વજુભાઈ રિટર્ન્સ:2022ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ભાજપના માર્ગદર્શક કે સૌરાષ્ટ્રમાં પાટીલના સારથિ બની શકે, પડદા પાછળ રહી સૌરાષ્ટ્રની બેઠકો પર નજર રાખશે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વજુભાઈ વાળા. - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વજુભાઈ વાળા.
  • સૌરાષ્ટ્રમાં ટિકિટ ફાળવણીમાં વજુભાઈનું માર્ગદર્શન લેવાશે
  • રાજકોટ બેઠા-બેઠા પડદા પાછળ રહી ભાજપ માટે કામ કરી શકે

કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે. હવે તેઓ ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને રાજકોટ પરત ફરશે. વજુભાઈ રાજકોટ આવશે એ સમાચારથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. જોકે વિધાનસભા ચૂંટણી 2022માં વજુભાઈનો મહત્ત્વનો રોલ રહેશે.

તેઓ રાજકોટ બેઠા-બેઠા પડદા પાછળથી કામ કરશે કે પછી આગળ આવીને આખી ચૂંટણીમાં માર્ગદર્શકની ભૂમિકા નિભાવશે? કે પછી પાટીલના સારથિ બની કાર્ય કરશે. સૌથી પીઢ નેતાને ચોક્કસપણે વિધાનસભામાં માર્ગદર્શકની ભૂમિકામાં રાખવામાં આવશે, એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં વજુભાઈની સલાહ લેવાઈ શકે
જો વજુભાઈ વાળાની રાજકારણમાં રિએન્ટ્રી થાય તો જૂના નેતાઓ ફરી સક્રિય થઈ શકે છે અને એકચક્રી શાસન કરી રહેલા રૂપાણી જૂથને મોટો ફટકો પડી શકે છે. વર્તમાન ચૂંટણીઓમાં પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં ટિકિટની ફાળવણી હોય કે કોઈ મોટો મુદ્દો હોય ત્યારે પડદા પાછળ વજુભાઈની સલાહ લેવાતી હોય છે એવી પણ એક વાત સામે આવી રહી છે. હવે તો રાજકોટમાં બેસીને વજુભાઈ વિધાનસભા 2022ની ચૂંટણીમાં માર્ગદર્શક બને તો નવાઈ નહીં.

ડાબેથી શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા અને નરેન્દ્ર મોદી.
ડાબેથી શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા અને નરેન્દ્ર મોદી.

વજુભાઈ ગુજરાત ભાજપના સૌથી સિનિયર નેતા
મંગળવારે કર્ણાટકના નવા રાજ્યપાલના નામની જાહેરાત થતાં જ વજુભાઇએ રાજકોટ ખાતેના એક નજીકના મિત્રને હળવી શૈલીમાં કહ્યું હતું કે રાજકોટમાં હવે ડાયરાઓ કરીશું અને નાટકો જોઈશું, પરંતુ ગુજરાતના રાજકારણમાં સૌથી પીઢ ગણાતા સિનિયર આગેવાન વજુભાઇ વાળા ગુજરાતના રાજકારણમાં શું ભૂમિકા ભજવશે એના પર સૌની નજર રહેલી છે.

2012માં વિધાનસભાના અધ્યક્ષ બન્યા ત્યારની તસવીર.
2012માં વિધાનસભાના અધ્યક્ષ બન્યા ત્યારની તસવીર.

સરકાર અને સરકારી વહીવટનો બહોળો અનુભવ
શું વજુભાઇ ગુજરાતના સક્રિય રાજકારણમાં ફરી જોવા મળશે કે કેમ એવો સૌકોઈને સવાલ થઈ રહ્યો છે. ગુજરાતના ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઇ છે. એટલું જ નહીં, સરકાર અને સરકારી વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે ત્યારે ભાજપ તેની ભૂમિકા શું નક્કી કરે છે એ જોવું રસપ્રદ રહેશે.

2002માં નરેન્દ્ર મોદી માટે વિધાનસભા બેઠક ખાલી કરી હતી.
2002માં નરેન્દ્ર મોદી માટે વિધાનસભા બેઠક ખાલી કરી હતી.

સંબંધો, સલાહ અને વ્યૂહરચનાથી ભાજપને ફાયદો થયો છે
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વજુભાઈ બંધારણીય હોદ્દા પર છે, પરંતુ હવે તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. જોકે તેમનું માર્ગદર્શન ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થતું રહ્યું છે. ચૂંટણી સમયે સૌરાષ્ટ્રની બેઠકોમાં વજુભાઈનું માર્ગદર્શન, સંબંધો, વ્યૂહરચના અને કૂટનીતિથી ભાજપને ફાયદો થયો છે. હવે જ્યારે વજુભાઇ બંધારણીય હોદ્દા પરથી પરત આવી રહ્યા છે, ત્યારે તેમની ભૂમિકા ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની સાબિત થશે એમાં કોઇ શંકા નથી.

‘પાણીવાળા મેયર’નું બિરુદ મળેલું
વજુભાઈએ ભાજપને ગુજરાતમાં પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન જિતાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત થયા પછી 1983માં તેઓ મેયર બન્યા. એ વખતે સૌરાષ્ટ્ર આખામાં પાણીની ભારે તંગી હતી. વજુભાઈ રાજકોટ તથા આસપાસના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે એ માટે ઝનૂનથી કામ કરતા. તેમનું આ ઝનૂન જોઈને તેમને ‘પાણીવાળા મેયર’નું બિરુદ મળેલું.

રાજકોટ-2 બેઠકને અજેય ગઢ બનાવ્યો
ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપના ગણીને 11 ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમાંથી એક વજુભાઈ હતા. વજુભાઈ રાજકોટ-2 બેઠક પરથી જીતેલાને આ બેઠક પર પછી ક્યારેય ભાજપ હાર્યો નથી. વજુભાઈ પોતે સળંગ ચારવાર રાજકોટ-2 બેઠક પરથી જીત્યા. જો કે 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે આ બેઠક મોદી માટે ખાલી કરી આપેલી અને પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જિતાડવામાં કોઈ કસર છોડી નહીં. હાલ આ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટાઈ આવ્યા છે.

8 વિધાનસભા ચૂંટણી જીત્યા અને સૌથી વધુ વાર બજેટ રજૂ કર્યું
વજુભાઈ 1985થી લઈને 2012 સુધીમાં 8 વિધાનસભા ચૂંટણી ચૂંટણી જીતી ચૂક્યા છે. 1995થી 2012 સુધી તેઓ ભાજપ સરકારમાં નાણામંત્રીપદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો. જોકે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યા, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો.