તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં નેતાઓનું પોસ્ટર વોર:જસદણમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ બોઘરાના પોસ્ટર પર કેબિનેટ મંત્રી બાવળિયાનું પોસ્ટર, શહેર પ્રમુખે પાટીલને માફીપત્ર લખી ખુલાસો કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજ સુધી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે ડો. ભરત બોઘરાએ એક પણ વખત કોવિડ સેન્ટરની મુલાકાત લીધી નથીઃ શહેર ભાજપ પ્રમુખ

હાલ કોરોનાની માહામારી ચાલી રહી છે. ત્યારે રાજકીય નેતાઓ લોકોની મદદ કરે તો પણ પ્રસિદ્ધી મેળવવા અનેક પ્રયાસો કરતા હોય છે. જસદણમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના પોસ્ટર પર કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાનું પોસ્ટર લાગતા વિવાદ છંછેડાયો છે. બાવળિયા અને બોઘરા જૂથ વચ્ચે ખટરાગ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંગે જસદણ શહેર પ્રમુખ ધીરૂ ભાયાણી અને જસદણ પાલિકા પ્રમુખ દિપકકુમાર ગીડાએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખી ખુલાસો કર્યો છે અને માફ કરવાની પણ વાત કરી છે.

વાંચો સી.આર. પાટીલને લખેલો પત્ર અક્ષરશઃ
આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના સહયોગથી અમોએ DCHC-2 કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. સાહેબ, આપણાં કાર્યકરોએ જે બેનરો લગાવ્યા છે, એમા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે આપ સાહેબના ફોટા સામેલ છે. ડો. ભરત બોઘરાના હોર્ડિંગ ઉપર હોર્ડિંગ લગાવવાનું કારણ એટલું જ હતું કે ડો. ભરત બોઘરાનું કોવિડ કેર સેન્ટર (જ્યાં હાલ 12 દર્દીઓ છે) બંધ કરવાની જાહેરાત 7મેના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ અમોએ 9મેએ હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

જસદણ શહેર ભાજપ પ્રમુખે પાટીલને લખેલો પત્ર.
જસદણ શહેર ભાજપ પ્રમુખે પાટીલને લખેલો પત્ર.

અમે સંપૂર્ણપણે પાર્ટીનો પ્રોટોકોલ જાળવ્યો છે
જ્યારે નવા શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં હાલ 50 બેડની સુવિધા છે, જેમાંથી હાલ 35 જેટલા દર્દીઓ ઓક્સિજન સાથે અને બીજા આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. આ કોવિડ કેર સેન્ટર હજુ પણ આગળના ઘણા સમય માટે ચાલુ રહે તેમ છે. ડો. ભરત બોઘરાનું કોવિડ કેર સેન્ટર બંધ થયા પછી હોર્ડિંગ પર અન્ય કોઈ કોમર્શિયલ હોર્ડિંગ ન લગાવે એ માટે અમોએ આ નવા કોવિડ કેર સેન્ટરનું હોર્ડિંગ લગાવ્યું છે. આ હોર્ડિંગ લગાવવા પાછળ અમારો કોઈ બદ ઈરાદો ન હતો કે કોઈની સૂચનાથી અમે કર્યું એવું પણ ન હતું. અમોએ લગાવેલા હોર્ડિંગની નકલ આ સાથે સામેલ છે કે જેમાં અમે સંપૂર્ણપણે પાર્ટીનો પ્રોટોકોલ જાળવ્યો છે.

ભરત બોઘરાના પોસ્ટર પર બાવળિયાનું પોસ્ટર લગાડવામાં આવ્યું.
ભરત બોઘરાના પોસ્ટર પર બાવળિયાનું પોસ્ટર લગાડવામાં આવ્યું.

અમારો પ્રયાસ માત્ર અને માત્ર પાર્ટીને મોટી કરવાનો છે
ડો. ભરત બોઘરા જેટલા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે એ કરતા ઘણા વધારે સમયથી અમો ભાજપના કાર્યકર્તા તરીકે તન, મન, ધનથી કામ કરતા હતા, હાલમાં પણ કરી રહ્યાં છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. જ્યારથી નવું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે ત્યારથી આજ સુધી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે ડો. ભરત બોઘરાએ એક પણ વખત મુલાકાત લીધી નથી. જ્યારે કેબિનેટ મંત્રી બાવળિયા એમના સતત વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ દર એક-બે દિવસે હાજરી આપીને કાર્યકરોનો ઉત્સાહ વધારે છે. અમો સ્પષ્ટપણે માનીએ છીએ કે આવી મહામારીમાંરાજકારણ અને સસ્તી પ્રસિદ્ધીને છોડીને નિઃસ્વાર્થભાવે લોકસેવા કરવી જોઇએ. આ છતાં અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો અમો આપ સાહેબ પાસે ક્ષમા માગીએ છીએ. અમારો પ્રયાસ માત્ર અને માત્ર પાર્ટીને મોટી કરવાનો છે નહિ કે પાર્ટીના ઉચ્ચ હોદ્દા પર રહીને પાર્ટીની છબીને નુકસાન કરવાનો.

(દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...