે. ત્યારે લોધિકાના જસવંતપુર ગામે ગુજરાતના અન્ય ગામોને રાહ ચિંધી છે. સરકારની પ્રોત્સાહક ગ્રાન્ટની જાહેરાત પૂર્વેથી જ જસવંતપુર સમરસ પંચાયત બને છે. આ ગામમાં આઝાદીથી અત્યાર સુધીમાં માત્ર એક જ વખત સરપંચની ચૂંટણી યોજાઇ છે અને આ વર્ષે ફરી મહિલા અનામત હોવાથી મહિલા સરપંચ અને મહિલા સભ્યોની ટીમ સમરસ જાહેર કરવામાં આવી છે. વડીલો નક્કી કરે તે સરપંચ થાય છે.

35 વર્ષ પહેલાં માત્ર એકવાર ચૂંટણી યોજાઇ હતી
રળિયામણા લાગતા આ જસવંતપુર ગામની એકતા પણ ખૂબ રળિયામણી છે. આઝાદીથી લઇને આજ સુધીમાં આ ગામમાં માત્ર એક વખત સરપંચની ચૂંટણી થઈ છે એ પણ 35 વર્ષ પહેલા. આ ગામની વસ્તી 600 લોકોની છે. વર્ષોથી આ ગામમાં સરપંચની ચૂંટણી સમરસ થાય છે. સરકાર તરફથી સમરસ ગામને મળતી વિશેષ ગ્રાન્ટ આ ગામને મળે છે. ગામના આગેવાનો ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે વાપરે છે. ગત ચૂંટણી સમયે મળેલી વિશેષ ગ્રાન્ટની મદદથી ગામના રસ્તાઓ પેવર બ્લોકથી સજાવવામાં આવ્યા હતા.

સરપંચ અને સભ્યોની આખી ટીમ મહિલાઓની
જશવંતપુર ગામના વર્તમાન યુવા સરપંચ શિવાભાઇ માટીયાએ જણાવ્યું હતું કે, આ વખતે મહિલા અનામત બેઠક છે અને આ વખતે પણ સમરસ પંચાયતમાં અમારા ગામનો સમાવેશ થયો છે. ગામના લોકોએ સાથે મળી ગામના સરપંચ તરીકે કાંતાબેન જયંતીભાઈ રામાણીનું નામ જાહેર કર્યું છે. જ્યારે સભ્ય તરીકે વનિતાબેન સંજયભાઈ રામાણી, ભાવનાબેન હંસરાજભાઇ હીરાણી, ધર્મિષ્ઠાબેન જગદીશભાઈ હીરાણી, પાયલબેન શીવાભાઈ માટીયા, જયશ્રીબેન અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા, દક્ષાબેન રામજીભાઈ પરમાર, ભાનુબેન રવજીભાઈ સોલંકી અને રમીલાબેન અશોકભાઈ રાઠોડનું નામ જાહેર કર્યું છે.

સમરસ જાહેર કરતા સરપંચ તરીકે કાંતાબેન રામાણીનું નામ જાહેર કરાયું (જમણી બાજુ) અને ગત ટર્મમાં યુવા સરપંચ શિવાભાઇ માટિયા પર કળશ ઢોળાયો હતો (ડાબી બાજુ).
સમરસ જાહેર કરતા સરપંચ તરીકે કાંતાબેન રામાણીનું નામ જાહેર કરાયું (જમણી બાજુ) અને ગત ટર્મમાં યુવા સરપંચ શિવાભાઇ માટિયા પર કળશ ઢોળાયો હતો (ડાબી બાજુ).

વડીલોનું માર્ગદર્શન યુવાનો હોંશે હોંશે વધાવે છે
ગામની વિશેષતા એ છે કે, અહીંયા સરપંચ મતદાનથી નહીં પરંતુ ગામના વડીલો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનથી નક્કી થાય છે. ચૂંટણી પહેલા ગામના વડીલો ગામના પાદરમાં મળે છે અને નક્કી કરે છે સરપંચ કોને બનાવવા. ગામના વડીલો એ નામ ગામના લોકો સામે રાખે છે. ગામના લોકો એ નામમાં પોતાની સહમતિ બતાવે છે. આ રીતે જસવંતપુર ગામના સરપંચ બને છે. ગત ટર્મમાં આ ગામના લોકોએ યુવાન શિવાભાઇ માટીયા પર સરપંચની પદસંગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે આ વખતે મહિલા અનામત સીટ હોવાથી ગામ લોકોએ સરપંચ તરીકે કાંતાબેન રામાણીનું નામ નક્કી કર્યું છે અને તેમની સાથે મહિલા સભ્યોની આખી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી ન પડે એ માટે બસસ્ટેન્ડ પાસે જ પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી ન પડે એ માટે બસસ્ટેન્ડ પાસે જ પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે.

ગ્રામપંચાયત સમરસ થવાથી ગામની એકતા જળવાય છે: ગ્રામજનો
જશવંતપુર ગામ એ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાનું ગામ છે. આ ગામ રાજકોટ શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં આજ સુધીમાં રાજકારણ પ્રવેશી શક્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે, ગામ સમરસ થવાના અનેક ફાયદાઓ છે. સૌથી મોટો ફાયદો એ છે કે ગામની એકતા જળવાય રહે છે. ગામના લોકો વચ્ચે કોઈ વિખવાદ થતો નથી. આજ એકતાની મદદથી તેઓ કોરોના જેવી મહામારી સામે લડી શક્યા અને કોરોનાનો એક પણ કેસ ગામમાં ન નોંધાયો.

શહેરની જેમ ગામમાં બે બગીચા બનાવવા આવ્યા છે.
શહેરની જેમ ગામમાં બે બગીચા બનાવવા આવ્યા છે.

શહેરની માફક ગામમાં બે બગીચા તૈયાર કરવામાં આવ્યા
આ ઉપરાંત આજ સુધીમાં ગામનો મહત્વનો વિકાસ કરી શક્યા છે. જેમાં મોટા શહેરની માફક ગામમાં બે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ગામના બાળકોને ગામમાં શિક્ષણ મળી રહે એ માટે બસ સ્ટેશન પાસે જ પ્રાથમિક શાળા પણ તૈયાર કરવામાં આવી છે. કોઈ જ્ઞાતિ-જાતિ નહીં પરંતુ સમસ્ત ગામના લોકો પ્રસંગ કરી શકે એ માટે ગામ સમસ્ત વાડી પણ તૈયાર કરવામાં આવી છે. ગામમાં નિયમિત સાફ સફાઇ પણ પંચાયતના કામદારો દ્વારા કરવામાં આવી રહી છે.

ગામના રસ્તા પેવર બ્લોક અને ડામરથી મઢેલા છે.
ગામના રસ્તા પેવર બ્લોક અને ડામરથી મઢેલા છે.

જસંવતપુર ગામ ગુજરાતનું આદર્શ ગામ
ગ્રામજનોમાં જો એકતા હોય તો ગામનો વિકાસ સાચા અર્થમાં થઈ શકે. જે ગામમાં વડીલોનું માન હોય, યુવાનોના કામની કદર હોય એ ગામ સુખી જ હોય એ વાતને ઉત્તમ ઉદાહરણ લોધિકાનું જસવંતપુર ગામ બન્યું છે.

બાળકો માટે બગીચામાં રમત-ગમતનાં સાધનો પણ રાખવામાં આવ્યાં છે.
બાળકો માટે બગીચામાં રમત-ગમતનાં સાધનો પણ રાખવામાં આવ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...