રાજકોટમાં બેડીનાકા ખાતે કામનાથ મહાદેવ મંદિરે 23 વર્ષથી બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા ચાલે છે જેમાં ગામના તથા બહારગામના બ્રહ્મદેવો વિનામૂલ્યે સંસ્કૃત કર્મકાંડની તાલીમ મેળવે છે. આ તાલીમ પાઠશાળામાં અત્યાર સુધી 1500 બ્રહ્મદેવો તાલીમ લઇ ચૂક્યા છે અને અલગ-અલગ શહેરોમાં પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે હવે આ પાઠશાળામાં સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી ભાષામાં તાલીમ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ સિવાય મંદિરમાં મલ્ટિ ફેસેલિટી સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કામનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી પ્રિયવદનભાઈ કક્કડ જણાવે છે કે, વેદ પાઠશાળામાં સંસ્કૃત ભાષામાં તાલીમ તો આપવામાં આવશે તેની સાથે-સાથે અંગ્રેજી ભાષામાં પણ તાલીમની વિચારણા છે. કારણ કે, હાલમાં અંગ્રેજી ભાષાનું કલ્ચર પણ વધી રહ્યું છે. વિદેશમાં કે અન્ય કોઇ શહેરમાં કર્મકાંડ માટે જતા ભૂદેવો પાસે ભાષાના અભાવે તેઓને મુશ્કેલી ના પડે તે માટે અંગ્રેજી ભાષામાં તાલીમ આપવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. અત્યારે સાંજે 6.30 થી 8.00 સુધી બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા ચાલે છે. પાઠશાળામાં મંત્રોચ્ચાર સહિતની તાલીમ શિખવાડવામાં આવે છે.
આગામી દિવસોમાં મંદિરમાં સુવિધા પણ વધારવામાં આવશે. જેમાં મલ્ટિ ફેસેલિટી સેન્ટર ઊભું કરાશે. જ્યાં સિનિયર સિટીઝન માટે વિવિધ પ્રકારની કામગીરી થઇ શકશે. આ સિવાય મંદિર દ્વારા હાલમાં કોઈપણ જાતના ફંડફાળા વગર અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ગરીબોને ભોજન આપવામાં આવે છે.
ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં ભૂદેવો અભ્યાસ માટે આવે છે
આ પાઠશાળામાં વૈદિક કર્મકાંડનો અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં વેદ, પુરાણના મંત્રો કંઠસ્થ કરાવવામાં આવે છે. જેથી કરીને કોઇ કર્મકાંડમાં ચોપડી સાથે રાખવાની જરૂર રહેતી નથી. કુલ ચાર વર્ષનો કોર્સ હોય છે. વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે. જો કે અનેક લોકો ચાર વર્ષનો કોર્ષ પૂર્ણ થયા બાદ વધુ અભ્યાસ માટે આવે છે. મંદિરમાં હવન-પુજા માટે ભોલાભાઇ પોતાની સેવા આપે છે.
રોજ બે કલાકનો અભ્યાસ, નવી પેઢી જોડાય છે
નવી પેઢી પોતાના પરંપરાગત વ્યવસાયમાં જોડાય અને તેઓ વિદેશમાં જઈને પોતાનું કર્મ કરી શકે તે માટે અંગ્રેજી ભાષામાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમાં અમલવારી કરાશે. તાલીમ શાળામાં વધુમાં વધુ બ્રહ્મદેવો જોડાય તે માટે મંદિરના ટ્રસ્ટીગણ અને તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.અભ્યાસ પૂર્ણ કરનારને ડિગ્રી આપવામાં આવે છે.> હર્ષદભાઈ શાસ્ત્રીજી,બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.