ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ ને ગુજરાતના મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામુ આપતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે ર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી ઉંમર 83 વર્ષ છે હું મુખ્યમંત્રીની રેસમાં નથી. પાર્ટીના આદેશ મુજબ વિજયભાઈએ રાજીનામુ આપ્યું છે. આગળ નવા મુખ્યમંત્રી કોણ તે અંગે હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશ. એ માટે તમામ ધારાસભ્યોની બેઠક મળશે અને આ બેઠક બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
વિજય રૂપાણીને ઉપર લઇ જવા રાજીનામુ આપ્યું હોઈ શકે
ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ત્યારે વધુમાં વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીએ નિર્વિવાદ રીતે સતત 5 વર્ષ કામ કર્યું છે અને ખુબ સારી કામગીરી કરી છે. વિજય રૂપાણીને ઉપર લઇ જવા અથવા તો નવા સુકાનીને લાવવા માટે પણ રાજીનામુ આપ્યું હોઈ શકે છે.
વિજય રૂપાણીને શું જવાબદાર અપાશે તેના પર સૌની નજર
આ ઉપરાંત વર્ષ 2022 ચૂંટણીમાં પાટીદાર સમાજને રીઝવવા પાટીદાર મુખ્યમંત્રી બનાવવા ચર્ચા અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ કોળી સમાજ નું પ્રભુત્વ છે માટે એવો કોઈ પ્રશ્ન નથી આવતો. તમામ ધારાસભ્યો ની બેઠકે મળશે અને આ બેઠક બાદ મુખ્યમંત્રી કોણ તે અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે વર્ષ 2022 માં આવતી વિધાનસભા ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી સૌથી વધુ બેઠક સાથે ભાજપ જીત મેળવશે. ત્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ અને વિજય રૂપાણી આગળ શું જવાબદાર આપવામાં આવશે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે.
વિજય રૂપાણી પોતાના 65મા જન્મદિવસે વજુભાઈના આશીર્વાદ લીધા હતા
ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં વજુભાઈ વાળાની સૌથી સિનિયર નેતા તરીકે ગણના થાય છે. વજુભાઈ કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થતાં રાજકોટ પોતાના ઘરે પરત આવી ગયા છે, પરંતુ તેઓ ભાજપમાં કંઇ ભૂમિકા ભજવશે એ અંગે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજથી એક મહિનો પહેલા વિજય રૂપાણી પોતાના 65મા જન્મદિવસે દિગ્ગજ નેતા વજુભાઈ સામે નતમસ્તક થઇ આશીર્વાદ લીધા હતા. વજુભાઇની ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્વિત છે, પરંતુ કયા હોદ્દા પર આવશે એના પર સૌની નજર મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.