રજૂઆત:VCEની હડતાળ, સરપંચો અને તલાટીઓનું સમર્થન મગાયું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-ગ્રામ સેન્ટર્સમાં ખોરવાતી કામગીરી

સરકારની યોજનાઓનો છેવાડાના ગામડાંઓ સુધી અમલ કરાવવામાં જેનો મુખ્ય ફાળો હોય છે તેવા વિલેજ કમ્પ્યૂટર ઓપરેટર (વીસીઇ) દ્વારા તેની વર્ષો જૂની માગણીઓને લઇને રાજકોટ જિલ્લાના 550 સહિત રાજ્યના કુલ 11000થી વધુ વીસીઇ ઓપરેટર્સ 11મીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ગામડે ગામડે ઇ-ગ્રામ સેન્ટર્સમાં ખોરવાતી કામગીરી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

એક તરફ સરકાર દ્વારા વીસીઇની હડતાળ વચ્ચે તલાટીઓને વીસીઇની કામગીરી સંભાળી લેવા હુકમ કરાયો છે, તો બીજી તરફ વીસીઇ મંડળ દ્વારા તલાટીઓ અને સરપંચોને તેની હડતાળને સમર્થન આપવા લેખિત રજૂઆત કરી છે.વીસીઇ મંડળના મહામંત્રી પંકજ પરમારે જણાવ્યું હતું કે,‘હડતાળના ભાગરૂપે તમામ વીસીઇ ઓપરેટર્સે કામગીરી બંધ કરી દીધી છે. મોરબી, સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લાઓમાં વીસીઇને નજરકેદ કરાતા રોષ દેખાયો છે.

અમારી મુખ્ય માગણીઓ એવી છે કે, સરકાર મામૂલી કમિશન ચૂકવે છે, તે પણ અનિયમિત મ‌ળતું હોઇ, અમને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે. સાથે જોબ સિક્યોરિટી અને સરકારી લાભો પણ આપે. સરકાર ગમે તેમ કરી અમારી લડતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અમારી લડતને સફળતા મળે તે માટે મંડળ દ્વારા તલાટીઓ અને સરપંચોને અમારી આ હડતાળને સમર્થન આપવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...