ગેંગરેપ જેવા ગંભીર આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલી કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરતી યુવતીએ પોલીસ પાસે વટાણા વેરી દીધા છે. અને યુવતીએ તેના નિવેદનમાં પૈસાની ઉઘરાણી કરતા બોયફ્રેન્ડના મિત્રોને ગેંગરેપ જેવા કેસમાં ખોટી રીતે ફસાવવા માટે તરકટ રચ્યું હોવાનું જણાવ્યું છે. જોકે, બનાવમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી.
ચકચારી બનાવની વિગત મુજબ, શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતી બે દિવસ પહેલા બે શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. દુષ્કર્મના બનાવની જાણ થતાની સાથે જ યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. યુવતીની પૂછપરછ કરતા તે એલએલબીનો અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. તે અવધ રોડ પર આવેલા કાફેના એપાર્ટમેન્ટે ગઇ હતી. જ્યાં રમેશ ડાભી અને એક અજાણ્યો શખ્સે પોતાની સાથે બળજબરી કરી બંનેએ દુષ્કર્મ આચર્યાનું કહ્યું હતું.
જેથી પોલીસે સ્થળ પર તપાસ કરતા બનાવ લોધિકા પોલીસ મથકના વિસ્તારમાં બન્યો હોવાનું જાણવા મળતા ત્યાં જાણ કરી હતી. જાણ થતાની સાથે લોધિકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એલ.ઝાલા સહિતનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ દોડી ગયો હતો. બાદમાં લોધિકા પોલીસે પણ યુવતીની પૂછપરછ કરતા તેને ગોળગોળ વાતો ચાલુ કરી હતી.
જેથી પોલીસે યુવતીના પરિવારજનોને હોસ્પિટલ બોલાવ્યા હતા. આ સમયે યુવતીએ કરેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવી સમગ્ર બનાવના વટાણા વેરી દીધા હતા. યુવતીએ પોલીસને જણાવેલી વિગત મુજબ, તેના બોયફ્રેન્ડ રાહુલને તેના મિત્ર રમેશ ડાભી સાથે પૈસાના મુદ્દે માથાકૂટ ચાલે છે. જેથી બોયફ્રેન્ડ રાહુલે મિત્રને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાનો કારસો રચ્યો હતો. જે વાત રાહુલે પોતાને કર્યા બાદ તે ગેંગરેપની ફરિયાદ સાથે હોસ્પિટલ સારવાર માટે દાખલ થઇ હોવાની કબૂલાત આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.