ગ્રામપંચાયતના ઓપરેટર્સે બે વર્ષ બાદ ફરી કમિશનપ્રથા નાબૂદ કરી કાયમી નોકરીનો દરજ્જો સહિતના લાભોની માગણી સાથે અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યા બાદ બીજી વખત પણ માગણીઓ બાકી હોવાની લાગણી સાથે હડતાળનો અંત આવ્યો હતો. બે વર્ષ પહેલા છ દિવસ હડતાળ ચાલી હતી, આ વખતે 22 દિવસ સુધી ઓપરેટર્સ કામકાજથી અળગા રહ્યા બાદ અંતે હડતાળ સ્થગિત કરી ગુરુવારથી ફરી ગામડાંઓમાં કામકાજ શરૂ કરી દેશે તેવું એલાન કર્યું છે.
ગ્રામીણ કમ્પ્યૂટર સાહસિક (વીસીઇ) મંડળના હોદ્દેદાર પંકજ પરમારે જણાવ્યું હતું કે, ‘હાલ અમે હડતાળ સ્થગિત કરી છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિતના ગ્રામજનોની તકલીફ જોઇને 22 દિવસ બાદ હડતાળ સ્થગિત કરી છે. દરમિયાન સરકાર અમારી સંપૂર્ણ માગણી નહીં સંતોષે ત્યાં સુધી સોશિયલ મીડિયા થકી વિરોધ કરવાનું જારી રાખશે.’
રાજકોટના 550 સહિત રાજ્યભરના 11000થી વધુ વીસીઇ ઓપરેટર્સ એક સાથે કામકાજ અટકાવી દેતા છેલ્લા 22 દિવસથી ગામડાંઓમાં ઇ-સેન્ટરમાં વિવિધ ડોક્યુમેન્ટ્સ કાઢવાની પ્રક્રિયા ખોરવાઇ ગઇ હતી. સરકારે આ હડતાળ વચ્ચે વીસીઇને મહિને રૂ.બે હજાર સુધીનું વેતન, નેટ પેકમાં માટે રૂ.200, બે લાખ રૂપિયાનું વીમા કવચ અને કમિશનદરમાં રૂ.5નો વધારો સહિતના લાભો આપવાની જાહેરાત પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.