ઓહ! માય રોડ:બે વર્ષમાં વાહનવેરાના રૂ.29 કરોડ વસૂલી સારા રોડ ન આપ્યા : ખાડા બૂરવા 1.25 કરોડ ખર્ચાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં માર્ગોના પોપડાં ઉખડ્યા, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં હાલાકી
  • નવા વાહનની ખરીદી કરીને મનપાને ટેક્સ ચૂકવતા વાહનચાલકોને મળે છે કમ્મરતોડ ઝટકા
  • નબળા કામ થયા છતાં અધિકારીઓએ બિલ પાસ કર્યા હવે પ્રજાના પૈસા મરામતમાં ખર્ચાશે

રાજકોટમાં મહાનગરપાલિકાએ વાહન વેરો ઉઘરાવવાનો શરૂ કર્યો છે અને માત્ર બે જ વર્ષમાં 29.70 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આટલી જંગી રકમ શહેરીજનોએ આપી છે છતાં તેમને વાહન ચલાવવા માટે ગુણવત્તાયુક્ત રસ્તા આપવામાં મનપા નિષ્ફળ નિવડી છે. વરસાદમાં રસ્તાઓમાં ખાના ખરાબી થાય તે સંભવ છે પણ નાના મોટા ખાડા પડે પણ અધિકારીઓની બેદરકારી કે પછી ઈચ્છિતને લાભ આપવાની નીતિને કારણે આખેઆખા રોડ ધોવાઈ ગયા છે અને ત્યાંથી વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી લોકોને નાછૂટકે સાંકડા માર્ગોમાં ટ્રાફિક વચ્ચેથી નીકળવું પડી રહ્યું છે.

રાજકોટમાં ભારે વરસાદને કારણે ઘણા ઘરોમાં પાણી ભરાયા હતા અને નુકસાની થઈ હતી સૌથી વધુ નુકસાની માર્ગોને થઈ હતી. ઘણા નાના પુલ અને માર્ગ ધોવાઈ ગયા હતા જોકે તેમાંથી કેટલા રસ્તા ગેરંટીવાળા હતા તે આંક જાહેર કરાયો જ નથી અને બધા ગેરંટી વગરના જ છે તેવા ગુણગાન ગવાઈ રહ્યા છે. રસ્તાની બિસ્માર હાલત જોઈને મેયર પ્રદીપ ડવે તુરંત જ સિટી ઈજનેરોની બેઠક બોલાવી નુકસાની ક્યા થઈ અને કેટલો ખર્ચ થશે તેનો રિપોર્ટ માગ્યો હતો જેમાં ઈજનેરોએ અલગ અલગ રોડના નામ આપ્યા હતા અને તેના રિપેરિંગમાં મેટલ, પેચવર્ક તેમજ પેવર બ્લોક માટે 1.25 કરોડનો ખર્ચ થશે તેમ કહ્યું હતું.

મેયરે તુરંત સમારકામ માટે સૂચના આપી હતી અને એક જ દિવસમાં ઘણા વિસ્તારમાં પેચવર્ક થઈ ગયા હતા. આ પેચવર્કનું કામ પણ અમુક ઈજનેરો અને કોન્ટ્રાક્ટર્સને ખટાવનારા હોય છે કારણ કે, જેટલી વખત કામ થાય તેટલું બિલ મોટું બને અને તે કારણે જ રસ્તાઓની ગુણવત્તા પર ધ્યાન અપાતું નથી. જો સારો રોડ બને તો તેમાં રિપેરિંગ કરવા ન મળે. આ કારણે જે તે સમયે ગેરંટીવાળા રોડ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો તે પૈકી કેટલા રોડ તૂટ્યા તેનો આંક હજુ સુધી અધિકારીઓ પાસે આવ્યો નથી.

હાલ જે વિસ્તારોમાં રસ્તા ખખડધજ થયા છે તેમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 11 અને ઈસ્ટ ઝોનના વિસ્તાર સૌથી વધુ છે. ખાસ કરીને સ્પીડવેલ પાર્ટી પ્લોટથી શરૂ કરી જેટકો ચોકડી સુધીનો 80 ફૂટના રોડની એક તરફનો માર્ગ સાવ ધોવાઈ ગયો છે જેથી ત્યાંથી વાહન ચલાવવું શક્ય ન હોવાથી લોકો એક જ બાજુથી અવર જવર કરી રહ્યા છે જેને કારણે ટ્રાફિકની સાથે અકસ્માતનું પણ જોખમ છે.

મેયર પ્રદીપ ડવના જણાવ્યા અનુસાર વરસાદ થંભ્યો ત્યારથી જ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સૌથી પહેલા જ્યાં જ્યાં બ્રીજના કામ થઈ રહ્યા છે ત્યાં સર્વિસ રોડ તૂટ્યા છે અથવા તો ખાડા પડ્યા છે તે રિપેર કરાવ્યા હતા. અન્ય માર્ગોના કામ પણ ઝડપથી કરાશે.

આ વિસ્તારોના મુખ્ય માર્ગો બિસ્માર હવે રિપેર કરાશે
પુનિતનગર 80 ફૂટ રોડ, વોર્ડ નં.11ના જુદા જુદા માર્ગો, રૈયા રોડ, સ્પીડવેલ રોડથી જેટકો ચોકડીવાળો રોડ, મોટીટાંકી ચોક, નંદા હોલ, નાલંદા કોઠારિયા રોડ, કુવાડવા રોડ, સ્વાતિ પાર્ક, અમૂલ સર્કલ, મેહુલનગર, વિવેકાનંદનગર, 80 ફૂટ રોડ, આજીડેમ ચોકડી, સોમનાથ સોસાયટીનો સમાવેશ થાય છે. પહેલા આ મુખ્યમાર્ગો અને ત્યારબાદ તેમાં આવતી સોસાયટીઓના આંતરિક માર્ગોનું સમારકામ કરાશે. આ માટે અત્યારથી જ આવતી ફરિયાદોને મેયર ડેશ બોર્ડ પરથી નોંધી લઈ તેની યાદી બનાવીને મેયર કચેરી અલગ-અલગ ઝોનમાં આપી રહી છે.

વોર્ડ નં.11માં સ્પીડવેલ પાર્ટી પ્લોટથી શરૂ કરીને છેક જેટકો ચોકડી સુધીનો આ માર્ગ વરસાદમાં બિસ્માર થઈ ગયો છે. એક તરફની બાજુ તો વાહન ચાલે તેમ જ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ 4 મહિના પહેલા જ આ માર્ગ બનાવાયો હતો અને નબળી ગુણવત્તાને કારણે ડામરના પોપડાં ઉખડી ગયા છે. જ્યારે સિટી ઈજનેરે જણાવ્યું હતું કે, આ રોડ જૂનો છે ફક્ત પેચવર્ક કરાયું હતું અને હવે આગામી આયોજનમાં સમગ્ર રોડ નવો બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...