રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલા ઘી, ડ્રાયફ્રૂટ, ફરસાણના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થયા છે. અમૂલ અને ગોપાલ ઘીમાં પણ ભેળસેળ કરીને અસલના નામે નકલી ઘી વેચવાનું કારસ્તાન પણ સાબિત થયું છે. કંપનીના નામે ઘીમાં ભેળસેળ કરાતી હોવાની શંકા સાથે મનપા દ્વારા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. આર્યનગરમાં તીખી પાપડીમાંથી સિન્થેટિક કલર મળી આવ્યો છે.
પોલીસે વેપારી પાસેથી ઘીનો જથ્થો કબ્જે કર્યો હતો
આજે મનપા ફૂડ વિભાગે નાપાસ થયેલા નમૂનાઓની વિગત જાહેર કરી છે. થોડા સમય પહેલા શંકા પરથી પોલીસે નકલી ઘી પકડ્યું હતું. આ જથ્થો ભૂપેન્દ્ર રોડ પર આવેલી દિવાનપરા ક્રાઇમ બ્રાંચની ઓફિસે રાખવામાં આવ્યો હતો. મનપાએ મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા નામના વેપારીના આ જથ્થામાંથી 500 ML અમૂલ પ્યોર ઘી અને ગોપાલ પ્યોર ઘીનો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલ્યો હતો. આ બંને નમૂનામાં વેજીટેબલ ફેટ (કૃત્રિમ)ની હાજરી જોવા મળી હતી. આથી નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. કંપનીના પેકિંગમાં ભેળસેળવાળુ ઘી વેચાતુ હોવાની જે-તે સમયે પોલીસે જાહેરાત કરી હતી.
કેવડાવાડી મેઇન રોડ પરથી લીધેલો ઘીનો નમૂનો ફેલ
નિષ્ફળ થયેલા અન્ય નમૂના અંગે માહિતી આપતા અધિકારી અમિત પંચાલે જણાવ્યું હતું કે, મનહર પ્લોટમાં આવેલા રસીકભાઇ બાબુભાઇ સવાણીના રૂપકલા નોવેલ્ટી સ્ટોર અને કેવડાવાડી મેઇન રોડ પર ગરબી ચોકમાં આવેલા કમલેશભાઇ હરજીવનભાઇ તન્નાને ત્યાંથી ભેંસના શુદ્ધ ઘીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો. આ બંને ઘીમાં પણ વેજીટેબલ ફેટ હાજર મળતા નમૂનો નાપાસ થયો છે. વેજીટેબલ ફેટ લોકોના આરોગ્યને નુકસાન કરતું રહે છે.
પેડક રોડ પરથી લેવાયેલો ડ્રાયફ્રૂટનો નમૂનો મિસ બ્રાન્ડેડ
સામાકાંઠે પેડક રોડ પર આનંદ ભવનમાં પ્રેસીયસ ઓર્નામેન્ટ આવેલ છે. દિલીપભાઇ જાદવભાઇ લીંબાસીયાની આ જગ્યામાંથી જશ બ્રાન્ડ ડ્રાયફ્રૂટ કાજુ 250 ગ્રામનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ પેકિંગ પર લાયસન્સ નંબર, બેચ નંબર, લોટ નંબર, ઉત્પાદન તારીખ, વેજીટેરીયન લોગોનો ઉલ્લેખ નહોતો આથી મિસ બ્રાન્ડેડ જાહેર થયો છે.
આર્યનગરમાં તીખી ફાફડીમાં સિન્થેટિક કલર મળ્યો
આર્યનગરમાં આવેલા ભાવેશભાઇ સામતભાઇ કારેણાની ફરસાણની દુકાનમાંથી પણ તીખી પાપડીનો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તેમાં તો સિન્થેટીક કલરની ભેળસેળ પકડાતા સબ સ્ટાન્ડર્ડનો રિપોર્ટ આવ્યો છે. લોકોના પેટને નુકસાન કરે એવી કલરની હાજરી પકડાઇ છે. અનેક ખાદ્ય પદાર્થમાં આવા સિન્થેટિક કલર પકડાતા હોય છે. લોકોને કેન્સર સહિતનું જોખમ સર્જી શકે તે માટે આરોગ્ય વિભાગ કાયમ ચિંતા સાથે કહે છે.
મસાલા માર્કેટમાં સડી ગયેલા મરચા મળી રહ્યા છે
રાજકોટમાં ચાલુ વર્ષે ખાદ્ય પદાર્થોથી માંડી મસાલાની ભેળસેળ પર મહાપાલિકાનું આરોગ્ય તંત્ર રીતસર તૂટી પડ્યું છે. થોડા સમયમાં જુદી જુદી અને દર વર્ષે ભરાતી મસાલા માર્કેટમાંથી નુકસાનકારક મસાલા પકડીને નાશ કરવામાં આવ્યા છે. આ બજારમાંથી તો સડી ગયેલા અને ફૂગાઇ ગયેલા મરચા મશીનમાં નાંખીને પાવડર બનાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે.
ફૂડ વિભાગ એકાંતરા ચેકિંગ કરી રહ્યું છે
કોર્પોરેશનમાં ખાસ ફૂડ અધિકારીઓની ટીમ છે. જે એકાંતરા વન વીક, વન રોડ ઝુંબેશમાં પોતાની રીતે જથ્થા નાશ, નોટિસ જેવી કાર્યવાહી કરે છે. પરંતુ આવા મોટા ભેળસેળિયા કૌભાંડ તો અધિકારીઓની ટીમ જાય ત્યારે જ પકડાય છે. રાજકોટમાં ખાણીપીણીનો મોટો ધંધો છે. પરંતુ જેટલું આ માર્કેટ છે તેટલા પ્રમાણમાં ચેકિંગ થતું નથી તે હકીકત છે. લોકોના આરોગ્ય સાથે ચેડા રોકવા સરકારે ખાસ ફૂડ એક્ટ બનાવ્યો છે. આથી નિયમોનો અમલ થાય એ માટે એન્ફોર્સમેન્ટ કાર્યવાહીની પણ એટલી જ જરૂર હોવાનો મત છે.
રાજકોટ મહાનગરપાલિકા અને ક્રાઇમ બ્રાંચના દરોડામાં જે સેમ્પલ ફેલ થયા તેની વિગત
નામ | પેઢી | પરિણામ |
ભેંસનું શુદ્ધ ઘી(લૂઝ) | રસિક બાબુ સવાણી, રૂપકલા નોવેલ્ટી | વેજિટેબલ ફેટ હોવાથી સબસ્ટાન્ડર્ડ |
ભેંસનું શુદ્ધ ઘી(લૂઝ) | કમલેશ હરજીવન તન્ના, ક્રિષ્ના ઘી ભંડાર, કેવડાવાડી | વેજિટેબલ ફેટ હોવાથી સબસ્ટાન્ડર્ડ |
અમૂલ ઘી(500 ગ્રામ) | મોન્ટુ બિપીન જોબનપુત્રા | વેજિટેબલ ફેટ હોવાથી સબસ્ટાન્ડર્ડ |
ગોપાલ ઘી(500 ગ્રામ) | મોન્ટુ બિપીન જોબનપુત્રા | વેજિટેબલ ફેટ હોવાથી સબસ્ટાન્ડર્ડ |
જસ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ કાજુ | દિલીપ જાદવ લિંબાસિયા, પ્રેસિયર્સ ઓર્નામેન્ટ | લોગો, નંબર, તારીખ ન હોવાથી મિસબ્રાન્ડ |
તીખી પાપડી (લૂઝ, ફરસાણ) | ભાવેશ સામત કારેણા, ભગવતી ફરસાણ આર્યનગર | સિન્થેટિક કલર હોવાથી સબસ્ટાન્ડર્ડ |
વેજિટેબલ ઘી હોલસેલમાં વેચતા મોટા મગર હજુ પકડથી દૂર
વેજિટેબલ ઘી લૂઝ વેચવું પણ ગેરકાયદે છે અને આ તમામ વેપારીઓ મોટા હોલસેલર પાસેથી લૂઝમાં જ માલ લઈને આવે છે. પણ આ મોટા ઉત્પાદકો હજુ સુધી પકડમાં આવ્યા નથી. રાજકોટમાંથી અત્યાર સુધીમાં ફક્ત એક જ વખત ભગવતીપરામાંથી ઘીનો મોટો જથ્થો પકડાયો હતો ત્યારબાદ કોઇ કાર્યવાહી થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.