રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે. 2 દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,પાટીલની સુચનાથી ગોવિંદભાઈ અને રામભાઈ વિજય રૂપાણીનો દાવ લે છે. જેના પ્રત્યુત્તર સ્વરૂપે MLA ગોવિંદ પટેલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સંબોધીને પ્રેસનોટ લખીને જણાવ્યું હતું કે,'મારે અને વિજયભાઈને મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નથી, અમારી ચિંતા ન કરો.
આપ સમજદાર છો
વધુમાં MLA ગોવિંદ પટેલે લખ્યું હતું કે, આક્ષેપો કરવાનો તમારો અબાધીત અધિકાર છે પરંતુ આક્ષેપો સત્યની નજીકના હોયતો લોકોના ગળે ઉતરે મારેને વિજયભાઈને કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નહિ. તે આપે તથા આપની પાર્ટીએ સ્વીકારવું જોઈએ રાજ્ય સરકારે પોલીસના વ્યવહાર સામે જે પગલાઓ લીધા છે તેને આડે પાટે ચડાવવાની કોશિશ ન કરો જેમાં જાહેર જીવનનું અને લોકોનું હિત છે તે આપે સમજવું જોઈએ. આપ સમજદાર છો અમારી કે અમારી પાર્ટીની ચિંતા ન કરશો.
શું હતો સમગ્ર મામલો
રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ આક્ષેપ કર્યો હતો. બાદમાં વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને માફી માગવા અંગે નોટિસ પાઠવી છે. આમ આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.