રાજકોટમાં સસ્તા અનાજની અનેક દુકાનો ઉપર સેમ્પલ ફેઇલ જતા સડેલી તુવેરદાળ ધાબડવાનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે.આ અંગેની જાણ થતાં ગાંધીનગર પુરવઠામાંથી વિજિલન્સના 4 અધિકારીઓની ટીમ એકાએક રાજકોટ ગઇકાલે સાંજે આવી છે અને 5 વાગ્યા બાદ બજરંગ વાડીના સસ્તા અનાજના દુકાનદાર તુષાર લીડીયા ઉપરાંત કોઠારીયા અને હુડકોના અન્ય બે દુકાનદારને ત્યાંથી નમુના લઇ સેમ્પલીંગ મોકલ્યાનું બહાર આવ્યું છે, આજે પણ આ 4 અધિકારીઓની ટીમ બપોરે 12:30 વાગ્યે DSO સાથે બંધ બારણે બેઠક કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. અને આજે પણ 8 થી 10 દુકાનોમાં જઇ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
2 થી 5 કિલો દાળ ચોરાઇ જાય છે
રાજકોટ પુરવઠાના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંદાજે 1 થી 2 મહિના પહેલા રાજકોટના 10થી વધુ સસ્તા અનાજના મોટા વેપારીઓએ પુરવઠા અને નિગમના એમ.ડી. તથા જનરલ મેનેજરને ફરીયાદ મોકલી હતી કે નિગમમાંથી સેમ્પલ ફેઇલ થવા છતાં દુકાનદારોને તુવેરદાળ ધાબડી દેવામાં આવી છે, મોટાભાગના દુકાનદારોને ત્યાં આ દાળ પાવડર થઇ ગઇ છે, આ ઉપરાંત બીજી ચોંકાવનારી ફરીયાદ એ કરી હતી કે નિગમના ગોડાઉનમાં 50 કિલોની તુવેરદાળની ગુણી - કટ્ટો સસ્તા અનાજના દુકાને લઇ જવા નીકળે અને જે તે દુકાને પહોંચે ત્યારે વજન કરાય તો 45 થી 48 કિલો નીકળે છે. 2 થી 5 કિલો દાળ ચોરાઇ જાય છે.
આકરા પગલા લેવાય તેવી શક્યતા
આમ આવી બે ચોંકાવનારી ફરીયાદ બાદ ગાંધીનગર પુરવઠાની વીજીલન્સની ટીમ રાજકોટમાં ત્રાટકી છે, તપાસ ચલાવી રહી છે, અધિકારી સૂત્રો એ મુજબની તપાસ કરી રહ્યા છે કે, કોન્ટ્રાકટરે આવી દાળ મોકલી કે પછી અન્ય કોઇ રીતે - કોની મીલી ભગતથી ધાબડી દેવાઇ, સેમ્પલ ફેઇલ છતાં દુકાનોમાં દાળ આપી દઇ - ગરીબ કાર્ડ હોલ્ડરો સાથે તેમના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે, આ આખા કૌભાંડ અંગે અત્યંત આકરા પગલા લેવાય તેવી શક્યતા છે.
કાલે કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાશે
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે 21ને શનિવારના રોજ ફરિયાદ સંકલન સમિતિની ખાસ બેઠક કલેક્ટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, દબાણ, અધૂરા વિકાસકામો સહિતના 31 જેટલા પ્રશ્નો પૂછાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં મુકાયેલા 31 પૈકીના અડધોઅડધ પ્રશ્ન ધારાસભ્ય કુંવરજી બાવળિયાનાં હોવાનું કલેક્ટર કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું. દર મહિનાના ત્રીજા શનિવારે આ ફરિયાદ સંકલન સમિતિની બેઠક આયોજીત કરવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે યોજાનારી આ બેઠકમાં પણ ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા, ગૌચરની જમીનો પર દબાણો, અધૂરા વિકાસ કામો સહિતનાં પ્રશ્નો મુકવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.