તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:કલ્કી અવતાર માનનાર રાજકોટના રમેશચંદ્ર જ નહીં પણ રાધેમા, નારાયણ સાંઈ અને તાંત્રિકો ‘વ્યામોહ’ મનોરોગનો શિકાર, પોતાને ભગવાન સમજે છે

રાજકોટ17 દિવસ પહેલા
સ્વયંને કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્ર ફેફર
  • વ્યામોહ નામના મનોરોગ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણે વિસ્તૃત માહિતી આપી

રાજકોટમાં 5 દિવસથી સિંચાઇ વિભાગના નિવૃત્ત ઇજનેર રમેશચંદ્ર ફેફર સ્વંયને કલ્કી અવતાર કહીને ચર્ચામાં છે. ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણે આ વાતને મનોવિજ્ઞાન ઢબે વર્ણવતા જણાવ્યું હતું કે, પોતાની જાતને ભગવાન કહેનારા લોકો વ્યામોહ નામના મનોરોગનો શિકાર છે, કલ્કી અવતારના નામે માત્ર રમેશચંદ્ર ફેફર જ નહીં પણ રાધે મા, નારાયણ સાંઈ અને ગામડાના તાંત્રિકો પણ આ રોગના શિકાર છે.

દરેક માણસમાં વત્તા-ઓછા પ્રમાણમાં વ્યામોહ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક માણસમાં વત્તા-ઓછા પ્રમાણમાં કોઈને કોઈ પોતાની જાત પરનો વિશ્વાસ હોય છે. આ વિશ્વાસ હકારાત્મક હોય તો આત્મવિશ્વાસ બને છે. પરંતુ કેટલાકને ભ્રામક વહેમ હોય છે, જેમાં કેટલાકને દુઃખ દર્દનો વ્યામોહ હોય છે તો કેટલાકને સુંદરતાનો તો કેટલાકને કોર્ટ કચેરીનો વ્યામોહ હોતો હોય છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ

વર્તનમાં અસામાન્ય બદલાવ જોવા મળે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી હોય છે. જેમાં રોગી એક જટિલ વ્યામોહ તંત્ર વિકસીત કરી લે છે. પરંતુ તેમાં કોઇ પણ પ્રકારના વિભ્રમ, ભાષા તથા ક્રિયા કરવામાં કોઈ મુશ્કેલી તથા સ્થિતિભ્રમ વગેરેનાં કોઈ લક્ષણ હોતા નથી. સ્પષ્ટ થયું છે કે, આ રોગનાં રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે તેનાથી તેમનાં વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે. સુવ્યવસ્થિત તેમજ સ્થિર વ્યામોહ સિવાય આ પ્રકારનાં રોગીઓમાં અન્ય કોઈ લક્ષણ અસામાન્ય હોતા નથી.

રાધામા (ફાઈલ તસ્વીર)
રાધામા (ફાઈલ તસ્વીર)

વ્યામોહ મનોરોગના ઘણા પ્રકાર છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વ્યામોહના ઘણા પ્રકારો હોય છે જેમ કે દંડ, સજા, સુંદરતા, ઈર્ષા, મહાનતાનો વ્યામોહ વગેરે. કલ્કી અવતાર કહેનારમાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે. આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે તેનામાં કોઈને કોઈ શારીરિક ક્ષુબ્ધતા કે તે ઈશ્વરીય અવતાર છે અથવા દેવદૂત છે. હું કરું અને કહું એ જ સાચું એવી માનસિકતા તેમનામાં વિકસે છે. આવા રોગી પહેલા એવું કહેતા જોવા મળે છે કે તેનાં કોઈ મોટા રાજનૈતિક નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધ છે અથવા તેઓ દેવદૂત છે.

નારાયણસાંઈ (ફાઈલ તસ્વીર)
નારાયણસાંઈ (ફાઈલ તસ્વીર)

અન્યની ઈચ્છા તથા વિચારોને તુચ્છ સમજે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાને કલ્કી અવતાર કહેનારમાં આત્મામોહી વ્યક્તિત્વની વિકૃતિ રહેલી છે. આ વિકૃતિવાળી વ્યક્તિઓમાં આત્મ મહત્વની ભાવના વધારે તિવ્ર તથા મજબૂત હોય છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધારે મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે અને લોકો દ્વારા વિશેષ અને અલગ સેવાની આશા રાખે છે. આવી વ્યક્તિમાં મહત્વકાંક્ષા વધુ હોય છે અને પોતાની ઈચ્છા તથા વિચાર અમલ અન્યની ઈચ્છા તથા વિચારોને તુચ્છ સમજે છે, આવી વ્યક્તિ અન્ય વ્યક્તિને પોતાની નજીક આવવા દેતી નથી તથા સાથે સાથે તે પોતાની ઉપર તેને આધારિત થવા દેતી નથી. આવી વ્યક્તિ પોતાનામાં દોષ કે વિકૃતિને સ્વીકારી શકતી નથી.

વ્યામોહ અને આત્મમોહી વ્યક્તિત્વ વિકૃતિના કારણો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ રોગ એવી વ્યક્તિઓમાં વિકસિત થાય છે જેને જીવનની મહત્વની અવસ્થાઓ સામાજિક જીવન, વ્યવસાયિક જીવન, દાંમ્પત્ય જીવનમાં અસફળતાઓની હારમાળા હોય છે. અતિ મહત્વકાંક્ષા, દોષપૂર્ણ શિક્ષણ અને વિકાસ, જાતિય સમાયોજનમાં ખામી, વ્યક્તિને જ્યારે ફેમસ થવાની કે જાહેરમાં પોતાની એક અલગ ઓળખ કરવાની માનસિકતા હોય, બાલ્યાવસ્થામાં માતા-પિતાનો તિરસ્કાર વગેરે કારણો હોય છે. માનસિક રોગના ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાથી કે સાયકોથેરાપી લેવાથી આવી વ્યક્તિમાં સુધારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...