લોકોના આરોગ્ય સાથે ચેડાં:રાજકોટમાં દૂધમાંથી વેજીટેબલ ફેટ મળ્યું, શુદ્ધ ઘીના નામે તીલ ઓઇલની ભેળસેળ, શીખંડમાં સિન્થેટિક કલર મળ્યો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
દૂધમાં વેજીટેબલ ફેટની હાજરી જોવા મળી. - Divya Bhaskar
દૂધમાં વેજીટેબલ ફેટની હાજરી જોવા મળી.

રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા દૂધના નમૂનાના રિપોર્ટ આવી ગયા છે. જેમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું છે. જ્યારે શુદ્ધ ઘીના નામે તીલ ઓઇલની ભેળસેળ સામે આવી છે. આ ઉપરાંત શીખંડમાં સિન્થેટિક કલર મળી આવ્યો છે. આથી આરોગ્ય વિભાગે નમૂના ફેલ કરી જે-તે પેઢીના માલિકોને દંડ ફટકાર્યો છે.

દૂધના ત્રણ નમુના ફેલ
ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં ડિલિવરી કરતી ગાડી નં. GJ 14 X 9071માંથી સપ્લાયર રમેશભાઈ વેલજીભાઇ સટોડિયા પાસેથી, રેસકોર્સ પાર્ક શેરી નં.1માં આવેલ નીલકંઠ ડેરી ફાર્મના બાબુભાઇ સવજીભાઇ ઝાલાવાડિયા પાસેથી અને રણુજા મંદિર પાસે ગોકુલ પાર્કમાં નંદનવન ડેરી ફાર્મના ભરતભાઇ મનુભાઈ ભૂવા પાસેથી લેવામાં આવેલ મિક્સ દૂધનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવી હતી. આથી ત્રણેયના મિક્સ દૂધના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તેમજ ત્રણેય વિરૂદ્ધ એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ફેઇલ જાહેર થયેલા નમૂના અંગેના 7 કેસ ચાલી જતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા કુલ મળી રૂ.14,60,000નો દંડ કરવામાં આવ્યો છે.

મરાસા હોસ્પિટાલિટીમાંથી લીધેલો નમુનો ફેલ
આ ઉપરાંક શાસ્ત્રી મેદાન સામે મરાસા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડમાંથી ન્યુટ્રાલાઇટ પ્રોફેશનલ ક્રિમીલિસિયસ મિક્સડ ફેટ સ્પ્રેડનો નમુનો લીધો હતો. રિપોર્ટમાં એસિડ વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર નમુનો આપનાર પેઢીના નોમીની હિમાશુંકુમારને, નમુનો આપનાર પેઢી, માર્કેટિંગ પેઢીના માલિક રમેશભાઈ ભીખાભાઇ વાઘેલાને, ડિસ્ટ્રિબ્યુટર પેઢીના માલિક કરણ પરેશભાઈ વાઘેલાને, ઉત્પાદક પેઢીના નોમિની ઉમાશંકર ગુપ્તાને અને ઉત્પાદક પેઢી ઝાયડસ વેલનેસ લિમિટેડ જવાબદારોને કુલ મળી રૂ.11,50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

ઓશો મેડિકેરમાંથી રીમોક્સનો નમુનો ફેલ
ઢેબર રોડ પર ઓશો મેડિકેરમાંથી રીમોક્સનો નમુનો રિપોર્ટમાં લેબલ પર NUTRACEUTICALSનો પ્રકાર તથા FSSAIના લોગોની વિગત લેબલ પર દર્શાવી ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર નમુનો આપનાર પેઢીના માલિક મીનલબેન પરેશભાઈ ચોવટીયાને અને ઉત્પાદક પેઢીના માલિક ઉપેન્દ્રભાઈ ડાયાભાઇ નાથાણીને કુલ મળી રૂ1,00,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

જલીયાણ ઘી સેન્ટરનો શુદ્ધ ઘીનો નમુનો ફેલ
દેવપરા શાકમાર્કેટમાં આવેલ જલીયાણ ઘી સેન્ટરમાંથી શુદ્ધ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર નમુનો આપનાર પેઢીના માલિક પરેશભાઈ રામણીકભાઈ કોટકને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

જલારામ ઘી ડેપોના ઘીમાં તીલ ઓઇલની ભેળસેળ
મવડી મેઇન રોડ પર જલારામ ઘી ડેપોમાંથી શુદ્ધ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક બીરેન પિયુશભાઈ જોબનપુત્રાને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

ગણેશ ડેરી ફાર્મના શીખંડનો નમુનો ફેલ
મવડી મેઇન રોડ પર ગણેશ ડેરી ફાર્મમાંથી કેસર શીખંડનો નમુનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર તારટ્રાઝાઇનની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક શૈલેષભાઈ માવજીભાઇ ટીલાળાને રૂ.15,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

કેક એન જોયનો કુકીઝનો નમુનો ફેલ
સ્વામિનારાયણ ચોકમાં આવેલ કેક એન જોયમાંથી કેક એન જોય આલમંડ કુકીઝનો નમુનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં લેબલ પર પેકિંગ, ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર નમુનો આપનાર પેઢીના સંચાલક મલયભાઇ ઘનશ્યામભાઈ કોટકને, રિટેલર પેઢીના માલિક જીતેશભાઇ રતિલાલ મોરઝરીયાને, ઉત્પાદક પેઢીના નોમિની સંજયભાઈ હંસરાજભાઇ ગોવાણીને અને ઉત્પાદક પેઢીને સ્કાય ફૂડ્સને કુલ મળી રૂ90,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

નકલંક ડેરીના મેંગો શીખંડમાં સિન્થેટિક કલરની ભેળસેળ
કોઠારિયા રોડ પર આવેલ નકલંક ડેરીમાંથી મેંગો શિખંડનો નમુનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર સનસેટ યલો FCF અને તારટ્રાઝાઇનની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રોહિતભાઈ જીવરાજભાઈ ત્રાપસિયાને રૂ.5,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...