પોલીસ કમિશનરનું જાહેરનામું:આજી ડેમ ચોકડીથી ગોંડલ જવા ઇચ્છતા વાહનોએ લોઠડા રોડ પરથી જવું પડશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હાલનો ગોંડલ ચોકડી ઓવરબ્રિજનો ઉપરનો ભાગ તોડી નવો બનાવવાનો હોય વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો
  • સોમવારથી નવું જાહેરનામું અમલી બનશે, વાહનચાલકોને ત્રણ કિ.મી. વધુ ફરવું પડશે, ટ્રાફિક જામ થવાની દહેશત

શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડીએ બની રહેલા નવા ફ્લાય ઓવરબ્રિજ સાથે હાલના જૂના ઓવરબ્રિજને જોડવા જૂના બ્રિજને તોડવાની કામગીરી શરૂ થવાની હોય આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે, આ માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને તે જાહેરનામું તા.9ને સોમવારથી અમલી બનશે.

અમદાવાદ તરફથી આવતા અને ગોંડલ તરફ જતાં સેંકડો વાહનો દરરોજ આ બ્રિજ પરથી પસાર થતા હતા હવે ગોંડલ તરફ જવા માટે આ વાહનોને કોઠારિયા ગામ, લોઠડા રોડ પરથી પસાર થવાનું રહેશે, એટલે વાહનચાલકને ત્રણેક કિલોમીટર વધુ ફરવું પડશે તેમજ ટ્રાફિક જામની સ્થિતિ થવાની પણ દહેશત રહેશે, જોકે આવી સમસ્યા થાય નહીં તે માટે ટ્રાફિક પોલીસનો પોઇન્ટ પણ જરૂર પડ્યે ઊભો કરવામાં આવશે તેવો ટ્રાફિક એસીપી મલ્હોત્રાએ નિર્દેશ આપ્યો હતો.

કોઠારિયા બ્રિજના સર્વિસ રોડથી વળવાનું રહેશે
આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ ઓવરબ્રિજથી ગોંડલ તરફ જવા માગતા હેવી વાહનો કોઠારિયા ચોકડીના બ્રિજના સર્વિસ રોડથી, કોઠારિયા ચોકડી, કોઠારિયા રોડ, કોઠારિયા ગામ, લોઠડા રોડ, સેલિબ્રેશન પાર્ટી પ્લોટથી જમણી બાજુ નવા બનેલા રોડથી સીધા ગોંડલ રોડ ખોડિયાર હોટેલ તરફ જઇ શકાશે.

રિદ્ધિ સિદ્ધિના નાળાથી માલધારી ફાટક તરફ જઇ શકાશે
આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ ઓવરબ્રિજથી 150 ફૂટ રિંગ રોડ અને ગોંડલ રોડ તરફ જવા માગતા હેવી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનો કોઠારિયા ચોકડીના ઓવરબ્રિજથી રિદ્ધિ સિદ્ધિના નાળાથી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી માલધારી ફાટકથી 150 ફૂટ રિંગ રોડ તરફ જઇ શકશે.

હેવી વાહનો સિવાયના સ્વાતિપાર્ક રોડ પર જઈ શકશે
આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ બ્રિજથી 150 ફૂટ રિંગ રોડ અને ગોંડલ તરફ જવા માગતા હેવી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનો કોઠારિયા ચોકડી ઓવરબ્રિજના સર્વિસ રોડથી સ્વાતિપાર્ક વાળા મેઇન રોડથી સાઇબાબા સર્કલ થઇ માલધારી ફાટકથી રાજકોટ શહેર ગોંડલ રોડ તથા 150 ફૂટ રિંગ રોડ તરફ જઇ શકશે.

ટુ વ્હિલર વાહનો જ વિરાણીવાડી તરફ વળી શકશે
આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ ઓવરબ્રિજથી 150 ફૂટ રિંગ રોડ વિરાણીવાડી ફાટક તરફ જવા માગતા ફક્ત ટુ વ્હિકલ વાહનો જ કોઠારિયા ચોકડીના ઓવરબ્રિજથી રિદ્ધિ સિદ્ધિના નાળાથી વિરાણીવાડી ફાટકથી રાજકોટ શહેર તથા 150 ફૂટ રિંગ રોડ તરફ જઇ શકશે. ટુ વ્હીલર સિવાયના જઈ શકશે નહીં.

ગાત્રાડ ટી સ્ટોલથી સેલિબ્રેશન પાર્ટી પ્લોટ તરફ જતો રસ્તો વન-વે જાહેર કરાયો
શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી નેશનલ હાઇવે ઉપર આવેલા ગાત્રાડ પાન એન્ડ ટી સ્ટોલથી સેલિબ્રેશન પાર્ટી પ્લોટ તરફ જતો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે, જેથી ગોંડલથી રાજકોટ તરફ આવતા વાહનોએ કોરાટ ચોકથી જામનગર રોડ તરફ જવાના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે, આ જાહેરનામું 7 મેથી 30 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...